મોડાસા, તા.૩૧
મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કામદાર મહિલા પણ તેના નાના બાળકને સાથે રાખી દવાનો છંટકાવ કરતી હોવાથી મહિલા સહીત નાના બાળકને દવાની વિપરીત અસર થવાનો ભય પેદા થયો છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. છંટકાવ કરનાર મહિલા કામદારો હાથે ગ્લોઝ અને માસ્ક પહેર્યા વગર નગરમાં દવાનો છંટકાવ કરતા જંતુનાશક દવાની ગુણવત્તા સામે પણ અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. કેટલાક લોકોએ ટીખળ કરી રહ્યા છે કે, જંતુનાશક દવા નહિ પરંતુ બોરિક પાવડર હોવાથી દવાનો છંટકાવ કરતા કામદારો માટે સલામતી લેવાઈ નથી રહી…!!
મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા માલપુર રોડ પર આવેલા પંડયાવાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી મહિલા કામદાર કોઈ પણ પ્રકારની રાખ્યા વગર દવાનો છંટકાવ કરતી નજરે પડી હતી. મહિલાનું બાળક દવાના ઢગલા પાસે રમતું નજરે પડતા લોકોમાં પણ અચરજ ફેલાયું હતું.
નગરપાલિકા ચીફ ઓફિસર શું કહે છે..?
મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખ સાથે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા કામદારોને કોઈ પણ પ્રકારની સલામતી વગર દવાનો છંટકાવ કરી રહ્યા હોવા અંગે જણાવ્યું હતું કે, તેમને ગ્લોઝ અને માસ્ક આપવામાં આવ્યા છે. તેમ છતાં કામદારોએ નહિ પહેર્યા હોય તો સેનેટરી ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરી કામદારોને ગ્લોઝ અને માસ્ક પહેરવા સૂચના આપવામાં આવશેનું જણાવ્યું હતું.