૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને ઓલ ક્લીઅરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોઝદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા
રમેશ ઓઝા
ગયા જુન મહિનામાં નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે જે માણસનો પાસપોર્ટ રદ કરી નાખવામાં આવ્યો છે એ જગતમાં ફરે છે કઈ રીતે અને એ પણ ઇંગ્લેન્ડ જેવા દેશમાં જે જગતના પ્રગતિશીલ અને જવાબદાર દેશોમાંનો એક છે? એ પહેલા તે હોંગકોંગ અને સિંગાપુરમાં જોવા મળ્યો હતો. આ બાજુ ભારત સરકારે ગયા ફેબ્રુઆરી મહિનામાં લોકસભામાં કહ્યું હતું કે નીરવ મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે અને તેની જગત આખાને જાણ કરવામાં આવી છે એટલે તે જ્યાં હશે ત્યાંથી આગળ પ્રવાસ નહીં કરી શકે. લોકસભામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે ભારત સરકારે લૂક આઉટ નોટીસ બહાર પાડી રહી છે એટલે તે જો પ્રવાસ કરશે તો જગતના કોઈને કોઈ એરપોર્ટ પર પકડાઈ જશે.
તો પછી નીરવ મોદી લંડનમાં ગયો કેવી રીતે? બીબીસીએ સમાચાર વહેતા કર્યા એટલે ભારત સરકારે અને આંગળીયાત મીડિયાએ તેની નોંધ લેવી જરૂરી બની ગઈ. ભારત સરકારે કમર કસીને બ્રિટીશ સરકારને જણાવ્યું કે ‘નીરવ મોદી અમારો આરોપી છે એટલે જો જો હોં નાસી ન જવો જોઈએ. અમે પ્રત્યાર્પણ માટેની તૈયારી કરી રહ્યા છીએ’. ભારત સરકારે કૃતનિશ્ચયતા બતાવી ત્યારે બ્રિટીશ સરકારે માત્ર બે વાત તરફ ભારત સરકારનું ધ્યાન દોર્યું હતું: એક તો એ કે જો નીરવ મોદી આરોપી છે તો તેનો પાસપોર્ટ કેમ રદ કરવામાં નથી આવ્યો? અમને એટલે કે બ્રિટીશ સરકારને તો પાસપોર્ટ રદ કરાયો હોવાની કોઈ જાણકારી આપવામાં આવી નથી. નીરવ મોદી લંડનમાં ભારતીય પાસપોર્ટ પર આવ્યો છે. બીજું એ કે લૂક આઉટ નોટીસ ક્યાં? જો એ કાઢવામાં આવી હોય તો બ્રિટીશ સરકારના વિઝા ઈશ્યુ કરનાર ઓથોરીટીને અને એરપોર્ટ ઓથોરીટીને તેની જાણ કરવામાં નથી આવી. ઇન્ટરપોલે પણ લૂક આઉટ નોટીસ વિષે આ જ વાત કહી હતી.
પંજાબ નેશનલ બેન્કને ૧૩ હજાર કરોડમાં નવરાવનારા મામા-ભાણેજને નાસી જવા દેવામાં આવ્યા છે એવો વહેમ પહેલેથી જ હતો જે હવે વધુ દ્રઢ થયો. આ બ્રિટન છે, કોઈ કેરેબિયન ટાપુ નથી જ્યાં શાસકોના ખિસ્સા ભરીને રહી શકાય. બ્રિટને ઉઠાવેલા બન્ને મુદ્દાઓનો ભારત સરકારે કોઈ ખુલાસો કર્યો નથી. આ કોઈ નવી વાત નથી. બોફોર્સકૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક ઓક્તોવિયો ક્વીત્રોચીથી લઈને બીજા અનેક લોકોની બાબતમાં આવું બનતું આવ્યું છે. કોઈને છોડવામાં નહીં આવે એવી જાહેરાત કરવાની હોય, બાકી તો છોડવાના જ હોય. અન્નનો ઓડકાર આડો આવતો હોય છે.
આપણા મેહુલભાઈનો કેસ તો નીરવ કરતા પણ રસપ્રદ છે. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે એન્ટીગુઆ-બર્મુડા માટે મેહુલ ચોકસીને ઓલ ઓકેની પોલીસ વેરીફીકેશન સર્ટીફીકેટ ઈશ્યુ કર્યું હતું. એ વરસના મેં મહિનમાં મેહુલ ચોક્સીએ એન્ટીગુઆનું નાગરિકત્વ મેળવવા અરજી કરી હતી. ઓગસ્ટ મહિનામાં એન્ટીગુઆની સરકારે મેહુલ ચોકસીની અરજી માન્ય રાખી હતી અને નવેમ્બર મહિનામાં નાગરિકત્વ આપ્યું હતું. આ વરસની ચોથી જાન્યુઆરીએ મેહુલ ચોક્સીએ ઉચાળા ભર્યા હતા અને ૧૫મી જાન્યુઆરીએ એન્ટીગુઆના નાગરિક તરીકે મેહુલે સોગંદ લીધા હતા. મામા-ભાણેજ વિદેશમાં સુખરૂપ થાળે પડી ગયા એ પછી ૨૯ જાન્યુઆરીના રોજ પંજાબ નેશનલ બેન્કે સીબીઆઈ જાણ કરી હતી કે અમારી સાથે તેર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
હવે વિચારો ગુનામાં ભાગીદારી વિના આવું બને? તમે ગુનો કર્યો હોય તો તમને નસીબ આટલી હદે મદદ કરે? મા-બાપ બાળકને જે રીતે હોસ્ટેલમાં મૂકી આવે અને પછી પાડોશીને જાણ કરે કે અમારો બાબો તો હવે હોસ્ટેલમાં રહીને ભણે છે એ રીતે ભારતની પ્રજાને જણાવવામાં આવ્યું હતું કે મેહુલભાઈ અને તેમના ભાણેજ હવે ભારતમાં નથી. તેઓ વિદેશમાં રહીને ધંધો કરે છે.
અહીં આટલા સવાલો ઉપસ્થિત થાય છે:
એક. મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકત્વ છોડ્યું એની ભારત સરકારને જાણ નહોતી? કે પછી બેવડું નાગરિકત્વ હતું? એની પણ ભારત સરકારને જાણ હોવી જ જોઈએ.
બે. બેંગલોરમાં ઝવેરાતનો ધંધો કરનારા હરિ પ્રસાદે છેક ૨૦૧૫માં નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે છેતરપિંડીનો પોલીસ કેસ કર્યો હતો. હરિ પ્રસાદે એ પછી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ, સીબીઆઈ, સેબી, ભારત સરકારનું કોર્પોરેટ મંત્રાલય અને ખુદ વડા પ્રધાનને પત્ર લખીને જાણ કરી હતી કે મામા-ભાણેજનું પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ ચાલી રહ્યું છે અને વિજય માલ્યાની માફક વિદેશ ભાગી જવાના છે. વડા પ્રધાનના કાર્યાલયે ૨૬ જુલાઈ ૨૦૧૬ના રોજ હરિ પ્રસાદને પત્ર લખીને જાણ કરી હતી કે તમારો પત્ર મુંબઈ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)ને મોકલી આપવામાં આવ્યો છે. એ પછી હરિ પ્રસાદે રજીસ્ટ્રાર સાથે પત્ર વ્યવહાર કર્યો હતો.
ત્રણ. ૨૦મી જુલાઈ ૨૦૧૬ના રોજ દિગ્વિજય સિંહ જાડેજા નામના મામા-ભાણેજ દ્વારા છેતરાયેલા માણસે ગુજરાતની વડી અદાલતમાં સોગંદનામું રજુ કરીને કહ્યું હતું કે બેંકો અને વેપારીઓ સાથે કૌભાંડ ચાલી રહ્યું છે. પ્લીઝ નોટ, વડી અદાલતમાં. કોઈ નીચલી અદાલત નહોતી.
ચાર. ૨૦૧૭ના માર્ચ મહિનામાં મુંબઈની પાસપોર્ટ ઓફિસે મેહુલ ચોક્સનીને ઓલ ક્લીઅરન્સનું પોલીસ સર્ટિફિકેટ આપ્યું ત્યારે મેહુલ ચોકસી સામે કુલ મળીને ૪૨ ફોઝદારી ગુનાઓ નોંધાઈ ચુક્યા હતા.
૪૨ ફોઝદારી ગુનાઓ હોય, વડી અદાલતમાં સોગંદનામું રજુ કરાયું હોય, વડા પ્રધાનના કાર્યાલયથી લઈને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ સુધી ફરિયાદો કરવામાં આવી હોય એ છતાં મુંબઈ પોલીસ ઓલ ઓકે સર્ટીફીકેટ ઈશ્યુ કરે? બીજેપીના નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે એ શક્ય જ નથી. તેમણે નાણા પ્રધાન પાસેથી ખુલાસો માંગ્યો છે.
તો સાહેબ આખી વ્યવસ્થા સડેલી છે. ક્રોની કેપીટાલીસ્ટો (આંગળીયાત-બગલબચ્ચા) તેનો લાભ લઈ રહ્યા છે. હકીકતમાં શાસકો ક્રોની કેપીટાલીસ્ટોના ખિસ્સામાં છે, કારણ કે તેમને ચૂંટણી લડવા હજારો કરોડ રૂપિયાની જરરુ હોય છે જે ક્રોની કેપીટાલીસ્ટો પાસેથી મળે છે. ભારતમાં થતાં દરેક કૌભાંડનું ગોત્રજ એક જ છે: એ છે: પ્રમાણિક ખુદ્દાર માણસ ચૂંટાઈને પ્રતિનિધિગૃહમાં ન પ્રવેશી શકે એવી મોંઘી ચૂંટણી, ભ્રષ્ટ વ્યવસ્થા અને જાણીબૂજીને રાખવામાં આવતું લકવાગ્રસ્ત ન્યાયતંત્ર કે જેથી વ્યવસ્થામાં સુધારાઓ ન કરવા પડે.
જો હજુ પણ ન સમજાતું હોય તો બોલો ભારત માતા કી જય.