અમદાવાદ, તા.25
મેઘાણીનગર પોલીસ ગુનેગારોને છાવરવામાં હર હંમેશ પ્રયત્નશીલ હોય છે. 16 વર્ષીય કિશોરને પેટ તેમજ સાથળમાં હુમલાખોરે ચાકુના જીવલેણ ઘા માર્યા હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસનો દેખીતી રીતે બનતો ગુનો નોંધવાના બદલે સામાન્ય કલમ (જામીનલાયક) હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, ગંભીર રીતે ઘાયલ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસને હવે હત્યાનો ગુનો નોંધવાની ફરજ પડી છે. બે મહિના અગાઉ લુખ્ખા તત્વોએ ઘાતક હથિયારો સાથે આતંક મચાવી એક નવજાત શિશુની હત્યા કરી નાંખી તે સમયે મેઘાણીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ પણ પોલીસ ગુનેગારોને છાવરવામાં જરા સરખી પણ કચાશ રાખતી નથી.
ગઈકાલે બુધવારની સાંજે મેઘાણીનગર ડીફેન્સ કોલોની ગલી નંબર 4ના કોર્નર પર કરણસીંગ રામઅવતાર ચૌહાણ (ઉ.16 રહે. શ્યામનગર, ભગવતી સ્કુલ સામે, ભાગર્વ રોડ, મેઘાણીનગર) અને મિત્ર અભિષેક ભદોરીયા વાતો કરી રહ્યા હતા. આ સમયે ત્યાં આવેલા અંકિત મિશ્રા (રહે. કઠવાડા રીંગ રોડ)એ અચાનક જ ચાકુ વડે કરણ પર હુમલો કરી દીધો હતો. કરણને પેટ અને ડાબા પગની સાથળ પર ચાકુના ઘા મારી દેતા કિશોર જમીન પર ફસડાઈ પડ્યો હતો. આ ઘટના બનતાની સાથે જ અભિષેક ભદોરીયાએ કરણના પિતા રામઅવતાર ચૌહાણને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ કરણને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જીવન મરણ વચ્ચે કરણ ચૌહાણ ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે મેઘાણીનગર પોલીસે રામઅવતાર ચૌહાણની ફરિયાદ લઈ નજીવી કલમ હેઠળ ફરાર અંકિત મિશ્રા (ઉ.22) સામે ગુનો નોંધ્યો હતો. ગંભીર રીતે ઘાયલ કરણનું સારવાર દરમિયાન આજે મોત નિપજતા પોલીસને હત્યાનો ગુનો નોંધવાની ફરજ પડી હતી.
ટુ વ્હીલરના મુદ્દે હત્યા થઈ
અંકિત મિશ્રા અને કરણ ચૌહાણ બંને મિત્રો હોવાનું મેઘાણીનગર પીઆઈ પી.જી.સરવૈયાએ જણાવ્યું છે. આર્મીમાં ભરતી થવા માટે બંને જણા સાથે રનીંગની પ્રેકટીસ કરતા હતા. ગઈકાલે અંકિત અને કરણ વચ્ચે ટુ વ્હીલરના મુદ્દે ઝઘડો ગાળા ગાળી થઈ હતી. જેથી આવેશમાં આવેલા અંકિત મિશ્રાએ નજીકમાં ઉભેલી શાકભાજીની લારી પરથી ચાકુ લઈને મિત્ર કરણને ઘા મારી દીધા હતા.