અમદાવાદ,તા.07
શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, મેલેરિયા અને ફાલસીફેરમના સંખ્યાબંધ કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે મચ્છર નિયંત્રણની કામગીરીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં બ્રીડિંગ મળી આવતા સોલા સિવિલ હોસ્પિટલને રૂ ૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ભણતા ડોકટરો અને સ્ટાફમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસો જોવા મળ્યા છે. છેલ્લા એક જ અઠવાડિયામાં એક ડઝન જેટલાં રેસિડેન્ટ ડોકટરો ડેન્ગ્યુનો ભોગ બન્યા છે.
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો જણાવે છે કે અહીં વિવિધ જગ્યાએ બિલ્ડીંગના બાંધકામો ચાલી રહ્યાં છે. જેના કારણે વારંવાર અહીં મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેથી છેલ્લા બે મહિનામાં સંખ્યાબંધ ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ડેન્ગ્યુ જેવા રોગનો ભોગ બની ચુક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં કોલેજમાં થતી બાંધકામ ની કામગીરી અને અન્ય કન્સ્ટ્રકશન સાઇટો ઉપર નોટિસો જારી કરવામાં આવી હતી. છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા સોલા સિવિલ કેમ્પસમાં થી મચ્છરોના બ્રીડિંગ મળતાં કોર્પોરેશન દ્વારા રૂપિયા ૨૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે મ્યુનિ કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયાની રોકથામની કામગીરી દરમિયાન જુદા જુદા સ્થળે મચ્છરોના બ્રીડિંગ મળતા નોટિસ ફટકારી કુલ ૪. ૪૨ લાખનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન ના સુત્રો જણાવે છે.