મેડિકલમાં તમામ 612 આદિવાસી બેઠકો પ્રથમ વખત ભરાઈ

અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓ MBBS જેવા ઉચ્ચતમ કારકિર્દી ધરાવતા અભ્યાસક્રમોમાં જરૂરી માહિતી નહીં હોવાને પરિણામે પ્રવેશ મેળવી શક્તા નથી. મેડીકલ ક્ષેત્રની પ્રવેશ માટેની NEETની પરીક્ષામાં સારો સ્કોર ન કરી શકવાને કારણે પ્રવેશ મેળવી શક્તા નથી. ૩૦૦ જેટલા કોચીંગ વર્ગો શરૂ કરાયા છે. જેના થકી આ વર્ષે ૬૧૨ અનુસૂચિત જાતિની તમામ મેડીકલ સીટો ભરાઇ છે. આદિજાતિ દુર્ગમ વિસ્તારોમાં ડોક્ટરોની અછત હોવાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ વિસ્તારોમાં તેમની ડોક્ટરી સેવા આપે એવું સરકાર ઈચ્છે છે.

ગુજરાત જ એવું રાજ્ય છે કે, જ્યાં તબીબી ક્ષેત્રે ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કવોટાની ફી ગુજરાત સરકાર આપે છે. ૬૧૨ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની તબીબી ક્ષેત્રે તમામ સીટ ભરાઇ હોય તેવું પ્રથમ વર્ષ છે. ચાલુ વર્ષે એડમીશન થયા પહેલા જ કવોલીફાય વિદ્યાર્થીઓની ફ્રી શીપ કાર્ડ આપવામાં આવ્યા છે. રૂ.૨.૫૦ લાખથી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જનજાતિના કુમાર અને કન્યા તથા રૂ.૨.૫૦ લાખથી વધુ આવક ધરાવતા અનુસૂચિત જનજાતિની કન્યાઓને બિનઅનુદાનિત સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલ હોય તેઓને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરીએથી જરૂરી આધાર પૂરાવા રજૂ કરીને જરૂરી બાંહેધરીપત્ર આપવામાં આવે છે. જેને ફ્રી શીપ કાર્ડ કહે છે. આ કાર્ડ રજૂ કરનાર વિદ્યાર્થી પાસેથી સંસ્થા દ્વારા માન્ય શિક્ષણ ફી લેવામાં આવતી નથી.

આદિજાતિ વિસ્તારોમાં NEETના વિનામૂલ્યે કોચીંગના કારણે હવે અનુસૂચિત જનજાતિની તબીબીની ૧૦૦ ટકા જગ્યાઓ ભરાવા લાગી છે. મેરીટ નીચુ લઇ જઇને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પ્રવેશ આપવાને બદલે તેમને ઉચ્ચસ્તરનું કોચીંગ આપી તબીબી ક્ષેત્રમાં પ્રવેશ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લઇ આ હેતુને સર કરવા ૩૦૦ જેટલા NEETના કોચીંગ વર્ગો શરૂ કરાયા છે.  MBBSની સાથે આયુર્વેદિકની સીટો પણ હવેથી NEETની પરીક્ષાથી ભરાશે. kycmedguj.in  વેબસાઇટ પર ગુજરાતની તમામ મેડિકલ કોલજની માહિતી પૂરી પાડવામાં આવી છે.

MBBSના અભ્યાસક્રમમાં પણ નવો સુધારો કરવામાં આવ્યો છે. દાકતરી તજજ્ઞોને માનવીય વલણ દાખવવા માટે એટકોમ (એટીટ્યુડ અને કોમ્યુનિકેશન)નું વિશેષ જ્ઞાન પુરૂ પાડવામાં આવશે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક સ્વસ્થ રહેવા અનુરોધ કર્યો હતો.

આદિજાતિઓ માટે ‘‘ઇ-વનબંધુ’’ એન્ડ્રોઇડ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી. જેમાં જીલ્લા પ્રમાણે યાદી મુજબ ૮ કેટેગરીમાં ૩૯ યોજનાઓની માહિતી પૂરી પડાઇ છે. એપ્લાય કરવા માટે ઓન લાઇન, કનેકટ, ફીડબેક, શેર તથા ડાઉનલોડ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા રૂા.૧૪૦૦૦ કરોડનું આદિજાતિ લોકો માટેનું ભંડોળ છે. પાંચ એકલવ્ય, ચોવીસ આદર્શ નિવાસી અને નવી સમરસ છાત્રાલયો શરૂ કરવામાં આવી છે. આદિજાતિ વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે તથા તે માટેની પરીક્ષા જેવી કે IELTS માટે પણ ફીમાં મદદ કરવામાં આવે છે. અત્યાર સુધી આશરે ૨૩,૬૦૦ જેટલા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને NEETની તાલીમ આપવામાં આવી છે.