મોરબીના મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલાયાં

મોરબી,તા:૦૧

મોરબી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે, જેના પગલે મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવા પહેલાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સતત વરસાદ અને પાણીના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલો માટેલિયો ધરો ઓવરફ્લો થયો છે, જેનું પાણી પણ મચ્છુ-2 ડેમમાં આવી રહ્યું છે. મચ્છુ-2 ડેમમાં પાણીની સતત આવકના કારણે તંત્રને તેના 10 દરવાજા 5 ફૂટ ખોલવાની ફરજ પડી છે, જેના પગલે હાલમાં મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે લોકોને નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.