મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો અમલ કેટલો થયો તેની વિગતો રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ, તા. 22  શહેરના વિશાલા સર્કલ પાસે ટાંકીમાં પડી જતાં બે કામદારોના થયેલા મોત મામલે સરકારે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નો અહેવાલ વડી અદાલતમાં રજૂ કર્યો હતો. જે સંદર્ભે અદાલતે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો યોગ્ય રીતે અમલ કેટલો થયો તે જણાવવા આદેશ કર્યો છે. અને આ કેસની વધુ સુનાવણી 11 નવેમ્બર મુકરર કરી છે.

આ કેસની વિગતો એવી છે કે, વિશાલા સર્કલ પાસે ટાંકીની ઉંડાઈ ચકાસવા જતાં બે કામદારોના તેમાં પડી જવાના કારણે મોત નિપજ્યા હતા. જે સંદર્ભે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે હાથથી થતી ગટરની સફાઈની પ્રથા નાબૂદ કરવાની માગણી સાથે વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઈ હતી. જેની સોમવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને આ સફાઈકર્મીઓના મોત માટે કોણ જવાબદાર હતું અને આ કર્મચારીઓના મોત ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન થયા છે કે નહિ તે મામલે એક અહેવાલ મંગળવારે રજૂ કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે રાજ્ય સરકારે આજે અમપાનો એક અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.

અમપાના અહેવાલમાં જણાવ્યું હતું કે, બન્ને મૃતકો પાણીની ઉંડાઈ ચકાસવા જતા તેમાં પડી ગયા હતા. અને બન્ને નર્મદા પુરવઠા વિભાગના કર્મચારી હતા. આ કેસમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ અમલી નથી બનતો. જેથી મૃતકોના વારસદારોને વળતર પેટે રૂ. 10 લાખ આપવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.

આ અહેવાલ બાદ હાઈકોર્ટે સરકારને રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો યોગ્ય રીતે અમલ કેટલો થયો તે વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો અને આ કેસની વધુ સુનાવણી 11 નવેમ્બર મુકરર કરી હતી.