અછતનો સામનો કરી રહેલું આખું ગુજરાત જયારે પીવાના અને સિંચાઈના પાણીની તીવ્ર અછતનો સામનો
કરી રહ્યું છે ત્યારે માત્ર પ્રધાનમંત્રીશ્રીની તા.૨૨-૨૩ ડીસેમ્બરના કેવડીયા કોલોનીની મુલાકાત વખતે પ્રધાનમંત્રીને
સ્વચ્છ પાણી બતાવવા અને ફોટોજેનીક બેક ગ્રાઉન્ડ ઉભું કરવા માટે ભાજપ સરકારે શહેનશાહની જેમ નર્મદા ડેમનું
૨૦ થી ૪૦ મીલીયન કયુબીક મીટર પાણી સ્ટેચ્યુ ઓફ યુનીટી વીયરમાં છોડીને ખેડૂતો અને નાગરીકોના ભોગે
પાણીનો ગુનાહીત વેડફાટ કર્યો હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ
મોઢવાડિયાએ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ ૩૧મી ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનીટીનું ઉદ્ધાટન કર્યું તે પહેલાં ૨૪મી ઓકટોબરે સ્ટેચ્યુની આસપાસ વીયરમાં પાણી ભરેલું દેખાય તે માટે નર્મદા
ડેમમાંથી ૨૦ મીલીયન કયુબીક ફીટ પાણી છોડીને વેડફાટ કરવામાં આવેલો. આ પાણી હજી ભરેલું જ છે પરંતુ સદરહુ
પાણી બંધીયાર થયેલ હોય લીલા કલરનું થયેલું છે અને થોડી વાસ આવે છે. પ્રધાનમંત્રીશ્રીને સ્વચ્છ પાણી
બતાવવા તથા ફોટોજેનીક સીન ઉભો કરવા માટે ફરીથી નર્મદા ડેમમાંથી ગોડબોલે ગેઈટ મારફતે ૪૫૦૦ કયુસેક
પાણી છોડીને સ્ટેચ્યુ ઓફ યુનીટીના વીયર ડેમમાં ૨૦ થી ૪૦ MCM પાણી ભરવામાં આવી રહ્યું છે.
એક તરફ આખુ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાના વિસ્તારો
પીવાના પાણીની ભારે તંગે અનુભવી રહ્યા છે. ગુજરાતના ડેમોમાં માત્ર ૧૫ થી ૨૦ ટકા પાણી જ રહ્યું છે. ઉનાળામાં
પીવાના પાણીની ભયંકર તંગીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે. પશુધન ઘાસ અને પીવાના
પાણીના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પુરું પાણી મળતું નથી. પોતાના
ખેતરમાં નર્મદા મેઈન અને બ્રાંચ કેનાલમાંથી પાણી લેનાર ખેડૂતોને ચોર કહીને જેલમાં પુરવામાં આવી રહ્યા છે ત્યારે
ભોગી શહેનશાહોની જેમ સ્ટેચ્યુ ઓફ યુનીટીના નર્મદા વીયર ડેમનું જુનું પાણી કાઢીને નવું ભરવામાં આવી રહ્યું છે
તે નાણા અને પાણીનો ગુનાહિત વ્યય છે. રૂ. ૫૫ હજાર કરોડ સરદાર સરોવર યોજનામાં વપરાઈ ચુકયાં છે. હજુ
૪૦ ટકા કેનાલ નેટવર્કનું કામ બાકી છે. ગુજરાતના ભાગમાં આ વર્ષે માત્ર ૪.૭૧ MAF પાણી ઉપલબ્ધ છે. ગયા વર્ષે
પણ ઉપરવાસમાં ઓછો વરસાદ થવાથી અને પાણી વેડફવાથી નર્મદા ડેમ અને કેનાલમાં પુરતું પાણી ઉપલબ્ધ થયું
નહોતું એટલે પીવાના પાણીની જરૂરીયાત પુરી પાડવા કેનાલ લેવલથી નીચેના લેવલે ઉપલબ્ધ પાણી બાયપાસ
ટનલ મારફતે લાવીને પીવાના પાણી માટે ઉપયોગ કરાયો હતો. બાયપાસ ટનલ બન્યા પછી પહેલી વખત ટનલ
ખોલીને પાણીનો ઉપયોગ કરવો પડયો હતો. ચાલુ વર્ષે પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ
થવાના કારણે પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ રહી છે ત્યારે નર્મદા અને ડેમોનું પાણી
પીવા તથા સિંચાઈ માટે ઉપયોગ કરવાને બદલે શહેનશાહોની જેમ ફોટોજેનીક સીન ઉભો કરવાના વિલાસી કામોમાં
દુરુપયોગ થઈ રહયો છે.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા
પાર્ટીને નર્મદા અને બીજી નદીઓના પાણીનો પીવા અને સિંચાઈ માટે કરકસરયુક્ત ઉપયોગ કરવાને બદલે ભોગી
શહેનશાહોની જેમ નજારો ઉભો કરવા માટે કરવાની ટેવ પડી ગઈ છે. નર્મદા કેનાલનું પાણી કચ્છમાં હજી સુધી
સિંચાઈ માટે પૂરું પાડયું નથી પરંતુ ઉદ્યોગો માટે પાઈપલાઈનથી વર્ષો પહેલાં પાણી પહોંચાડી દીધું છે.
૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સાબરમતી નદીમાં દીવડાઓ પ્રગટાવીને રાત્રિનો નજારો ઉભો
કરવા માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાબરમતી નદીમાં નર્મદાનું પાણી લાવીને રાત્રિ પ્રકાશમાં લાખો
દીવડાઓ પ્રકટાવીને સમાચારમાં ચમક્યા હતા. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સપ્ટેમ્બર, ૨૦૧૭માં
સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન થયું ત્યારે મધ્ય ચોમાસુ હોઈ ડેમ પૂરતો ભરાયેલ નહોતો. ઉદ્ઘાટન કરતી વખતે
સરદાર સરોવરનો નજારો બરાબર દેખાય તે માટે ૮ દિવસ સુધી સરદાર સરોવરના ડેમના ઉપરવાસના ડેમોમાંથી
પાણી છોડીને નર્મદા ડેમને પાણીથી ભરી દેવામાં આવ્યો. ઉદ્ઘાટન પછી જે વરસાદ થયો તેનું પાણી નર્મદા ડેમમાં
ભરાવાને બદલે દરિયામાં વહી ગયું તેનું ભારે નુકસાન ગત ઉનાળામાં ગુજરાતની પ્રજાએ ભોગવ્યું હતું.
આ જ રીતે નર્મદા યોજનામાં ચોમાસા દરમ્યાન દરિયામાં વહી જનાર પાણીમાંથી ૧ લાખ એમ.એ.એફ.
પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ભરવાની ‘સૌની' યોજનાના ફેઈઝ-૧નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગત
ઉનાળામાં જૂન-૨૦૧૭માં કરીને નર્મદાનું પાણી રાજકોટના આજી ડેમમાં નાંખવાની શરૂઆત કરી હતી. સ્વાભાવિક
રીતે ઉનાળામાં નર્મદાના પાણીનો ઉપયોગ પીવા-સિંચાઈમાં કરવાનો હતો, પરંતુ પ્રધાનમંત્રીશ્રી અને ભાજપના
આગેવાનો માટે આજી ડેમ ખાતે ફોટોજેનીક સીન ઉભો કરવા ચોમાસાની શરૂઆતમાં વરસાદ પહેલા બિનજરૂરી રીતે
આજી ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યો. જેને કારણે ચોમાસામાં આજી નદીનું પાણી દરિયામાં વહી ગયું !
ડિસેમ્બર-૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન માધ્યમોમાં જગ્યા મેળવવા મટે વડાપ્રધાનશ્રી
નરેન્દ્ર મોદીનું ‘સી-પ્લેન' સાબરમતી નદીના રીવર ફ્રન્ટ ખાતે પાણીમાં લેન્ડ કરાવવાનો શહેનશાહી તુક્કો
ભાજપના આગેવાનોને સુઝ્યો એટલે કોઈની પણ પરવાનગી વગર લાખો ક્યુબીક મીટર નર્મદાનું પાણી સાબરમતી
નદીમાં ભરીને વડાપ્રધાનશ્રીનું સી-પ્લેન સાબરમતી નદીમાં લેન્ડ કરાવ્યું. આ પણ એક શહેનશાહી માનસિકતા
મારફત પાણીનો અને નાણાંનો વેડફાટ હતો.
શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપની ભોગી શહેનશાહી માનસિકાતની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું
હતું કે, સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી ગુજરાતની જનતાના ટેક્સના ૫૫ હજાર કરોડના નાણાંથી અને ગરીબ-
આદિવાસી ખેડૂતોની હજારો એકર સંપાદિત જમીનમાંથી બનેલો છે. આ પાણીનો ઉપયોગ ભોગી માનસિકતા સંતોષવા
નહીં પરંતુ પીવાના પાણી અને ખેડૂતોની સિંચાઈ માટે ઉપયોગ થવો જોઈએ. પાણીના આવા ભોગી વેડફાટ માટે
મુખ્યમંત્રીશ્રી અને ભાજપે માફી માંગવી જોઈએ.