આજરોજ અમદાવાદના થલતેજ વિસ્તારમાં હજારો સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ‘‘ભારત માતા કી જય’’ અને ‘‘વંદે માતરમ્’’ના ગગનભેદી નારાઓ સાથે સ્વયંના નિવાસસ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવી તથા સ્ટીકર લગાવીને પક્ષનાં રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહે ‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનનો પ્રભાવી પ્રારંભ કર્યો હતો.‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ અભિયાનના દેશવ્યાપી શુભારંભ પ્રસંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ઉદ્બોધન કરતા રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના અભિયાનનો સર્વપ્રથમ કાર્યક્રમ ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ નો આજથી શુભારંભ થઇ રહ્યો છે. દેશભરના પાંચ કરોડથી વધુ કાર્યકર્તાઓ કમળના શુભ ચિહ્ન સાથે પોતાના ઘર ઉપર ધ્વજ લગાવીને કુલ ૨૦ કરોડથી વધુ મતદારો ભાજપા તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીને પોતાનું સમર્થન વ્યક્ત કરશે. ગત ચૂંટણીમાં ૧૭.૫ કરોડ મતદારોના સમર્થન સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. આ વખતે આ અભિયાનની શરૂઆતમાં જ ૨૦ કરોડ મતદારો સાથે આપણે સીધો સંપર્ક પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. સંગઠનની સંચિય શક્તિ જાગૃત કરીને તેને વિજયમાં પરિવર્તિત કરવાનો આ કાર્યક્રમ છે. કાર્યક્રમના પ્રથમ ચરણમાં જ એક કલાકમાં ૧ લાખથી વધુ લોકોએ ભાજપાના ધ્વજને પ્રસ્થાપિત કર્યો છે.
સંગઠનના ચાર કાર્યક્રમો – ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ મહાસંપર્ક અભિયાન, કમલજ્યોતિ, તથા વિજય સંકલ્પ રેલીની શ્રૃખલા દ્વારા દેશની જનતા, ગરીબ, પાર્ટીના કાર્યકર્તા અને ભાજપાના વિજયને એક વિજયમાળાના સંકલિત મણકા બનાવવાનું આ સંગઠનલક્ષી મહાપર્વ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપા તથા એનડીએ શાસિત ૧૬ રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા અભૂતપૂર્વ લોકકલ્યાણના કાર્યો થયા છે. ૬ કરોડ પરિવારોને ઉજ્જવલા ગેસ યોજના દ્વારા મફત ગેસ કનેક્શન આપવાની વાત હોય, કે ૨.૫ કરોડ જરૂરતમંદ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાના હોય, કે ૨.૫ કરોડ પરિવારોને સૌભાગ્ય યોજના દ્વારા વિજળી પહોંચાડવાની છે, કે ૮ કરોડ પરિવારોને શૌચાલય ઉપલબ્ધ કરાવીને મહિલા ગરીમાને વધારવાનું કાર્ય કરવાનું હોય – આ તમામ કાર્યો છેવાડાના માનવીના અંત્યોદયને અનુલક્ષીને ભાજપા શાસનમાં થયેલા છે. આરોગ્ય માટે વિશેષ ચિંતા કરીને ૫૦ કરોડ દેશબાંધવો માટે આયુષ્યમાન યોજના દ્વારા પાંચ લાખ સુધીનો વીમો પણ ભાજપા સરકારે ઉપલબ્ધ કરાવ્યો છે. પાર્ટીનો ભાવ એ છે કે જે લાભાર્થીઓ થયા છે તે ઉપરાંત બીજા કરોડો લોકોને આ લાભ પહોંચાડવાનો છે. ૭૦ વર્ષમાંથી ૫૫ વર્ષ જે કોંગ્રેસના શાસનમાં દલીત, ગરીબ, ખેડૂત યુવા, મહીલાઓ કોઇપણ પ્રકારના લાભથી વંચિત હતા તેમને નરેન્દ્રભાઇની સરકારમાં જે લાભ મળ્યો છે તેવા ૨૫ કરોડ લાભાર્થીઓ માટે આપણે કમળજ્યોતિ દ્વારા વિકાસની દિવાળી એક જ દિવસે તારીખ ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ એ ઉજવીશું.
વિજય સંકલ્પ રેલી દ્વારા સમગ્ર ભારતમાં ૩ કરોડ મોટર બાઇક સવારો કમળના પ્રતિક સાથે આખાય દેશમાં ઘૂમી વળશે. પ્રચંડ બહુમતિ સાથે શ્રી નરેન્દ્રભાઇને પુન:પ્રધાનમંત્રી બનાવવાનો તથા ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો સંકલ્પ આ ચાર કાર્યક્રમોની શૃંખલા દ્વારા વ્યક્ત થવાનો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી – આ સંગઠનના ચારેય કાર્યક્રમો જન જન સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ.
રાષ્ટ્રીય પ્રમુખશ્રીએ કરોડો કાર્યકર્તાઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, દેશને સુરક્ષિત કરવાનું, અર્થતંત્રની ગાડીને પાટા પર લાવવાનું તથા તીવ્ર ગતિએ વિકાસયાત્રાને આગળ ધપાવીને ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે સંકલ્પબધ્ધ કાર્યકલાપો દ્વારા આપણે દેશના ૨૨ કરોડ પરિવારોના ઉત્થાન માટે રાતદિવસ જોયા વગર અહર્નિશ કાર્ય કર્યું છે. આપણે ગત પાંચ વર્ષમાં જે કાર્યો કર્યા છે તે સુશાસનની વાતો લઇને ગૌરવભેર પ્રજાની વચ્ચે જવાનું છે. આપણે એવું કાંઇ નથી કર્યું જેના લીધે આપણે નીચું જોવું પડે.
મહાગઠબંધનની રાજનીતિ ઉપર કટાક્ષ કરતા રાષ્ટ્રીય પ્રમુખશ્રીએ જણાવ્યુ હતુ કે, ‘કહીં કા ઈંટ, કહીં કા રોડા, બન ગયા ભાનુમતી કા કુનભા’. ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક આપણને જ મળવાની છે. મહાગઠબંધનથી કોઇ ફરક પડવાનો નથી. હું ગઠબંધનના તમામ નેતાઓને પુછવા માંગુ છું કે, તમારા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે કોણ છે ? તેની સ્પષ્ટતા તો કરો ! આ એવું મહાગઠબંધન છે કે, જ્યાં સોમવારે માયાવતી, મંગળવારે અખીલેશજી, બુધવારે ચંદ્રબાબુ નાયડુ, ગુરુવારે દેવગૌડા, શુક્રવારે સ્ટાલીન, શનિવારે મમતા દીદી, પ્રધાનમંત્રી બની શકે છે અને રવિવારે કદાચ રજાનો દિવસ ઘોષિત થાય ! આ મહાગઠબંધનનું કોઇ ભવિષ્ય નથી. ઉત્તરપ્રદેશમાં ભાજપાની ૭૩ થી વધીને ૭૪ લોકસભા બેઠકો થવાની છે. હું ઉત્તરપ્રદેશના કાર્યકરો તથા જનતાના મૂડને ખૂબ સારી રીતે જાણું છું. પશ્ચિમ બંગાળમાં મમતાજી ભાજપાની રેલીઓને પ્રતિબંધિત કરે, હેલીકોપ્ટરને ઉતરવાની મંજુરી ન આપે, ભાજપાના પ્રચારમાં અનેક અંતરાયો ઉભા કરે, ભાજપાના અનેક સમર્પિત કાર્યકરોની ઘોળા દિવસે હત્યા થતી હોય તેમ છતા પશ્ચિમ બંગાળમાં ભાજપાનું કમળ જરૂરથી ખીલી ઉઠવાનું છે અને ૨૩ થી વધુ લોકસભાની બેઠકો પર ભાજપા વિજયી થશે. આવા જ ઝળહળતા પરિણામો ઓરિસ્સામાં પણ આવવાના છે.
કેન્દ્રમાં તાજેતરના બજેટમાં ભાજપા સરકારે પ્રતિકિસાન ૬ હજાર રૂપિયાની ઇનપુટ સબસીડી જાહેર કરીને પ્રત્યેક વર્ષે ૧૫ કરોડ કિસાનોને ૭૫૦૦૦ કરોડ આપવાનો નિર્ણય કર્યો છે. આમ, ૧૦ વર્ષમાં કિસાનોને સીધેસીધા ૭.૫૦ લાખ કરોડ મળવાના છે. કિસાનોના હામી હોવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષને મારે જણાવવું છે કે, તેમના ૧૦ વર્ષના શાસન દરમ્યાન માત્ર એક વખત ૨૦૦૮માં ૩ કરોડ કિસાનોના ૫૩ હજાર કરોડ રૂપિયાનું જે દેવું માફ કર્યુ તે ભાજપાની કિસાન લક્ષી કલ્યાણકારી નીતિઓના સંદર્ભમાં કોઇ વિસાતમાં નથી. ૪૦ લાખના ટર્નઓવર ઉપર જીએસટી માફ કરીને ભાજપા સરકારે નાના વેપારીઓની તકલીફોનું લગભગ નિરાકરણ લાવી દીધુ છે. ૫ લાખ રૂપિયા સુધી ઇનકમટેક્સ માફી જાહેર કરીને લગભગ ૭ લાખ રૂપિયા સુધીની આવક ઇનકમટેક્સ મુક્ત બનાવીને મધ્યમ વર્ગના સાચા હામી તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇની સરકારે પ્રસંશનીય નિર્ણય કર્યો છે. ૧.૫૦ કરોડના ટર્નઓવર ઉપર માત્ર એક ટકા જીએસટીની જાહેરાત પણ નાના વેપારીઓ તથા ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ રાહતજનક છે.
મેરા પરિવાર ભાજપા પરિવાર, મહાસંપર્ક અભિયાન, કમલજ્યોતિ તથા વિજય સંકલ્પરેલીના કાર્યક્રમોને સફળ બનાવીને જનજન સુધી પહોચવાનું ભાજપાના કાર્યકરનું માત્ર દાયિત્વ જ નહી પરંતુ જવાબદારી પણ છે. આપણે માટે ચૂંટણી એ જનજનના સંપર્ક દ્વારા સાથે મળીને ઉજવવાનો મહોત્સવ છે. ભૂતકાળમાં સરદાર વલલ્ભભાઇ, મોરારજી દેસાઇ તથા નરેન્દ્રભાઇને પરેશાન કરવામાં જે તે કોંગ્રેસની સરકારોએ કાંઇ બાકી રાખ્યુ નહોતું.
આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતના સપૂત એવા પૂજ્ય બાપુ, સરદાર વલ્લભભાઇ, ક.મા.મુન્શી સહિતના દિગ્ગજોએ આઝાદી સમયે દેશને સફળ નેતૃત્વ પુરું પાડ્યુ હતુ અને આપણા સદ્ભાગ્યે છેલ્લા પ વર્ષથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશને સફળ નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. એક ગુજરાતી તથા ભાજપાના કાર્યકર તરીકે આપણા નરેન્દ્રભાઇને પ્રધાનમંત્રીપદે પુનઃ આરૂઢ કરવાના છે તેટલું જ નહી પરંતુ ગુજરાતની તમામ ૨૬ લોકસભાની બેઠકો ઉપર ભાજપાનો ભવ્ય વિજય થાય અને કમળ ખીલે તે જોવાની આપણી સંપૂર્ણ જવાબદારી છે તેમ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ગુજરાતના લોકસભાના પ્રભારી શ્રી ઓમ માથુરજી, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા સહીત ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીશ્રીઓ તથા સંગઠનના વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ સહીત હજારોની સંખ્યામાં સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસનોટ-૦૨
તા ૧૨.૦૨.૨૦૧૯
—————-
‘‘સમર્થ ભાજપા શક્તિશાળી ભારત’’ એ ભાજપાના પ્રત્યેક કાર્યકરની સંકલ્પના છે
– શ્રી વિજયભાઇ રૂપાણી
—————-
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ એ વિકાસની રાજનીતિ સામે અવસરવાદીતાની રાજનીતિ વચ્ચેની આરપારની લડાઇ બની રહેવાની છે, જેમાં વિકાસની રાજનીતિનો વિજય સુનિશ્ચિત છે – શ્રી વિજયભાઇ રૂપાણી
—————-
‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચઢતે જાતા, અંતિમ લક્ષ્ય હૈ હમારા, આગે બઢતે જાના’’ – શ્રી જીતુભાઇ વાઘાણી
—————-
પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ભારતમાતાને વિશ્વગુરુ પદે પ્રસ્થાપિત કરવા આપણે સૌ કમર કસીએ – શ્રી જીતુભાઇ વાઘાણી
—————-
આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ના રાષ્ટ્રીય અભિયાનના શુભારંભ પ્રસંગે કાર્યકર્તાઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આજના આ અભિયાન દ્વારા ગુજરાતમાં ૨૫ લાખ પરિવાર અને ૧ કરોડ મતદારો શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસની રાજનીતિને લઇને અવસરવાદીતાની લડાઇ લડતાં ગઠબંધનની સામે આરપારના સંગ્રામ માટે સજ્જ થઇ રહ્યા છે. ‘‘સમર્થ ભાજપા શક્તિશાળી ભારત’’ એ ભાજપાના પ્રત્યેક કાર્યકરની સંકલ્પના છે. દેશના હિતની વાત દેશની પ્રજા સુપેરે જાણે છે.૧૯૫૧ થી લઇને ભાજપાના કરોડો કાર્યકરો ભારતમાતાને વિશ્વગુરુ પદે પ્રસથાપિત કરવા માટે પોતાની આહુતિ આપી ચૂક્યા છે અને આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાના કાર્યકરો ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે સમગ્ર ગુજરાત તથા ભારતમાં ઘુમી વળશે.
પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ‘‘મેરા પરિવાર-ભાજપા પરિવાર’’ ના રાષ્ટ્રીય અભિયાનનો શુભારંભ રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમિતભાઇ શાહની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ગુજરાતમાં શુભહસ્તેથી થાય તે આપણા સૌ માટે અત્યંત ગૌરવપૂર્ણ ઘટના છે. તેને માટે સમગ્ર રાષ્ટ્રીય નેતૃત્વના આપણે હદયપૂર્વક આભારી છીએ.
‘‘પથ કા અંતિમ લક્ષ્ય નહીં, સિંહાસન ચઢતે જાતા, અંતિમ લક્ષ્ય હૈ હમારા, આગે બઢતે જાના’’. પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ભારતમાતાને વિશ્વગુરુ પદે પ્રસ્થાપિત કરવા આપણે સૌ કમર કસીએ તેમ સૌ કાર્યકરોને શ્રી વાઘાણીએ જણાવ્યુ હતુ.
પ્રેસનોટ-૦૩
તા ૧૨.૦૨.૨૦૧૯
—————-
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં આજરોજ ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકોનું શક્તિકેન્દ્ર સંમેલન યોજાયુ
—————-
ભાજપા કોઇએક પરિવાર કે જ્ઞાતિજાતિ માટે નહી પરંતુ સમગ્ર દેશની જનતાના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે. ભાજપા તેના લાખો-કરોડો કાર્યકર્તાઓના પરિશ્રમને આધારે વિજયી બને છે. ભાજપા એ સાચા અર્થમાં લોકતાંત્રિક પાર્ટી છે – શ્રી અમિતભાઇ શાહ
—————-
દેશના પ્રથમ વડાપ્રધાન જો સરદાર પટેલને બનાવ્યા હોત તો કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધીનું ભારત આજે છે તેના કરતા કઇક જુદુ જ અને સમસ્યામુક્ત હોત – શ્રી અમિતભાઇ શાહ
—————-
ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશના વડાપ્રધાન છે ત્યારે
ગુજરાતના લોકો માટે તો મોસાળે જમણવાર અને મા પીરસનાર જેવી આદર્શ સ્થિતિ છે
– શ્રી અમિતભાઇ શાહ
—————-
બટાટાની ફેક્ટરીવાળા રાહુલબાબાને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય, દાહોદ કે ગોધરામાં કયા પાક થાય તેની પણ કોઇ ગતાગમ નથી તે ખેડુતોનું શું ભલું કરી શકવાના ?
– શ્રી અમિતભાઇ શાહ
—————-
ભાજપાની નીતિ સ્પષ્ટ છે કે, અયોધ્યામાં જલદી થી જલદી ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જોઇએ. પરંતુ વર્ષોથી કોંગ્રેસ આ કેસ જલદીથી પુરો ન થાય તે માટે રોડા નાંખવાનું કામ કરે છે. કોંગ્રેસના વકિલો અદાલતમાં જઇ આ કેસની સુનવણી ૨૦૧૯ પછી કરવા માટે અરજીઓ કરે છે
– શ્રી અમિતભાઇ શાહ
—————-
કોંગ્રેસ પરિવારના ૫૫ વર્ષ કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના ૫૫ મહિના આ દેશના ગરીબોના ઉત્થાન, ખેડુતોની સમૃધ્ધિ, તેમજ તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે ખૂબજ ફળદાયી નીવડ્યા છે – શ્રી અમિતભાઇ શાહ
—————-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશના પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાનસેવક બનીને દેશની સેવા કરી રહ્યા છે – શ્રી વિજયભાઇ રૂપાણી
—————-
ભાજપાના ધસમસતા પ્રવાહથી ડરીને એકબીજાનું મોઢું પણ ન જોવા રાજી ન હોય તેવા લોકો આજે મહાગઠબંધનના નામે એક થયા છે – શ્રી વિજયભાઇ રૂપાણી
—————-
ગુજરાતમાં સેવાના ભાવ સાથે કાર્યરત એવા લાખો કાર્યકર્તાઓની ફોજ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા તૈયાર છે ત્યારે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત છે
– શ્રી જીતુભાઇ વાઘાણી
—————-
આગામી લોકસભા ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના તમામ જુઠ્ઠાણાઓને પ્રજાસમક્ષ ખુલ્લા પાડી ફરીથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ
– શ્રી જીતુભાઇ વાઘાણી
—————-
ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે કે, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી શ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર લોકસભા બેઠકોનું શક્તિકેન્દ્ર સંમેલન યોજાયુ હતુ.
ગોધરા ખાતે યોજાયેલા શક્તિકેન્દ્ર સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહે તેમની આગવી શૈલીમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ભાજપા એ બીજી બધી રાજકિય પાર્ટીઓ કરતા અલગ પ્રકારની રાજકિય પાર્ટી છે. ભાજપા સિવાયની તમામ રાજકિય પાર્ટીઓ કોઇ એક નેતા, પરિવાર, જાતિવાદ કે પ્રદેશવાદના આધારે કામ કરતી હોય છે. જ્યારે ભાજપા કોઇએક પરિવાર કે જ્ઞાતિજાતિ માટે નહી પરંતુ સમગ્ર દેશની જનતાના વિકાસ માટે કામ કરતી પાર્ટી છે. ભાજપા તેના લાખો-કરોડો કાર્યકર્તાઓના પરિશ્રમને આધારે વિજયી બને છે. ભાજપા એ સાચા અર્થમાં લોકતાંત્રિક પાર્ટી છે.
મારા જેવો બૂથ પર કાર્ય કરતો એક નાનો કાર્યકર્તા દુનિયાની સૌથી મોટી રાજકિય પાર્ટીનો અધ્યક્ષ બને તે ભાજપામાં જ શક્ય છે. કોઇ જ્ઞાતિજાતિ કે પરિવારના બેકગ્રાઉન્ડ વગર એક ગરીબ ચા વેચવાવાળાનો દિકરો પોતાની ક્ષમતા અને શુધ્ધ નિષ્ઠાના આધારે દેશનો વડાપ્રધાન બને. તે પણ ભાજપામાં જ શક્ય છે. ભાજપાનો નાનામાં નાનો કાર્યકર પોતાની ક્ષમતાના આધારે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ કે વડાપ્રધાન પણ બની શકે છે. તેથી હું કહું છુ કે, ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકતાંત્રિક પાર્ટી છે. જ્યારે મમતા-માયાવતી-રાહુલ-સોનિયા-પ્રિયંકા-મુલાયમ-અખિલેશ તથા સ્ટાલીન વગેરેની પાર્ટી માત્ર પરિવારવાદ-જ્ઞાતિવાદ કે પ્રદેશવાદના આધારે ચાલતી પાર્ટી છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, આઝાદી પછી કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે. કોંગ્રેસ કમિટિના એક-બે સભ્યોને છોડી તમામ સભ્યોએ સરદાર વલ્લભભાઇ પટેલને વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક હતા તેમ છતાં જવાહરલાલ નેહરૂને વડાપ્રધાન બનાવ્યા હતા. હું આજે ખાત્રીપૂર્વક કહું છું કે, દેશના પ્રથમ વડાપ્રધાન જો સરદાર પટેલને બનાવ્યા હોત તો કાશ્મીર થી લઇ કન્યાકુમારી સુધીનું ભારત આજે છે તેના કરતા કઇક જુદુ જ અને સમસ્યામુક્ત હોત. જવાહરલાલ નેહરૂની બીજી પેઢી ઇન્દિરાજીએ પણ ગુજરાત પ્રત્યે કિન્નાખોરી રાખી મોરારજીભાઇ દેસાઇને વડાપ્રધાન બનવા ન દીધા તેમજ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાનું કામ પણ આટલા વર્ષો સુધી પુરુ થવા ન દઇ ગુજરાત તથા ગુજરાતના ખેડૂતોને સતત અન્યાય કર્યો.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ૨૦૦૪માં શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે આદિવાસીઓની વસ્તીની ટકાવારી કરતા વધારે રકમની જોગવાઇ બજેટમાં આપવાનું ચાલુ કર્યુ. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસીઓના ઘર-ઘર સુધી વિકાસના ફળ પહોચાડ્યા. સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વિજળી, ખેડૂતોને સિંચાઇનું પુરતું પાણી, ગરીબોને આવાસ, પીવાનું શુધ્ધ પાણી, આરોગ્ય સારવાર માટેની સુવિધા જેવા અનેક પ્રજાકલ્યાણકારી કાર્યોના પાયા ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખ્યા હતા ત્યારબાદ ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની જોડી આજને ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ આપવાનું કામ કરી રહ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર આજે દેશના વડાપ્રધાન છે ત્યારે ગુજરાતના લોકો માટે તો મોસાળે જમણવાર અને મા પીરસનાર જેવી આદર્શ સ્થિતિ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત માટેની કોઇ યોજના લઇને જાય અને શ્રી નરેન્દ્રભાઇ મોદી તાત્કાલિક તે યોજના મંજુર કરે છે. ગુજરાતમાં વિજયભાઇ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદી એ રીતે ગુજરાતનો આ ડબલ એન્જીન ગ્રોથ થઇ રહ્યો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને ૬૩,૩૪૩ કરોડની ફાળવણી કરી હતી. જ્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને ૧,૫૮,૩૭૭ કરોડ રૂપિયા ફાળવ્યા છે તે ઉપરાંત મુદ્રા લોનમાં ૩૨,૦૦૦ કરોડ, મેટ્રો ટ્રેન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જેવી અનેક યોજનાઓ દ્વારા કુલ ૩,૧૦,૯૮૫ કરોડ થી વધુના લાભો ગુજરાતને મળ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, તાજેતરમાં જ કેન્દ્રીય બજેટમાં દેશભરના ગરીબ, નાના અને સીમાંત ખેડુતો માટે દરવર્ષે ૬૦૦૦ રૂપિયા એટલે કે કુલ દરવર્ષે ૭૫૦૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આઝાદીથી લઇ અત્યાર સુધી ખેડુતો માટે આવી કોઇ યોજના ન લાવનારી કોંગ્રેસ માત્ર જુઠ્ઠાણા ફેલાવી ખેડુતોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરે છે. બટાટાની ફેક્ટરીવાળા રાહુલબાબાને રવિમાં કયા પાક થાય, ખરીફમાં કયા પાક થાય, દાહોદ કે ગોધરામાં કયા પાક થાય તેની પણ કોઇ ગતાગમ નથી તે ખેડુતોનું શું ભલું કરી શકવાના ?
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, હું રાહુલબાબાને પુછવા માંગુ છુ કે, ૫૫ વર્ષ સુધી આ દેશમાં તમે રાજ કર્યુ. આ ૫૫ વર્ષમાં તમે શું કર્યુ ? તેનો હિસાબ જનતાને આપો. ગરીબના ઘરમાં તમે ગેસ ન પહોચાડી શક્યા, વીજળી ન પહોચાડી શક્યા અને શૌચાલય પણ ન પહોચાડી શક્યા. સોનીયા અને મનમોહનની સરકાર વખતે પાકિસ્તાનથી આલીયા-માલીયા-જમાલીયા કોઇ પણ દેશમાં ઘુસી જતા, કોઇ પુછવાવાળુ નહોતું જ્યારે આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેનાના વીર જવાનો સર્જીકલ સ્ટ્રાઇક દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસી ઇંટના જવાબ પથ્થરથી આપી રહ્યા છે.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, દેશના કરોડો લોકો ઇચ્છે છે કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ. ભાજપાની નીતિ સ્પષ્ટ છે કે તેજ જગ્યાએ જલદી થી જલદી ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જોઇએ. પરંતુ વર્ષોથી કોંગ્રેસ આ કેસ જલદીથી પુરો ન થાય તે માટે રોડા નાંખવાનું કામ કરે છે. કોંગ્રેસના વકિલો અદાલતમાં જઇ અને આ કેસની સુનવણી ૨૦૧૯ પછી કરવા માટે અરજીઓ કરે છે. હું કોંગ્રેસને પુછવા માંગુ છુ કે, તમારી નીતિ સ્પષ્ટ કરો અને જનતાને જવાબ આપો કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઇએ કે નહીં.
શ્રી અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પરિવારના ૫૫ વર્ષ કરતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળના ૫૫ મહિના આ દેશના ગરીબોના ઉત્થાન, ખેડુતોની સમૃધ્ધિ, તેમજ તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે ખૂબજ ફળદાયી નીવડ્યા છે. ૬ કરોડથી વધુ ગરીબ મહિલાઓને ગેસ કેનક્શન, ૨.૫૦ કરોડ લોકોને આવાસ, ૨.૫૦ કરોડથી વધુ લોકોને વિજળી, ૧૩ કરોડ બાળકોને રસીકરણ તેમજ ૮ કરોડથી વધુ શૌચાલયો બનાવી દેશની માતા અને બહેનોને સુરક્ષા સાથે સન્માન અપાવ્યુ છે. દેશને ઘણા વર્ષો પછી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વરૂપમાં એક એવા નેતા મળ્યા છે કે જેને સમગ્ર દુનિયા સન્માનથી જુએ છે. તેવા એક સંવેદનશીલ, પ્રમાણિક અને ગરીબોના કલ્યાણ માટે ૧૮-૧૮ કલાક મહેનત કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીને ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ બેઠકો પર ભવ્ય વિજય અપાવી ફરીથી દેશનું સુકાન સોંપી આપણે સૌ નવા ભારતના સંકલ્પને સિધ્ધ કરવામાં સહભાગી બનીએ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત વિકાસમાં હંમેશા અગ્રેસર રહે અને દેશમાંથી ગરીબી, ભ્રષ્ટાચાર અને બેકારી દુર થાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા સાડા ચાર વર્ષમાં પ્રમાણિકતાથી અથાગ પરિશ્રમ કર્યો છે. વડાપ્રધાનશ્રી એ દેશના પ્રધાનમંત્રી નહીં પરંતુ પ્રધાનસેવક બનીને દેશની સેવા કરી છે. ૫૫ મહિનામાં ભાજપાના શાસન દરમ્યાન પ્રથમવાર ગરીબો, શોષિતો, આદિવાસીઓ, ખેડુતો, યુવાનો તથા મહિલાઓ તમામ માટે વિકાસના અનેકવિધ કાર્યો થયા છે. સમગ્ર દેશની જનતા ફરીથી શ્રી નરેન્દ્રભાઇને દેશનું સુકાન સોંપવા કટિબધ્ધ છે તેથી જ ભાજપાના ધસમસતા પ્રવાહથી ડરીને એકબીજાનું મોઢું પણ ન જોવા રાજી ન હોય તેવા લોકો આજે મહાગઠબંધનના નામે એક થયા છે.
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં સેવાના ભાવ સાથે કાર્યરત એવા લાખો કાર્યકર્તાઓની ફોજ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવા તૈયાર છે ત્યારે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત છે. દેશમાં માત્ર ૫૫ મહિનામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રને આત્મસાત્ કરી દેશની જનતાનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીઓમાં વિરોધ પક્ષોના તમામ જુઠ્ઠાણાઓને પ્રજાસમક્ષ ખુલ્લા પાડી ફરીથી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ.
આ શક્તિકેન્દ્ર સંમલનમાં ભાજપાના પ્રદેશ મહામંત્રીશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્યના મંત્રીમંડળના સદસ્યો, કેન્દ્રીય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, લોકસભા સીટના પ્રભારી-ઇન્ચાર્જ-સહઇનચાર્જ, વિસ્તારકો, સંકલન સમિતીના સભ્યો, કારોબારી સભ્યો, મંડલ પદાધિકારીઓ, પ્રદેશ જિલ્લા મોરચાના પદાધિકારીઓ, જિલ્લા-શહેરના પ્રમુખ મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બોર્ડ નિગમના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર લોકસભાની ૨૧ વિધાનસભાના ૫૫ મંડલ, ૯૫૦ શક્તિ કેન્દ્રોના ૬૧૪૧ બુથ સભ્યો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
શક્તિકેન્દ્ર સંમેલન પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ, લોકસભા ચૂંટણી પ્રભારીશ્રી ઓમજી માથુર, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી સહિત પદાધિકારીઓએ લોકસંપર્ક અભિયાન અંતર્ગત છબનપુર નાયક ફળીયાની મુલાકાત લઇ લોકોના મનની વાત જાણી હતી.
પ્રેસનોટ-૦૪
તા ૧૨.૦૨.૨૦૧૯
—————-
પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં આવતીકાલે તારીખ ૧૩ ફેબ્રુઆરીએ ધરમપૂર તથા માંડવી(સુરત) ખાતે લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલનો યોજાશે
—————-
માંડવી ખાતે સવારે ૯.૦૦ કલાકે બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે
—————-
ધરમપૂર ખાતે બપોરે ૧.૦૦ કલાકે વડોદરા, સુરત અને નવસારી લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે
—————-
પ્રદેશ ભાજપા મીડિયા સેલની એક અખબારી યાદી જણાવે છે કે, પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૯ બુધવારના રોજ માંડવી(સુરત) તથા ધરમપૂર ખાતે ભાજપાના લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલન યોજાશે.
જેમાં માંડવી(સુરત) ખાતે સવારે ૯.૦૦ કલોક બારડોલી અને ભરૂચ લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા ધરમપુર ખાતે બપોરે ૧.૦૦ કલાકે વડોદરા, સુરત અને નવસારી લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે.
આ ક્લસ્ટર સંમેલનોમાં પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જશ્રીઓ, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, પ્રદેશ કારોબારી સભ્યશ્રીઓ, મંડલ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારશ્રીઓ, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીશ્રીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીશ્રીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે.