મોડાસા, તા.૧૫ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા છે.
શામળાજી પીએસઆઇ સંજય શર્મા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી વિદેશીદારૂ-બિયર ભરી આવતા ચાલકને દબોચી લીધો હતો. ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષા ચાલકે મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.
અણસોલ ગામ નજીક વાહનોના ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી રીક્ષાને અટકાવી તલાસી લેતા રીક્ષામાંથી વિદેશી દારૂ-બિયરની કુલ બોટલ નંગ-૧૨૦ના જથ્થા સાથે સુભાષ રણછોડભાઈ નિનામા (રહે,અણસોલ, ભિલોડા)ને ઝડપી પાડી રિક્ષાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વિદેશી દારૂ મંગાવનાર મોડાસાના “ગગા” નામના બુટલેગર અને વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાનના શખ્સ વિરુદ્ધ શામળાજી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.