ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં પેસ્ટીસાઈડ સાયપર મેપ્થીન પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન સોલવન્ટના કારણે આગ ફાટી નીકળી હતી. બે મોત થયા અને 7 કામદારો દાઝી જતા ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના અલગ અલગ યુનિટમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી વધુ આગ લાગી છે. મેઘમણી ઓર્ગેનિક યુનિટ ત્રણમાં સાયપર પ્લાન્ટમાં એકાએક આગ લાગી હતી. દરમિયાન કલોઝર આપી દઈ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ. મેઘમણીનું વડું મથક અમદાવાદના પ્રહલાદનગર ખાતે કોર્પોરેટ રોડ પર આવેલી છે.
કંપની પ્રિમાઈસીસમાંથી એક ડેડ બોડી મળી આવી હતી. સોલવંટને કારણે આગ લાગી હતી. છાશવારે મેઘમણીના યુનિટોમાં લાગતી આગ શંકા ઉપજાવે છે. ફેક્ટરી ઇન્સ્પેકટર વધુ તપાસ કરે તો વાસ્તવિકતા બહાર આવશે. કામ કરતા કામદારો કંપની સંચાલકોને સ્વાર્થનો ભોગ બનતા રહેશે.
80 ટકા સુધી દાઝી ગયા
ઘટનામાં 80 ટકા સુધી દાઝી ગયેલા આ 8 કર્મચારીઓની હાલત નાજુક હતી. વડોદરા ખાતે 80% દાજી ગયેલ અને સારવાર લેનાર કર્મચારી-કામદારોમાં ધવલ બોડિયા,દશરથ કૌલ,રાજેશભાઈ રાજ મારવાડીયાનો સમાવેશ થાય છે. 12 થી વધુ કંપનીના ફાયર ફાઈટરોએ સાડા પાંચ કલાક પાણી અને ફોમનો મારો ચલાવી આગ સવારે 10.30 કલાકે કાબુમાં લીધી હતી.
ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થમાંથી 2 દિવસ બાદ રીપોર્ટ આવતા કાર્યવાહી હાથ ધરાશે. કારખાના ધારા હેઠળ કંપની સામે આ દુર્ઘટનામાં કોર્ટમાં ગુનો પણ દાખલ કરવામાં આવશે. મોતને ભેટેલાં બે કર્મચારીઓના નામ અને વિગતો આ બનાવ અંગે ફરિયાદ નોંધાવનાર અને મેઘમણીના ઉચ્ચ અમલદાર શરદ મકવાણા જણાવી શક્યા ન હતા.
અગાઉ પણ આવું જ થયું હતું
સુરક્ષા ન વર્તતા કંપનીઓમાં ગંભીર અકસ્માતોની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેને કારણે કેટલાયે કામદારોએ પોતાનો કિંમતી જીવ ગુમાવી ચુક્યા છે. સેઝ એકમાં આવેલ મેઘમણી ઈન્ડસ્ટ્રીઝમાં 1 માર્ચ 2019ના રોજ સાંજના સમયે કોઈક કારણસર બ્લાસ્ટ થવા પામ્યો હતો. બ્લાસ્ટ ક્યાં કારણસર થયો છે એનું કારણ જાણવા મળ્યું ન હતુ. દાઝેલા કામદાર અજીમ અબ્બાસ મન્સૂરી ઉંમર વર્ષ 24,જુનેદભાઈ મુનીરભાઈ શેખ, મોન્ટુ, 21, સુધમ, વેલ્ડિંગની કામગીરી દરમિયાન પ્રચંડ ધડાકો થતાં 4 કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ અને નગરપાલિકા ભરૂચના સંયુક્ત ઉપક્રમે અને જીપીસીબી ભરૂચ તથા મેઘમણી ઓર્ગેનીક્સ લી. દહેજના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે BEAT PLASTIC POLLUTION થીમ આધારીત જિલ્લાકક્ષાના પર્યાવરણ દિનની ઉજવણીરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. pic.twitter.com/CkSzE3Uxh6
— Collector Bharuch (@CollectorBharch) June 5, 2018
વારંવાર આગ લાગે છે
વાગરા તાલુકાના દહેજ ખાતે મેઘમણી ગૃપ ઓફ કંપનીઝ દ્વારા અનેક પ્લાન્ટ ચલાવવગમાં આવી રહ્યા છે. આ યુનિટોમાં છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. તંત્ર આ જૂથની કંપનીઓ સામે નક્કર કોઈજ પગલાં ભરતું ન હોવાથી કંપની સંચાલકો સેફટીના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. થોડા સમય અગાઉ આખે આખી કંપની આગમાં સ્વાહા થઈ ગઈ હતી. મેઘમણી કંપની અકસ્માતો માટે કુખ્યાત બની છે. તંત્ર કંપની સામે કામદારોના હિતમાં કડક હાથે કામ લે તેવી માંગ કામદારાે દ્વારા કરી હતી.
લોક સુનાવણી છતાં કોઈ પગલાં નહીં
GPCBનો રેકર્ડ કહે છે કે, વાગરા તાલુકાના દહેજ મુકામે મેઘમણી ફાઇનકેમ કંપનીની લોકસુનાવણી 8 માર્ચ 2018માં યોજવામાં આવી હતી. પાણી તેમજ કોલસી નો મુદ્દો છવાયો હતો. ઉપરાંત સી.એસ.આર.પ્રવૃત્તિ તેમજ શિક્ષણ અને રોજગાર અંગે પણ કેટલાક જાગૃત નાગરિકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. લોકોએ આગની શક્યતા બતાવી હતી. છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.
ડોલરમાં તેના પીગમેન્ટ વપરાય છે
અમેરિકન ડોલરની નોટ પર લીલા રંગનો ઉપયોગ થાય છે. લીલા રંગના પીગમેન્ટને ગુજરાતના અમદાવાદ સ્થિત કંપની મેઘમણી ઓર્ગેનિક્સ કંપની બનાવે છે. ગ્રીનબેક ઈંક વડે તૈયાર કરવામાં આવે છે. એનએસઈ અને બીએસઈમાં લિસ્ટેડ કંપની મેઘમણી ઓર્ગેનિક્સ જનરલ એગ્રોકેમિકલ્સ અને પીગમેન્ટ્સ બનાવે છે.
ચલણી નોટોમાં રંગ તરીકે વપરાય છે
કંપની વિશ્વના 80-85 દેશોમાં પોતાના ઉત્પાદનો 50 ટકા નિકાસ કરે છે અને અડધી પ્રોડક્ટ દેશમાં જ વેચે છે. પિગમેન્ટનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં રંગવા, શ્યાહી, પેકેજિંગ ઈંક, ન્યૂઝપેપર ઈંક, મેગેઝિન ઈંક, પોસ્ટર ઈંક પ્લાસ્ટિક, રબર, પેઈન્ટમાં થાય છે. જે રંગ આવે છે તે પીગમેન્ટથી જ આવે છે. સિક્યોરિટી ઈંક વપરાતી હોય જેમ કે કરન્સી નોટ અને બોન્ડ પેપર વગેરેમાં પણ આ ઈંકનો ઉપયોગ થાય છે.
9 કિલો સોનાનું દાન
તેની સુનાવણી પછી 13 જુલાઈ 2018માં મેઘમણી ગ્રૂપના રમેશભાઈ પટેલે જગન્નાથને સાડા 9 કિલોનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. હીરા માણેક જડેલા જગન્નાથજી સિવાય બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના મુગટ પણ બનાવાયા હતા. રમેશભાઈ પટેલ તુર્કીમાં રહેતા હતા અને વિદેશમાં જ તેમણે ભગવાનને સોનાનું દાન કરવુ તેવો સંકલ્પ કર્યો હતો.
1986થી કંપની સાણંદમાં હતી
આ કંપનીનો પાયો 1986માં સાણંદમાં નંખાયો હતો. જ્યાં ભયંકર પ્રદુષણ કરતાં હોવાથી તે ફેક્ટરી બંધ કરી દેવાઈ હતી. આજે પણ સાણંદના ભૂગર્ભ જળ આ કંપનીના કારણે પ્રદુષિત થયેલા છે. લોકો પારેવાર બિમારીનો ભોગ બનેલા છે. આ કંપની પીગમેન્ટ બનાવવા માટે ગુજરાતમાં ગુજરાત ઈન્ડસ્ટ્રીઝની પાર્ટનરશીપ ફર્મની સ્થાપના થઈ હતી. જંગી ઉત્પાદન અને બહોળા નફાને કારણે કંપનીને 1995માં એક જોઈન્ટ સ્ટોક કંપનીમાં ફેરવવામાં આવી હતી. જેનું નામ મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ થઈ ગયું હતું. ત્યારથી મેઘમણી ઓર્ગેનિક્સે જંતુનાશકથી લઈને અન્ય પિગમેન્ટ પ્રોડક્ટ્સમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે.
સાણંદમાં કંપની બંધ કેમ થઈ
મનુભાઈ બારોટના ગલ્લાનું કામ બાજુ ઉપર થવા લાગ્યુ અને તેઓ એક પછી એક લોકોના કામ લઈ દોડવા લાગ્યા. તેમના વિસ્તારમાં આવેલ જાણિતી કેમિકલ ફેક્ટરી મેઘમણી ખુબ પ્રદુષણ ફેલાવતી હતી, તેમણે તંત્રમાં રજુઆત કરી પણ કોઈ પરિણામ આવ્યુ નહીં. તેમણે ગાંધીગીરી કરી ટ્રેક્ટર ભરી ફુલ લઈ મેઘમણી ફેક્ટરી ઉપર જતા અને ફુલ આપી પ્રદુષના કારણે લોકોને કેવો ત્રાસ થઈ રહ્યો છે તેનાથી વાકેફ કર્યા આખરે ફેક્ટરી બંધ કરવાની ફરજ પડી.સાણંદને હરિયાળુ બનાવવા માટે તેમણે વૃક્ષો વાવવાની શરૂઆત કરાવી, આજે સ્થિતિ એવી છે કે 30 હજાર કરતા વધુ વૃક્ષો ત્યાં ઉગી નિકળ્યા છે.
નફો રૂ.55 કરોડનો થયો
2019ના બીજા ક્વાર્ટરમાં મેઘમણી ઑર્ગેનિક્સનો 12.1 ટકા વધીને 61.7 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં મેઘમણી ઑર્ગેનિક્સનો નફો 55.1 કરોડ રૂપિયા રહ્યો હતો. આવક 8.8 ટકા વધીને રૂ.501.4 કરોડ પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં મેઘમણી ઑર્ગેનિક્સની આવક 460.6 કરોડ રૂપિયા રહી હતી. એબિટડા માર્જિન 22.3 ટકાથી વધીને 23.3 ટકા રહ્યા છે. મેઘમણી ઓર્ગેનિકસે રૂ.555 કરોડના ખર્ચે કલોર આલ્કલી પ્લાન્ટ એપ્રિલ 2009માં શરૂ થયો હતો. તેની સાથે જ કંપનીનું ઉત્પાદન બે ગણું થઈ ગયું હતું.
2016માં આખી કંપની ખાક
વાગરાના દહેજ પંથકમાં મોટા પ્રમાણમાં કેમિકલ તથા કંપનીઓ આવેલી છે. ઘણી કંપનીઓમાં લાપરવાહી અને સલામતીના સાધનોના અભાવે ગંભીર અકસ્માતો સર્જાય છે. દહેજમાં અનેક રાસાયણિક અનેક કારખાનાઓ આવેલા છે, જે સ્ફોટક પદાર્થોનું ઉત્પાદન કરે છે. કે ઉપયોગ કરે છે. અહિંની મેઘમણી ઓર્ગેનિક્સ લિ.માં જુલાઈ 2016માં ભીષણ આગ લાગી હતી જેમાં કંપનીને રૂ.37 કરોડ નુકસાન થયાનો અંદાજ છે. બીજી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં 30 જાન્યુઆરી 2017માં આગ લાગી હતી. કંપનીની બાજુમાં આવેલાં અભેટા ગામને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.
મેઘમણી ડાયઝ એન્ડ કેમિકલ્સ એન્ડ મેઘમણી ઈન્ડસ્ઠીઝ લી., આશિષ કેમિકલ્સ, મેઘમણી પીગમેન્ટસ, મેઘમણી ઈન્ડસ્ટ્રીઝ લી. અને મતાંગી ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. અમદાવાદના વટવા, છારોડી, પાનોલી, અંકલેશ્વરમાં પ્લાંટ છે. – દિલીપ પટેલ