મોબાઈ ફોન પરથી ડેટા ચોરી ન થાય તે માટે સાયબર સુરક્ષા લેબ (CSL)માં સ્કેન કરો

ગાંધીનગર 11 જાન્યુઆરી 2020
ઘણા કિસ્સાઓમાં એવુ જોવા મળેલ છે કે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં છુપાઇને કોઇ વાયરસ કે પેચ ચોક્કસ હેતુ સાથે તમારી માહિતીઓ (ડિજીટલ ડેટા) એકઠી કરીને રીમોટ એક્સેસથી અન્ય કોઇને મોકલી રહ્યુ હોય છે. આવા વાયરસને જડમુળથી ફેકી કાઢવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે “સાયબર સુરક્ષા લેબ” લાવ્યુ છે. હવે આપના મોબાઇલ ફોન, ટેબલેટ, કોમ્પ્યુટર, લેપટોપ, મેમરીકાર્ડ કે હાર્ડડિસ્ક જેવા ઉપકરણો લઇને અમારી સાયબર સુરક્ષા લેબમાં આવો અને વિનામુલ્યે તમારા ઉપકરણોને સ્કેન કરી, તેમાં રહેલા શંકાસ્પદ વાયરસ, માલવેર (Malware) કે વિવાદાસ્પદ એપ્લીકેશન (MALICIOUS APPLICATION) અથવા તો કોઇપણ પ્રકારના Vulnerable પેચ ને તુરંત શોધી કાઢીને તમારા ઉપકરણોને વિનામુલ્યે સાયબર સુરક્ષા પુરી પાડશે.

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે. ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે દેશમાં સૌ પ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલરૂમના માધ્યમથી આપ સૌને મદદરૂપ બનશે.