મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ

અમદાવાદ,તા:૨૫

શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન આવવાના હોવાથી મ્યુનિ. કમિશનરે તાત્કાલિક મિટિંગ બોલાવી ચાર દિવસમાં જ ખાડા પૂરવા માટે આદેશ કર્યો હતો. જો કે એ અલગ બાબત છે કે વડાપ્રધાનની મુલાકાત પૂર્ણ થઈ હોવાથી ચાર દિવસનું કામ નવ દિવસમાં કરવામાં આવ્યું છે. ઈજનેર વિભાગના અધિકારીઓને ચાર દિવસમાં ખાડા ન પુરાય તો સસ્પેન્ડ કરવાની ચીમકી આપી હતી.

કોર્પોરેશનના આ ખાડા પૂરો અભિયાન અંતર્ગત સરકારી ચોપડે 1.37 લાખ ચો.મી.નું પેચવર્ક કરવામાં આવ્યું હોવાનું નોંધાયું છે, જો કે આ કામ શહેરના રસ્તાઓ પર ઓછું જ દેખાય છે. શહેરમાં ક્યાંક મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, તો ક્યાંક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રોજેક્ટના કારણે પણ શહેરના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેના પગલે શહેરમાંથી 14316 ખાડા પૂરવામાં આવ્યા છે. ઈજનેરખાતાની ભાષામાં 1.37 લાખ ચો.મી. ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યું છે, જેના માટે પ્રજાના માત્ર રૂ.ત્રણ કરોડ જ ખર્ચ થયા છે.

જોવાનું એ છે કે જે ખાડા પૂરવામાં આવ્યા છે તે પૈકી એકપણ ખાડો કે રોડ ડિફેક્ટ લાયેબિલિટીમાં આવતા નથી, એટલે કે તેમાં કોન્ટ્રાક્ટની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે પ્રજાનાં પૈસે જ રસ્તાના પેચવર્કનો તમામ ખર્ચ નાખી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશને તમામ પેચવર્ક કરવા માટેની તૈયારી પણ દર્શાવી છે. જોવાનું એ છે કે અમદાવાદના 2500 કિ.મી.ના રોડ નેટવર્ક પૈકી 600 કિ.મી.ના રસ્તા હજુ કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે.

મ્યનિ.ના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે પેચવર્કનાં કામ લગભગ પૂર્ણ થઈ ગયાં છે, તથા એકાદ સપ્તાહમાં જ રોડ રિસરફેસનાં કામ પણ શરૂ કરાશે. જોવાનું એ છે કે 2017 દરમિયાન જે રોડ-રસ્તા તૂટ્યા હતા તથા હાઈકોર્ટના આદેશ બાદ રિસરફેસ કરાયા હતા તે પૈકી એકપણ રોડ તૂટ્યા નથી.

અમદાવાદીઓ માટે શહેરમાં ચાલતું મેટ્રો પ્રોજેક્ટનું કામ પણ માથાના દુખાવારૂપ સાબિત થઈ રહ્યું છે, મેટ્રોના પ્રોજેક્ટના કારણે ક્યાંક રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, તો ક્યાંક પારાવાર ગંદકી અને મચ્છરનાં બ્રીડિંગ જાવા મળે છે.

મેટ્રો પ્રોજેક્ટની આ સમસ્યાઓના પગલે મ્યુનિ. કોર્પોરેશને ત્રણ વર્ષમાં 60 વખત મેટ્રોના અધિકારીઓને આ સમસ્યાઓ અંગે પત્ર લખ્યા છે, એ વાત અલગ છે કે આ પત્રોનો કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. જો કે કોર્પોરેશન મેટ્રો પાસે એવી આશા રાખીને બેઠું છે કે એક અઠવાડિયામાં જ તેમના દ્વારા રોડ રિપેર કરી આપવામાં આવશે. મેટ્રો સાઈટની આસપાસ અંદાજે 38 કિલોમીટરના રોડ તૂટ્યા છે. આ તમામ રોડ મેટ્રો રિપેર કરશે તેવી આશા સફળ નહીં થાય તો મ્યુનિ. કોર્પોરેશન સ્વખર્ચે તમામ રોડ રિપેર કરશે. આ રિપેર પાછળ થનારો ખર્ચ મેટ્રો પાસેથી વસૂલ કરવાનો કોર્પોરેશનનો દાવો હાસ્યાસ્પદ લાગી રહ્યો છે. જો હજુપણ શહેરીજનોને રસ્તા પર ખાડાની ફરિયાદ હોય તો 155303 પર કોલ કરીને ફરિયાદ કરી શકે છે.

અમદાવાદના અકસ્માત સંભવિત વિસ્તારમાં વધ્યું અકસ્માતનું જોખમ
અમદાવાદના એસ.જી. હાઈવે પરનો સોલા ઓવરબ્રિજ અકસ્માત સંભવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, જે અંગે બ્રિજ પર ચેતવણી પણ આપવામાં આવી છે. જોવાનું એ છે કે આ બ્રિજ પર અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસની કારને અકસ્માત નડી ચૂક્યા છે, છતાં પણ રસ્તા અંગે કોર્પોરેશન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. સોલા બ્રિજ પર ઠેકઠેકાણે મોટા ખાડા અને રસ્તા પરની કપચી ઉખડી ગઈ છે, જેથી કરીને અહીં ટુ-વ્હીલરના ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. કેટલાક સ્થળે તો 100 મીટર સુધીના રસ્તા એટલા ખરબચડા થઈ ગયા છે કે તે ડિસ્કોરોડની અનુભવ કરાવે છે. ત્યારે લોકોમાં ચર્ચા ઊઠી રહી છે કે અકસ્માત સંભવિત વિસ્તારમાં શું કોર્પોરેશન મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

ખાડા ખોદી યોગ્ય પુરાણ ન કરાતાં ટોરેન્ટ પાવરને 35 લાખનો દંડ
હાઈટેન્શન વાયર દૂર કરીને રસ્તા નીચે લાઈન નાખવા માટે ટોરેન્ટ પાવર દ્વારા સમગ્ર શહેરમાં કામગીરી કરવામાં આવી, પરંતુ તેનું યોગ્ય પુરાણ અને વોટરિંગ કરવામાં ન આવતાં ચોમાસામાં રોડ બેસી જવાની ઘણી ઘટના સામે આવી છે. આવી ઘટનામાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટોરેન્ટ પાવરને રૂ.35 લાખનો દંડ કરવામાં આવ્યો છે.