મોદી મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓ કર્યા

 

નવી દિલ્હી, 29-01-2020

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ બિલ, 2019 માટેના રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે.

પ્રસ્તાવિત કાયદો ભારતીય ચિકિત્સાની શિક્ષણ પદ્ધતિના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓ કરવાની ખાતરી આપે છે. પ્રસ્તાવિત નિયામક માળખું સામાન્ય નાગરિકના હિતોની રક્ષા કરવા માટે પારદર્શકતા અને જવાબદારી પૂરા પાડશે. આ કમિશન દેશના તમામ ભાગોમાં પરવડે તેવી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતાને પ્રોત્સાહન આપશે.

આ કમિશનની રચના ભારતીય ચિકિત્સા પદ્ધતિને લગતી શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક ધોરણો, મૂલ્યાંકન, આકારણી અને માન્યતાને લગતા કાર્યોને સુનિયોજિત કરવા માટે કરવામાં આવી છે. એનસીઆઈએમની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ્ય જરૂરી ગુણવત્તાયુક્ત તબીબી વ્યવસાયિકો પૂરા પાડવાની ખાતરી આપવાનો અને ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં ચિકિત્સા સેવાઓના તમામ પાસાઓમાં ઉચ્ચ નૈતિક ધોરણોનું અમલીકરણ કરવાનો છે.