મેજીક પેનથી ચેક દ્વારા મહિન્દ્રા હોલીડે રિસોર્ટના નામે લાખો રૂપિયા બેંકથી ઉપાડી લીધા

મહિન્દ્રા હોલીડેના પૂર્વ કર્મચારીએ મેજીક પેન વડે 24 મેમ્બર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા – હેડિંગ
અમદાવાદ, નોકરીમાંથી કાઢી મુકાયેલા મહિન્દ્રા હોલીડે એન્ડ રિસોર્ટ ઈન્ડીયાના પૂર્વ ટેલીમાર્કેટીંગ મેનેજરે બે ડઝન જેટલા મેમ્બર પાસેથી મેળવેલા ચેક ઉપર મેજીક પેનથી કેન્સલ લખી તે ચેક દ્ધારા બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા છે. આ મામલે મહિન્દ્રા હોલીડેના રિજીઓનલ મેનેજર સમીર જોસેફે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે જય મનુભાઈ દુધાત વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુર તળાવ પાસે આમ્રપાલી લેક વ્યુમાં આવેલી મહિન્દ્રા હોલીડે એન્ડ રિસોર્ટમાં જાન્યુઆરી-2018માં જય મનુભાઈ દુધાત (રહે. સનલાઈઝ પાર્ક સોસાયટી, વસ્ત્રાપુર મૂળ રહે. હરિવિહાર સોસાયટી, લીલીયા રોડ, અમરેલી) ટેલી માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી જોડાયો હતો. જય દુધાત પાસે નવા-જુના તમામ મેમ્બરના નામ, સરનામું, કોન્ટેક નંબર સહિતની માહિતીનો ડેટા જય દુધાત પાસે રહેતો હતો. જુલાઈ-2018થી જય દુધાતે નોકરી આવવાનું બંધ કરી દેતા તેને સપ્ટેમ્બર-2018માં નોકરીમાંથી કાઢી મુકાયો હતો. નોકરીમાંથી કાઢી મુકાયા બાદ જય દુધાતે મહિન્દ્રા હોલીડેની મેમ્બરશીપ બાબતે ખોટી લાલચો અને સ્કીમ બતાવી બે ડઝન લોકો પાસેથી કેન્સલ ચેક મેળવી લઈ સેલ્ફ લખી ખાતામાંથી પોણા છ લાખ રૂપિયા જેટલી રકમ ઉપાડી લીધા હોવાની ઘટના સામે આવી છે.

આરોપી સહી કરેલો ચેક મેળવતો અને મેમ્બરની હાજરીમાં મેજીક પેન વડે તેના ઉપર કેન્સલ લખી દેતો હતો. મેજીક પેનનું લખાણ દુર કરીને જય દુધાત ચેકમાં સેલ્ફ લખી રૂપિયા બેંકમાંથી મેળવી લેતો હતો.