મુખ્ય પ્રધાન રૂપાણીએ જેનું ઉદઘાટન કર્યું તેમાં કૌભાંડ નિકળ્યું, કૌભાંડ દબાવવા દબાણ

ગઢવાડા વિભાગ કેળવણી મંડળ સતલાસણા સંચાલિત રૂ.7 કરોડના દાનથી બનેલા મોટા કોઠાસણા નિવાસી શ્રીમતી રેખાબહેન કરશનભાઇ પ્રજાપતિ વિધાસંકુલનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપામીએ બીજી વખત 7 મે 2018ના દિવસે કર્યું તેના આજે  એક વર્ષ થયું છે ત્યારે ફરી એક વખત આ સંસ્થામાં ચાલતાં કૌભાંડો બહાર આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સમર્થ ગુજરાતના નિર્માણ માટે ભાવિ પેઢીના સામર્થ્યની જરૂરિયાત છે અને આ સામર્થ્ય ઘડતરનું કામ શિક્ષકો જ કરી શકશે.

સતલાસણાના અગ્રણી એડવૉકેટ કનુભાઈ એલ.પટેલે તે સમયે જાહેર કર્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત તંત્રને ગેરમાર્ગે દોરીને લોકાર્પણ કરાયુ હતું. અગાઉ 4 જૂન 2017ના રોજ દાતાઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું. છતા રાજકીય ફાયદો લઈ ઉચાપત કેસને દબાવવા રાતોરાત લોકાર્પણ કાર્યક્રમ કરાયો હતો. ભાજપના અગ્રણીઓનેજ હાઈસ્કુલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. મુખ્યમંત્રી કોઈપણ સ્થળે જવાના હોય ત્યારે  જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યને પૂછીને પછી જાય છે. મુખ્ય પ્રધાન આવતા હોય તો જે સ્થળના મકાન કાયદેસર છે કે નહીં, એન.એ થયુ છે કે નહીં તેની તપાસ કલેક્ટર અને  જિલ્લા વિકાસ અધિકારી કરે છે. તે તપાસ કર્યા વગર મુખ્ય પ્રધાન આવી ગયા હતા.

રાજકીય જસ ખાટવા આમંત્રણ પત્રિકામાં ખોટા નામો આડેધડ લખી દીધા હતા. બે ટ્રસ્ટીઓ પટેલ જોઈતાભાઈ લીલાભાઈ અને ચૌધરી ધનજીભાઈ ગલાભાઈના રાજીનામા આપ્યા હોવા છતા ઈરાદાપૂર્વક ફરીથી નામ લખાયા હતા.

હાઈસ્કુલ સંકુલનુ એન.એ. રીવાઈઝ થયુ નથી. ગઢવવાડા વિભાગ કેળવણી મંડળે સરકારને ગેરમાર્ગે દોરી મુખ્યમંત્રીને બોલાવી આબરૂના ધજાગરા કરાવ્યા હતા. કનુભાઈ પટેલે ત્યારે જાહેર કર્યું હતું કે, ગઢવાડા વિભાગ કેળવણી મંડળમાં તેઓ મંત્રી હતા ત્યારે રૂ.92.67 લાખની વ્યાપક ગેરરીતિ ધ્યાને આવી. ઉચાપતની ફરિયાદ પુરાવા સાથે પોલીસને આપી હતી. પોલીસે રાજકીય દબાણથી તે ફરિયાદ લીધી ન હતી. તેથી ગુજરાત વડી અદાલતમાં 4 વખત અપીલ કરી હતી.

અપીલને દબાવી રાખવા માટે સરકારી અધિકારીઓ ઉપર ધાક જમાવવા રાતોરાત મુખ્ય પ્રધાન દ્વારા લોકાર્પણ કાર્યક્રમ ગોઠવી દેવાયો હતો. કેળવણી મંડળના ટ્રસ્ટીઓ પોતાના સંતાનોને સતલાસણામાં ભણાવવાના બદલે મોટા શહેરોમાં ભણાવે છે. દાનની રકમથી રાજકીય મેળાવડાઓ કરીને સંકુલને હાની ન પહોચાડવી જોઈએ.

પાટીદાર આંદોલનમાં સક્રિય ભુમિકા ભજવનાર સતલાસણાના પાટીદારો ઉપર રોફ જમાવવા બજાર બંધ કરાવી દેવાયા હતા. તમામ મુખ્યમંત્રીઓને બચુભાઈ શાહે બોલાવ્યા છે જે તેમની રાજકીય વગ બતાવે છે.

ટ્રસ્ટી બચુ શાહે રૂ.92 લાખનું કૌભાંડ કર્યું હતું. તેમણે દાતાઓના 31 માર્ચ 2013માં એક જ દિવસે આ રકમ ઉપાડી હતી. ટ્રસ્ટીઓને જેની વિગતો આપવામાં આવી ન હતી. મહેસાણા મદદનીશ ચેરીટી કમિશ્નરને આ અંગે જાણ કરવામાં આવી છતાં કોઈ પગલાં લીધા ન હતા. આ અંગે વડી અદાલતે પોલીસને આદેશ આપ્યો હતો કે તપાસ કરીને અહેવાલ આપો. ત્યારે પોલીસે કહ્યું હતું કે કોઈ ગુનો બનતો નથી.

આખરે જિલ્લા પોલીસ વડા નિલેશ ઝાંઝડયાએ 31 જાન્યુઆરી 2019માં તપાસ કરી કૌભાંડમાં તથ્ય લાગતાં સતલાસણા પોલીસને ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો હતો. જે સતલાસણા પોલીસે ગુનો નોંધ્યો ન હતો.

તેની સાથે ફરિયાદીએ 4 વખત વડી અદાલતમાં અરજી કરવી પડી હતી. આમ 4 વખત વડી અદાલતમાં ગયા બાદ આ કૌભાંડમાં હવે 9 મે 2019માં ફરિયાદ નોંખવામાં આવી છે.

આ કૌભાંડમાં તપાસ નકરવા માટે ચેરીટી કમિશનર અને પોલીસ જવાબદાર છે. પોલીસે વડી અદાતમાં ખોટું શોગંદનામું રજુ કર્યું હોવાથી તે એક ગંભીર ગુનો છે. હવે પોલીસ અધિકારી તારા બાવાળા દ્વારા તપાસ થશે. ટ્રસ્ટના હિસાબો અને નોંધો જપ્ત કરીને બીજા કૌભાંડ પણ શોધી કાઢશે. બીજા લોકો સામે પણ ગુનો નોંધાશે.