મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો

મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે.

કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GPCBના આદેશથી NGT દ્વારા આ મસમોટો દંડ કરવામાં આવ્યો છે. ગેસિફાયર બંધ થયાના 4 મહિના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોરબીની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કંપનીઓ દ્વારા નાખી દેવાયેલા વેસ્ટ, પાણી અને હવાના પ્રદૂષણની માહિતી લેવામાં આવી હતી, જેમાં પ્રદૂષણ ધ્યાને આવતાં આ પગલાં ભરવામાં આવ્યાં છે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશથી જેણે ગેસિફાયર વાપર્યો હોય તેવી 450થી વધુ કંપનીને દિવસના રૂ.5000 મુજબ રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. ગેસિફાયર બંધ કરી નેચરલ ગેસ વાપરવા છતાં રૂ.500 કરોડનો દંડ ફટકારવામાં આવતાં સિરામિક ઉદ્યોગકારોમાં રોષ જોવા મળ્યો હતો.

બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના જણાવ્યા પ્રમાણે અગાઉ ચેતવણી આપી હોવા છતાં ગેસિફાયરનો ઉપયોગ કરનારી કંપનીઓને જ આ દંડ કરવામાં આવ્યો છે. આ કંપનીઓએ ચેતવણી ગંભીર રીતે લીધી નહોતી અને ગેસિફાયરનો ઉપયોગ ચાલુ જ રાખ્યો હતો.