મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૨નું ગાંધીનગર નજીકના અડાલજ ત્રિમંદિર પરિસરમાં ઉદઘાટન કરતા દેશની સંસ્કૃતિ અને ધરોહર બ્રાહ્મણોના તપ, સમર્પણ અને નિષ્ઠાથી ટકી છે તેવો અભિપ્રાય દર્શાવ્યો હતો.
તેમણે કહ્યું કે આદિ અનાદિકાળથી બ્રહ્મસમાજે હંમેશા પોતાની જ્ઞાનસંપદાથી સમાજ નિર્માણનું જ કાર્ય કર્યું છે. આ સમાજ હંમેશા રાષ્ટ્રહિતની સાતે રહેનારો અને રાષ્ટ્રહિતમાં સમર્પિતભાવે યોગદાન આપવામાં અગ્રેસર રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે રાજાઓ પોતાના પાટલીપુત્રોને શિક્ષા-દિક્ષા માટે બ્રહ્મર્ષિ-મહર્ષિઓના આશ્રમમાં મોકલતા અને આવા બ્રહ્મર્ષિઓ જ તેમનું સર્વાંગી ઘડતર કરતા.
તેમણે ભગવાન રામચંદ્રજી, શ્રીકૃષ્ણ અને વિવેકાનંદના ઉદાહરણો આપતા ઉમેર્યું કે આ બધાના ઘડતરમાં બ્રહ્મર્ષિ-ગુરુઓનો મહત્વનો ફાળો રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ બ્રાહ્મણને ભૂદેવ- દેવોના દેવ તરીકે ઓળખવામાં આવે છે તેની છણાવટ કરતા જણાવ્યું કે બહુધા જ્ઞાન-શિક્ષા, દિક્ષા આપનારા બ્રહ્મદેવોએ દેવોનું પણ ઘડતર કર્યું છે એટલે જ તેઓ જીવનભર નિર્માતા જ કહેવાયા છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ બદલાતા સમય સાથે બ્રહ્મસમાજે પણ સોચ બદલીને હવે રોજગાર-વ્યવસાય- ઉદ્યોગો ક્ષેત્રે પદાર્પણ કર્યું છે તેને વિદ્વતામાં વેપાર-વાણિજ્યના સંગમથી વિકાસની નવી દિશા ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ બ્રાહ્મણ કદિ સંકુચિત ન હોય તેમ જણાવતા કહ્યું કે વિશ્વકલ્યાણ ભાવ – બ્રહ્મદેવમાં અભિપ્રેત થયેલો જ હોય છે.
ભગવાન શંકરે સમુદ્રમંથન વેળાએ નીકળેલા વિષનું પાન કરીને સૃષ્ટિનું કલ્યાણ કર્યું તેમ બ્રહ્મદેવો પણ સ્વ સાથે સમાજનો – સમષ્ટિનો હિતભાવ જ સદાકાળ દર્શાવનારો સમાજ છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મા જ્યારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે બ્રહ્મત્વરૂપ થાય છે તેની સંવેદનાસ્પર્શી ભૂમિકા આપતા આત્માની જાગૃતિથી સમાજ નિર્માણ-સમાજ જાગૃતિ અને ઐક્યના આ સમિટના પ્રયોગને બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ બ્રહ્મસમાજના યુવાઓને વિશ્વના પ્રવાહો સાથે કદમ મિલાવી કૌશલ્ય જ્ઞાનથી જોબ સિકર થી જોબ ગિવર બનવાનું પ્લેટફોર્મ આ સમિટ બનશે તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.
બ્રાહ્મણ સમાજે હંમેશા દરેક સમાજને જ્ઞાન, સંસ્કાર અને જાગૃતિ આપી છે, તેમ કહી નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસમાં સમાજના અગ્રણીઓ- વિઘ્વાનો અને સરકાર સાથે મળી કામ કરે તો જ આગળ વઘી શકે છે. બ્રાહ્મણ સમાજે પોતાના યુવાનો વિશ્વ સાથે તદુરસ્ત સ્પર્ઘા કરી શકે અને ધંઘા – રોજગારમાં સમાજના યુવાનો આગળ વઘે તેવા આશયથી આજની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, તે વાત પ્રસંશનીય છે.
ગત વર્ષે યોજાયેલ સમિટની ફલશ્રૃતિ રૂપે સમાજના ૪૫૦૦ જેટલા નવયુવાનોને રોજગારી મળી છે તે વાત આનંદની છે. આ સમિટ થકી સમાજના યુવાનો સરકારની વિવિઘ યોજનાઓનો લાભ લઇ શકે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે, તે અભિનંદનને પાત્ર છે, એમ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે બ્રાહ્મણ સમાજ કથા-વાર્તા અને પૂજા-અર્ચના સુઘી મર્યાદિત ન રહે તે આજની માંગ છે. બ્રાહ્મણ સમાજ ધંઘા રોજગારમાં અગ્રેસર રહી દેશ- રાજયના વિકાસની ગતિને વઘુ ગતિશીલ બનાવવામાં મદદગાર બનશે. આ સમાજે હમેંશા સામાજિક સમરસતા જાળવવાનું કામ કર્યું છે.
“હું આજે આ સમિટમાં વિઘાનસભાના અઘ્યક્ષ તરીકે નહિ, પણ એક બ્રાહ્મમણ તરીકે આવ્યો છું”, તેમ જણાવતા વિધાનસભાના અઘ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ કહ્યું કે, બ્રાહ્મણોને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપવાનો અઘિકાર છે. આપણે બઘા જ ભારત માતાના સંતાન છીએ. સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કર્મકાંડ કરે છે, તે બ્રાહ્મણ છે. વર્ષોથી તપસ્યા, મંથન અને પરિક્ષણો કરી તેના નિચોડ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને ભારતીય વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરવાની જવાબદારી નિભાવી છે. એટલે સમાજમાં જે સારું કરે છે, કરી રહ્યાં છે તે અભિનંદનના અઘિકારી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
બ્રાહ્મણ સમાજે સર્વ જન સુખાય ભવન્તુની ભાવના સાથે સમાજનો વિકાસ ઝંખ્યો છે, તેવું કહી સમસ્ત બ્રહ્મ સમાજ, ગુજરાત રાજયના મહામંત્રી શ્રી યજ્ઞેશભાઇ દવેએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, પ્રથમ સમિટનું આયોજન કરીને ૪,૨૦૦ યુવાનોને નોકરી- રોજગાર આપવામાં આવી હતી. આ વખતે આ સમિટ થકી સમાજના ૧૦ હજાર યુવાનોને નોકરી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત નવીન બ્રહ્મ હેલ્પલાઇન અમલી બનાવવામાં આવનાર છે. જેમાં ૫૦૦ થી વઘુ દવા-લેબોરેટરી, ડોકટરો અને અન્ય ક્ષેત્રેના લોકો સહભાગી બન્યા છે. આ સમિટમાં ૬૨ હજાર જેટલા ફોર્મ ભરીને હેલ્પલાઇનનો આરંભ કરવામાં આવશે.
આ સમિટમાં ૨૨૦૦ જેટલી ચીજવસ્તુઓના ૧૫૦ જેટલા સ્ટોલ્સ છે. તેની સાથે સમાજના વિવિઘ ક્ષેત્રેના ૫૭૨ જેટલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે. ધર્મસભા થકી સમાજમાં સદભાવના ફેલાવવાનું પણ ઉમદા કાર્ય આ સમિટ થકી કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ચુંદડીવાળા માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ ગુજરાત રાજય યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડના અઘ્યક્ષ શ્રી ભાવનાબેન દવેએ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ઘારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઇ સેવક, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરીનભાઇ પાઠક, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા તથા સરકારના વિવિઘ બોર્ડ – નિગમના ચેરપર્સન સહિત મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.