મોદીના પ્રધાન નિતીન ગડકરી, રાજનાથસિંહના નામે ટેન્ડર આપતી ટોળકી

ભાજપના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, રાજનાથસિંહ સહિતના નેતાઓ સાથે ઘરોબો હોવાનો ડોળ કરી સરકારી ટેન્ડર અપાવવાના બહાને ઉત્તરપ્રદેશના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો લગાવનારા ગઠીયાને ખાડીયા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉઘરાણીના કામે અમદાવાદ આવેલા યુપીના ઠગ ગીરીશ રામદુલાર વર્માની માહિતી મળતા તેને પકડી ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશ ખાતે રહેતો ગીરીશ રામદુલાર વર્મા (ઉ.32) ભાજપના કેન્દ્રીય મંત્રીઓ તેમજ યુપીના નેતાઓ સાથે ફોટા પડાવી ભાજપમાં ઘરોબો હોવાનો ડોળ કરતો હતો. ગીરીશ વર્માએ સરકારમાં સેટીંગ હોવાનો દાવો કરી ઉત્તરપ્રદેશના કેટલાક વેપારીઓને ટેન્ડર અપાવવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા છે. છેતરપિંડીની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતા ગીરીશ વર્મા યુપી છોડી ફરાર થઈ ગયો હતો. ગીરીશ વર્મા કોઈ ઉઘરાણીના કામે ખાડીયા વિસ્તારમાં આવ્યો હોવાની તેમજ યુપી પોલીસના ચોપડે વોન્ટેડ હોવાની જાણકારી ખાડીયા પોલીસને મળતા તેને દબોચી લેવાયો હતો.

ચીટીંગના ગુનામાં ફરાર ગીરીશ વર્મા પકડાયો હોવાની જાણ થતા ઉત્તરપ્રદેશ પોલીસ ગઈકાલે શનિવારે અમદાવાદ આવી પહોંચી હતી. ખાડીયા પોલીસે ગીરીશ વર્માને યુપી પોલીસને સોંપતા તેને ઉત્તરપ્રદેશ ખાતે લઈ જવાયો છે.