વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ભાજપથી નારાજ પાટીદારોને રાજકીય રીતે ખુશ કરવા માટે તેમણે ત્રણ મહત્વની બાબતો જાહેરમાં કરી હતી. ભાજપના નેતાઓની બનેલી કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો હતો. બીજા દિવસે લેઉવા પાટીદારોની સંસ્થા અડાજણ ખાતે અન્નપૂર્ણાધામ મંદિરનો શિલાન્યાસ કરવા હાજરી આપી હતી. ત્રીજી બાબત તેમણે એ કરી કે તેઓ ભાજપના નેતા કેશુભાઈ પટેલને પગે લાગ્યા હતા. કેશુ બાપાને પગે લાગીને PM મોદીએ પાટીદાર મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વર્ષ 2007 અને 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી થી નારાજ હતાં ત્યારે પણ તત્કાલિન સીએમ મોદીએ ચૂંટણી જીતી આશિર્વાદ લેવા માટે કેશુભાઈનાં નિવાસ સ્થાને રૂબરૂ ગયા હોવાની ઘટના બની ચુકી છે. પીએમ મોદી કેશુભાઈ પટેલનો પગા લાગતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ ભાજપની આઈટી સેલ દ્વારા વહેતો કરાયો હતો. આ ઘટનાને અનેક રાજકિય પંડિતો અનેક રીતે મુલવી રહ્યા છે.
પાટીદરો કેમ આટલા ખાસ?
જેથી તાજેતરમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપને બેઠકોનું બહુ મોટુ નુકસાન વેઠવું પડ્યું હતું. પાટીદારો જ્યાં ચૂંટાતા હોય તેવી વિધાનસભાની 48 બેઠક છે. લોકસભા જીતવી હોય તો આ બેઠકો પર મત મેળવવા પડે તેમ છે. જેથી સફાળી જાગેલી ભાજપે પાટીદારોન રિઝવવા માટે અનેક પ્રયાસો કરી છે. દસ ટકા સવર્ણ અનામત પણ આ પ્રયાસનો જ એક ભાગ છે. રાજકિય જાણકારોનાં જણાંવ્યા મુજબ ગુજરાત ભાજપમાં એક પણ એવો નેતા નથી જે પાટીદારોની નારાજગી દુર કરી શકે. જેથી કરીને કડવા-લેઉવા પાટીદારોને રિઝવવા માટે ખુદ વડાપ્રધાન મોદીએ દિલ્હીથી દોટ મુકી છે. આ સમયે તેમણે પાટિદાર નેતાઓને જ આગળ કર્યાં હતા. ગુજરાતમાં સૌથી વધારે જનસંખ્યા પાટીદાર સમાજની છે. તેમાં પણ બે પેટા જ્ઞાતિ લેઉવા પટેલ અને કડવા પટેલ છે. ગુજરાતની રાજનિતીમાં પાટીદાર સમાજનું ખાસ્સુ પ્રભુત્વ છે. પરંપરાગત રીતે પાટીદારો ભાજપની વોટબેન્ક છે. જો કે અનામત આંદોલનને કારણે પાટીદારો ભાજપથી નારાજ હતાં.
કેશુભાઈને પગે કેમ લાગવું પડ્યું ?
ભાજપને ગુજરાતમાં ઊભો કરવામાં કેશુભાઈ હવે એક માત્ર હયાત નેતા છે. મંચ પર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ હાજર હતા. મોદી સૌને હાથ મિલાવતા તેમની પાસે આવ્યા અને નીચા નમીને કેશુભાઈ પટેલનાં ચરણસ્પર્શ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી થોડીકવાર ઉભા રહીને કેશુભાઈનાં ખબર-અંતર પણ પૂછ્યા હતા. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અનુયાયી – વારસદાર નરેન્દ્ર મોદી હતા. 1995માં કેશુભાઈની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બની હતી.
કેશુભાઈને ખસેડી તેઓ મુખ્ય પ્રધાન બન્યા
2001માં કાવાદાવા કરીને કેશુભાઈ પટેલની જગ્યાએ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બની ગયા હતા. કેશુભાઈ સરકાર પર શાસન અસફળ થવાનો આરોપ મૂકાવવામાં તેઓ સફળ રહ્યા હતા. કેશુભાઈ પટે માટે આને મોટો ઝાટકો માનવામાં આવી રહ્યો હતો. આના કારણે નરેન્દ્ર મોદી અને કેશુભાઈનાં સંબંધમાં તીરાડ પડી હતી. ત્યારે કેશુભાઈએ એવું જાહેરમાં કહ્યું હતું કે મારો વાંક શું અને ગુનો શું. 1987માં નરેન્દ્ર મોદી ગુજરાતના મહામંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે અમેરિકા રહેતા ભાજપના કાર્યકર અંજલી મહેતાને કહ્યું હતું કે તેઓ ગુજરાત ભાજપ ઉપર કબજો કરી લેશે, તે તેમણે કરી બતાવ્યુ હતું. મુખ્યમંત્રીની જાહેરાત થતા નરેન્દ્ર મોદી ગુજરાત આવી ગયા હતા, 1995માં અપમાનીત થઈ નરેન્દ્ર મોદીને ગુજરાત છોડવું પડયુ હતું તે જ મોદી 2001માં મુખ્યમંત્રી થઈ પાછા આવ્યા હતા.
શંદરસિંહના કારણે ગુજરાત છોડવું પડ્યું
શંકરસિંહની પ્રથમ બળવા વખતે મોદીને ગુજરાત છોડી દિલ્હી જવું પડયું હતું. જેથી તેમના સ્થાને સંજય જોષી પ્રદેશ મંત્રીમાંથી પ્રદેશ મહામંત્રી પદે આવ્યા હતા. તેમના આવવાથી સંગઠનમાં મોદીના ગોઠવાયેલા વિશ્વાસુ બાજુ પર મુકાવા લાગ્યા. જેથી સંજય જોષીને નિશાન બનાવ્યા હતા.
કેશુભાઈ વિરોધી વાતાવરણ ઊભું કર્યું
ગુજરાતમાં કચ્છ ભૂકંપ અને સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરાજયને કેશુભાઈની નિષ્ફળતામાં ખપાવી કાશીરામ રાણા પાસે કેશુભાઈ વિરુદ્ધ રજૂઆતો કરાવી હતી. અડવાણી તથા સંઘની કૃપાથી તેઓ મુખ્યમંત્રી બની શક્યા. કચ્છ ભૂકંપના રાહત કામોમાં કેશુભાઈ પટેલની સરકારે બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથે ગુજરાતમાંથી જથ્થાબંધ પત્રો લખાવવામાં આવ્યા હતા. પત્રિકાઓ વહેચી હતી. દિલ્હી રજુઆતો કરવા માટે માણસો મોકલવામાં આવતાં હતા.
જમાઈ અને પુત્રને બદનામ કરાયા
કેશુભાઈની સરકારમાં જમાઈ ડો. મયૂર દેસાઈ અને કેશુભાઈનો પુત્ર ભરત વહીવટ કરે છે, એવા આરોપો કરાવ્યા હતા. જેમાં ગુજરાતી છાપાના પત્રકારોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. ધારાસભ્યો નારાજ છે. એવી અસ્થિરતા ઊભી કરાવી હતી. દિલ્હીમાં અને ગુજરાતમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર જેટલા દિવસ વધુ ચાલશે તેટલું ભાજપને નુકસા થઈ રહ્યું છે. જેમ આનંદિબેન પટેલ સામે કરવામાં આપ્યું હતું તેવું જ કેશુભાઈ પટેલ સામે કરાયું હતું. દિલ્હી ભાજપે આ ઊભી કરેલી બાબતોને ગંભીરતાથી લીધી અને કેશુભાઈને બદલી નાંખવા માટે અડવાણીએ વાજપેઈ પર દબાણ કર્યું હતું. તેમના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપવાનું નક્કી કરવામાં અડવાણી હાથો બની ગયા હતા. પછી તેમણે અડવાણીને જ પછાડી દીધા છે. બે દિવસ સુધી કેશુભાઈ પટેલ અને હરેન પંડ્યાએ દિલ્હીમાં રજુઆતો કરી. પણ આખરે કેશુભાઈ પટેલને રાજીનમું આપવાની ફરજ પડી હતી. સંઘના આદેશ આગળ કેશુભાઈ પટેલે પણ ઝૂકી જવું પડયું હતું. દિલ્હીથી આવીને કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ સ્ટેિડયમ ખાતે ભવ્ય સોગંદવિધિનું આયોજન કર્યું હતું. આ સમયે મોદીએ કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાને પોતાની પાસે ઊભા રાખી, તેમને પગે લાગતાં ફોટા પડાવ્યા અને કહ્યું હતું કે અર્જુન પાસે તો એક શ્રીકૃષ્ણ જ સારથિ હતા, જ્યારે મને તો આ બે સારથિ મળ્યા છે. આ બંને સારથિઓની શું વલે થઈ એ ગુજરાત આખું જાણે છે. તેઓ ગુજરાતમાં આવ્યા એટલે સંજય જોષીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા. પછી સંજય જોશીનો કાંટો સીડીથી કાઢી નાંખવામાં આવ્યો હતો.
મોદીથી નારાજ કેશુભાઈ
કેશુભાઈ 1980થી 2012 સુધી જનસંઘ-ભાજપમાં હતા. છતાં તેમની અવગણના કરવામાં આવતી હતી. પક્ષના નિર્ણયોમાં તેમને કોરાણે મૂકી દેવામાં આવ્યા હતા. અપમાન સહન કરવાના બદલે તેઓ 2012માં મોદી વિરોધી ચળવળ ચલાવવા માટે મોદીથી અલગ થયા. તેમણે પક્ષ છોડ્યો હતો. પોતાની રાજકીય પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનું નિર્માણ કર્યું હતુ. ત્યારે તેમણે મોદીને ઢુંઢીયા રાક્ષસનું બિરૂદ આપ્યું હતું. 2012ની ચૂંટણીમાં તેમણે 200થી વધું જાહેર સભા ભરી અને તેમાં મોદી વિરોધી ઝુંબેશ ચલાવી હતી. જેના કારણે મોદીને નુકસાન થવાના બદલે મોટો રાજકીય ફાયદો થયો હતો. મોદી ફરી મુખ્ય પ્રધાન બન્યા હતા.
2017માં જ કેશુભાઈ પટેલનાં દીકરા પ્રવીણનાં નિધન પર પીએમ મોદી તેમની મુલાકાત કરવા માટે તેમના નિવાસ્થાને ગયા હતા.
કોણ છે કેશુભાઈ પટેલ?
કેશુભાઈ પટેલ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી છે. વર્તમાનમાં કેશુભાઈ પટેલ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં ચેરમેન છે. 2012ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને નવા રાજકિય પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત કરી હતી. જો કે વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તન પાટીને માત્ર બે બેઠકો મળી હતી. ત્યારબાદ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપામાં વિલીનીકરણ કરાયું હતું. તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા. કેશુભાઈ પટેલ જીપીપીનાં બેનર હેઠળ સૌરાષ્ટ્રની વિસાવદ-ભેંસાણ સીટ પરથી ચુંટાઈ આવ્યાં હતાં. જો કે ત્યારબાદ ખરાબ સ્વાસ્થ્યને કારણે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેમના પુત્ર ભરત પટેલને તે બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ અપાવી હતી. જેમાં તેઓને ખૂબી પૂર્વક વિસાવદરમાંથી હરાવવામાં આવ્યા હતા. આમ કેશુભાઈનું રાજકીય અસ્તીત્વ મોદીએ ખતમ કરી નાંખ્યું હતું.
પછાડ્યા પછી વારંવાર આશિર્વાદ કેમ
2001માં મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટથી કેશુભાઈ પટેલના બંગલે પહોંચ્યા હતા. કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ માંગ્યા હતા. જે કેશુભાઈ પટેલને તેમણે હટાવ્યા હતા. આ દ્રશ્ય જોનારને નરેન્દ્ર મોદીની નમ્રતા માટે આદર થાય તેવો તેમનો વ્યવહાર હતો. મંત્રીમંડળની રચના પછી તેમણે કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાનો હાથ પકડી ફોટો પડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બે નેતાઓ મારા સારથી છે. તેમના માર્ગદર્શન હેઠળ તે કામ કરેશે. જોકે આ બધુ નાટક હતું. પણ ભાજપના નેતાઓને સમજતા વાર લાગી હતી. મોદીએ એક પછી એક ભાજપના પાંચ લોકપ્રિય અને મહત્વના નેતાઓને વેંતરી નાંખ્યા હતા. જેમાં કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા, એ. કે. પટેલ અને હરેન પંડ્યા હતા.
ચૂંટણી જીતાય તેમ ન હતી તેથી તોફાન
મોદીને શાસનના છ મહિના જ થયા હતા, ત્યારે ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન ઉપર ટ્રેન સળગી અને તોફાનો શરૂ થયા હતા. તેમાં નરેન્દ્ર મોદી માથે માછલા ધોવાયા પણ નરેન્દ્ર મોદીને દોડવુ હતું અને ઢાળ મળ્યો તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. જેમાં તે હિનદુઓના મસિહા તરીકે બહાર આવ્યા હતા. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ ભરપુર મદદ કરી હતી. કારણ કે તેઓ બન્ને મિત્રો હતા. કેશુભાઈના ખાસ એવા પ્રવિણ તોગડિયાએ કેશુભાઈના સ્થાને મોદી મુખ્ય પ્રધાન બને તો કોઈ વાંધો નથી એવું રાજકીય નિર્ણય તેમણે લીધો હતો. પણ સમય આવ્યે તેમણે ડો. પ્રવિણને પણ 2018માં ખતમ કરી દીધા. કેશુભાઈના પૂર્વ સાથી તોગડિયાએ પણ નવો પક્ષ લોકસભાની 2019ની ચૂંટણી પહેલા સ્થાપિત કર્યો છે. મોદીને જીતાડવાની ભૂલ કેશુભાઈ પટેલે કરી હતી તે ભૂલ હવે ડો.તોગડીયા કરી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપને મજબૂત કરનારા નેતાઓ હતા તે તમામને ભોયભેગા કરી દીધા છે. હવે જુના નેતાઓ કોઈ પક્ષમાં હુકમ ચલાવી શકતા નથી. ગુજરાતમાં નાથાલાલ ઝગડાથી લઈ દિલ્હીમાં અડવાણીને મોદીએ દૂર કરી દીધા છે.
નક્કી કરેલી યોજનાએ આગળ વધ્યા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાજપ પ્રવેશ પહેલાં જ તેમણે ભાજપમાંથી નેતાઓને દૂર કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પ્રચારક હતા ત્યારે જ ગુજરાત ભાજપના મહામંત્રી (સંગઠન) જેઓ પ્રચારક હોય છે એવા નાથાલાલ ઝગડાને આ પદ પરથી નિવૃત્ત કરવા તેમની તબિયતને આગળ ધરી હતી. નાથાલાલ ઝઘડાને માત્ર ડાયાબિટીસ હતો અને ઘુંટણની તકલીફ પ્રારંભિક તબક્કે હતી. પરંતુ પ્રચારક નરેન્દ્ર મોદીએ સંઘના વડાઓને રજૂઆત કરી કે બીચારા નાથાભાઈને હવે આ કામમાંથી મુક્ત કરો તેમની તબિયત સારી નથી. આમ કહીને નાથાલાલ ઝઘડાને નિવૃત્ત કરાવી તેઓ પોતે જ ભાજપના પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે ગોઠવાઈ ગયા હતા.
સંગઠનમાં પોતાના માણસો ગોઠવી દીધા
પ્રદેશ મહામંત્રી બન્યા પછી પોતાના વિશ્વાસુઓને ગોઠવવા માટે કાર્યાલયથી લઈને સંગઠન મંત્રીઓને એક પછી એક દૂર કરી પોતાના માણસોને ગોઠવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાને નિશાન બનાવ્યા હતા. કેશુભાઈ પટેલને શંકરસિંહથી દૂર કરવા ‘શંકરસિંહ તમારા હરિફ છે, તમને મુખ્યમંત્રી થવા નહીં દે’ જેવી કાનભંભેરણી કરીને બે સ્નેહી મિત્ર જેવા નેતાઓને દુ:શ્મન બનાવી દીધા. આખરે શંકરસિંહે બગાવત કરવી પડી હતી.