કચ્છ લોકસભા વિસ્તાર સેક્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. તેમ છતાં ગુજરાત સરકાર મોરબીના લોકોની વાત ધ્યાને લેવા તૈયાર નથી.
મોરબી 10 વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આવેલો છે. જેના કારણે મોરબીના લોકોને પરેશાન થવું પડે છે. કચ્છ લોકસભાના સાંસદ હંમેશ કચ્છ પૂરતું ધ્યાન આપે છે. જે મોરબી આવતાં નથી કે મોરબી માટે કોઈ લાગણી ધરાવતાં નથી. તેથી મોરબીના લોકો માંગણી કરી રહ્યાં છે કે, મોરબી જિલ્લાને લોકસભાની અલગ બેઠક આપવામાં આવે. જો મતદારોની સંખ્યાની દ્રશ્ટીએ તે શક્ય ન હોય તો રાજકોટ લોકસભા સાથે જોડી દેવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે.
મોરબીના સામાજિક કાર્યકરોએ વડાપ્રધાનને પત્રો લખ્યા છે. કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નોની રજૂઆત કરવા માટે 150 કિ.મી. દૂર ભૂજ જવું પડે છે. રેલ્વે, પોસ્ટ ઓફીસ, નેશનલ હાઈવે, બેંક અને ટેલીફોન તેમજ આયુષ્માન યોજના, બંદર જેવા પ્રશ્નોની રજૂઆત માટે કચ્છ જવું પડે છે. મોરબી ઓદ્યોગીક શહેર છે. ભારતનું સિરામીક હબ હોવાથી એરપોર્ટ, દુરદર્શન કેન્દ્ર અને એફ એમ સ્ટેશન માટેની રજૂઆત માટે છેક 150 કિલોમિટર દૂર જવું પડે છે. કચ્છ લોકસભાનું ક્ષેત્રફળ ઘણું વિશાળ છે. મોરબી છેવાડે આવતું હોવાથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો લાભ મળતો નથી. આર્થિક રીતે નબળા પરિવારોને સાંસદના પ્રમાણપત્રની જરૂરિયાત હોય ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. મોરબીને અલગ લોકસભા સીટ આપવામાં આવે અથવા રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભેળવી દેવામાં આવે તો કેન્દ્રની અનેક પ્રકારની કામગીરી સરળ બને તેમ છે.
કચ્છ જિલ્લો 45,652 ચો.કિ.મી.નો છે. જે ગુજરાતના કૂલ ભૌગોલિક વિસ્તારના 23.28 ટકા છે. કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. કચ્છએ સૌરાષ્ટ્રથી ભૌગોલિક રીતે અલગ છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છના 10 તાલુકા, 10 શહેરો અને 950 ગામોમાં ત્યાંના ભાજપના સાંસદ વિનોદ ચાવડા માંડ ધ્યાન આપી શકે છે. તેથી તેઓ મોરબી તરફ દેખાતા નથી. 10 વર્ષથી આવું થઈ રહ્યું છે.
કચ્છ લોકસભાના મોરબી માળિયા વિધાનસભા વિસ્તારની ભાજપની એક બેઠક મળી હતી જેમાં કચ્છ લોકસભાના પ્રભારીઓ જેમાં પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારી, પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, દિલીપ કે. ઠાકોર, મેઘજી કંઝારીયા, કચ્છના બીપીન દવે, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેવા ભાજપના નેતાઓએ લોકસભા ચૂંટણી જીતવા માટે વ્યુહરચના તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પણ મોરબીના લોકોને સમસ્યા દૂર કરવા માટે મોરબીને અલગ કરવા માટે કોઈ જ વાત ન કરી હોવાથી મોરબીમાં ભાજપ સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે.