મેડિકલ કોલેજોમાંથી અંતે માફિયાઓનુ રાજ ખતમ

પહેલા ત્રણ વર્ષની પરીક્ષા યુનિવર્સિટીના બદલે કોલેજોને સોપી દેવામાં આવી : મેડિકલ શિક્ષણમાંથી હવે યુનિવર્સિટીઓનુ વર્ચસ્વ પણ આખરે પુરુ થયુ : ફાઇનલ એકઝામને જ પી.જી.નીટ ગણીને તેના આધારે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને મેડિકલ કાઉન્સિલની રચનાની સાથે જ મેડિકલ એજ્યુકેશનમાં ધરખમ ફેરફારો લાવવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓની ફાઇનલ સિવાયની તમામ પરીક્ષા કોલેજો દ્વારા લેવામાં આવશે. ફાઇનલ પરીક્ષા ભારત સરકાર દ્વારા લેવાનુ નક્કી કરાયુ છે. આ નિર્ણયની સાથે જ દેશની તમામ યુનિવર્સિટીઓનુ મેડિકલ કોલેજો પરનુ વર્ચસ્વ શૂન્ય થઇ ચુક્યુ છે. વર્ષો સુધી મેડિકલ એજ્યુકેશન પર વર્ચસ્વ પ્રસ્થાપિત કરીને સત્તા ભોગવતાં તત્વો માટે હવે નવી જોગવાઇમાં કોઇ વિકલ્પ ન રહે તેવી સ્થિતિ ઉભી થઇ છે. પી.જી.માં પ્રવેશ માટે પણ ભારત સરકાર દ્વારા લેવાતી છેલ્લા વર્ષની પરીક્ષાને જ નીટની સમકક્ષ ગણવાનુ નક્કી કરાતા હવે પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે લાગતાં-વળગતાંઓને ગોઠવી દેવાની તમામ પ્રક્રિયાઓનો અંત આવી ચુક્યો છે.

ભારત સરકાર દ્વારા એમસીઆઇના સ્થાને નવી કાઉન્સિલની રચના કરવાની જાહેરાત બાદ તેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. નવા બોર્ડ દ્વારા સૌથી પહેલા મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષથી લઇને ચોથા વર્ષ સુધીની પરીક્ષાઓ કે જે અત્યાર સુધી યુનિવર્સિટીઓ લેતી હતી તેના બદલે હવે કોલેજોને સોંપી દેવામાં આવી છે. આ નિર્ણયના કારણે છેલ્લા ૫૦ વર્ષથી મેડિકલ કોલેજો પર એકચક્રી શાસન કરતી યુનિવર્સિટીઓ અને ચોક્કસ તત્વોનુ વર્ચસ્વ ખતમ થઇ ચુકયુ છે. નવા નિયમ પ્રમાણે ત્રણ વર્ષની પરીક્ષા જે તે કોલેજો દ્વારા જ લેવામા આવશે. જયારે ચોથા વર્ષ એટલે કે ફાઇનલ વર્ષની પરીક્ષા ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષાના એક્ઝીટ એકઝામ ગણી લેવામાં આવશે. આજ પરીક્ષાના મેરિટના આધારે આગળ અભ્યાસ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને પી.જી. એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ મળશે. અત્યાર સુધી પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે અલગથી નીટ લેવામાં આવતી હતી. હવે પી.જી.નીટના સ્થાને એક્ઝીટ એકઝામને જ નીટ ગણી લેવામા આવશે. વિદ્યાર્થીઓએ હવે અલગથી પી.જી.નીટ આપવાની રહેશે નહી. મેડિકલના સૂત્રો કહે છે કે અત્યાર સુધી પહેલા વર્ષથી લઇને છેલ્લા વર્ષ સુધીની પરીક્ષાઓ જે તે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી હતી. મેડિકલની પરીક્ષાનુ તંત્ર અલગ હોવાથી યુનિવર્સિટી સત્તાધીશો પણ મેડિકલની પરીક્ષા મેડિકલ કોલેજો સાથે સંકળાયેલા કેટલાક ચોક્કસ તત્વોને સોંપી દેતાં હતા. જેના કારણે મેડિકલમાં કયા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાવવો ત્યારથી લઇને દરેક વર્ષમાં શ્રેષ્ઠ માર્કસ લાવવામાં આ તત્વો લાગતાં-વળગતાંઓની રીતસરની તરફેણ કરતાં હતા.એક રીતે કહીએ તો મેડિકલ એજ્યુકેશન પર ચોક્કસ તત્વોને દબદબો રહેતો હતો. જે વિદ્યાર્થીઓ આ તત્વોના શરણે જાય તેમને જ મેડિકલમાં પ્રથમ વર્ષથી લઇને ચોથા વર્ષમાં સારા માર્કસ અને ટકા આપવામાં આવતાં હતા. હવે નવા નિયમના કારણે આ પ્રકારની મોનોપોલી દૂર થઇ ચુકી છે.


કોમન કરીક્યુલમ પણ જાહેર કરી દેવાયો

ભારત સરકાર દ્વારા દરેક મેડિકલ કોલેજોમાં એક સરખો અભ્યાસક્રમ ભણાવવામાં આવે તે માટે કોમન કરીક્યુલમ જાહેર કરી દેવાયો છે. આગામી તા.૧લી ઓગસ્ટથી તમામ મેડિકલ કોલેજોએ ભારત સરકારે જે પ્રમાણે ગાઇડલાઇન આપી છે તે પ્રમાણેનો કોર્સ ફરજિયાત ભણાવવાનો રહેશે. આ નવા કરીક્યુલમમાં કયારે પરીક્ષા લેવાશે તે સહિતની તમામ વિગતો જાહેર કરી દેવામાં આવી છે.