મોડાસા નામ આપનાર રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ ખાતાની બેદરકારીના ભોગે નામશેષ થવાની આરે

મોડાસા, તા.૨૭

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર પ્રાચીનકાળમાં મોહડવાસક તરીકે જાણીતું હતું. મોહડવાસકએ મોડાસાનું સંકૃતમ રૂપ છે, મોડાસા શહેરનું નામ રાજા માંધાતાના નામથી પડ્યું હોવાનું મનાય છે. મોડાસા શહેરના શાહી કોટ વિસ્તારમાં આવેલા રાજા માંધાતાનો પૌરાણિક મહેલ પુરાતત્વ વિભાગની બેદરકારીના લીધે નામશેષ થવાની તૈયારીમાં છે. રાજા માંધાતાના ભવ્યાતિભવ્ય મહેલની યાદો ફક્ત બે દીવાલોમાં સમેટાઈ ચુકી છે. આજુબાજુની જમીનો પર પણ કેટલાક લોકોએ કબ્જો જમાવી દીધો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

મોડાસાના શાહી કોટ વિસ્તારમાં આવેલ માંધાતા રાજાનો પૌરાણિક મહેલ ખંડરે થયા પછી નામશેષ થવાની આરે છે. અતિપૌરાણિક મહેલની આજુબાજુ પુરાતત્વ વિભાગની રહેમનજર હેઠળ કે પછી પુરાત્વ વિભાગની જાણ બહાર કેટલાક લોકોએ મહેલની જગ્યાને નેસ્તનાબૂદ કરવાની સાથે રહેણાંક મકાનો તાણી બાંધ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. માંધાતાના મહેલ ફક્ત બે દીવાલ પર તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યો હોય તેવું જાગૃત નાગરિકો અહેસાસ અનુભવી રહ્યા છે.

પુરાતત્વ વિભાગ દ્વારા રાજા માંધાતાના ઐતિહાસિક મહેલની આજુબાજુમાં કંપાઉન્ડ દીવાલ બનાવી દેવામાં આવે તે ખુબ જરૂરી છે. પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના પગલે જિલ્લામાં અનેક પૌરાણિક વાવ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.