મોદી સામે માથુ ઉંચુ કરનારા પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ

ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ સહિત કોન્સટેબલ પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા સાંભળવામાં આવી હતી. આ કેસનો જામનગર કોર્ટમાં ચુકાદો આવતા ઉતેજના વ્યાપી જવા પામી હતી. કારણ કે નરેન્દ્ર મોદી સામે તેણે માથુ ઉંચક્યું હતું.

આ કેસની હકીકત જોઈએ તો 30 વર્ષ અગાઉ ભાજપની અડવાણીની આગેવાની વાળી અને નરેન્દ્ર મોદીની હાજરી વાળી રામ રથયાત્રાને બિહારમાં રોકવામાં આવતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમિયાન 30 ઓકટોબર 1990ના રોજ પોલીસે કરફ્યૂ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે 133 વ્યકિતઓની ટાડા હેઠળ ધરપકડ કરી કથિત રીતે માર માર્યો હતો.

ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં. 8 નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્નાણીની અને તેનો ભાઈ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતુ, જયારે રમેશભાઈની કિડની ફેઈલ થઈ ગઈ હતી. જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા.

આ ઘટના બાદ તેના ભાઈ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને કસ્ટોડિયલ ડેથ અંગેની ફરિયાદ દાખલ કરતા સીઆઇડી ક્રાઈમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી.આ કેસના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર તુષાર ગોકાણીએ જણાવ્યું કે, કોર્ટે સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને દોષિત ઠેરવ્યા છે. એ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કે કલમ 323, 506 (1) દોષિત ઠેરવ્યા છે.પબ્લિક પ્રોસિક્યૂટરે વધુમાં જણાવ્યું કે, વર્ષ 1990માં અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનોની ઓથા હેઠળ 133 લોકોને આરોપીઓએ પકડી કસ્ટડીમાં બેફામ માર મારવામાં આવ્યો હતો. આ 133 પૈકી પ્રભુભાઈનું કસ્ટોડિયલ ટોર્ચરના કારણે સારવાર દરમિયાન 18 નવેમ્બર 1990ના રોજ મોત થયું હતું. પ્રભુભાઈના ભાઈ અમૃતભાઈએ ફરિયાદ નોંધાવી હતી.અત્રે નોંધનીય છે કે, આ કેસ ત્રણ દાયકા સુધી ચાલ્યો હતો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ મેટર પહોંચી હતી. અંતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 20 જૂન પહેલા આ કેસનો ચુકાદો જાહેર કરી દેવામાં આવે. તે બાબતને ધ્યાને લઈ જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.આ કેસ 30 વર્ષ સુધી ચાલ્યા બાદ આજે તેનો ચુકાદો આવ્યો જેમાં પૂર્વ આપીએસ સંજીવ ભટ્ટને તેમ જ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવી હતી.