મોરબીના ડેમી 2 અને ડેમી 3 કમાન્ડ એરિયામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોમાં ફરી ફરીને વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી રહ્યાં છે. તેવી જ રીતે ગુજરાત સરકાર પણ આવા કાર્યક્રમો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા લોકાર્પણ થઈ રહ્યું છે, પરંતુ તાતની વાત કોઈ સાંભળતું નથી અને તેમની સમસ્યા કે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કોઈ ધારાસભ્ય કે મંત્રીને રસ નથી એવું લાગી રહ્યું છે. આવું જ સાબિત થઈ રહ્યું છે મોરબીનાં ડેમી-2 અને ડેમી-3નાં કમાન્ડ એરિયામાં પાણીનો પોકાર કરી રહેલા ધરતીપુત્રોની સાથે. આ પંથકનાં 20 ગામનાં ખેડૂતો તેમને પાક માટે સમયસર પાણી મળે તે માટે સરકાર સમક્ષ ડેમી-2 અને ડેમી-3માં પાણી છોડવાની માંગણી કરી રહ્યાં છે. છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલાં વિરોધ આંદોલનનાં ચોથા દિવસે ખેડૂતોએ ડેમનાં કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદીને પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા મોરબી પંથકનાં ખેડૂતોને પડી રહેલી હાલાંકીનો ખ્યાલ આવતો નથી અને જો સરકાર વેળાસર પાણી નહિ આપે તો અમરો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એકબાજુ વર્ષ 2017માં મોટા ઉપાડે સૌની યોજનાનાં નામે પાણી વહેવડાવીને પાણીનો વેડફાટ કર્યો. અને બીજી બાજુ આ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે અમારી સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારનાં 20 ગામનાં ખેડૂતો છેલ્લાં ચાર દિવસથી પાણી માટે આંદોલન ચલાવી રહ્યાં છે અને સરકાર વિરૂદ્ધ આશ્ચર્યજનક કાર્યક્રમો આપી રહ્યાં છે, તેમાં પ્રથમ દિવસે ધરણા કરી,બીજા દિવસે હવન કરી અને ત્રીજા દિવસે ખાલી પડેલ ડેમમાં ક્રિકેટ રમીને પાણીની માંગણી કરી હતી. હવે જોવું એ રહ્યું કે, આવનારા દિવસોમાં રાજ્ય સરકાર આ ખેડૂતોની માંગણી સ્વીકારશે કે ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.