મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ

મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને  સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી  ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી – જુદી ટીમો બનાવી હતી.મોરબીના  ખાખરેચી ગેટ આગળ બેઠા પુલ તરફ જતા રોડ પર અપહરણ થયેલ બાળકને લઈને એક દંપતી જેવા લાગતા બે શખ્શોને રોકીને પૂછપરછ કરતા શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૮) રહે સુરત શહેર અને રાની દેવી શિવબાબુ ઉર્ફે શિવા રામબરન યાદવ (ઉ.વ.૨૫) વાળાએ સચિન નંદકિશોર યાદવ (ઉ.વ.૧૧) રહે સુરત વાળાનું સુરતથી અપહરણ કરી લઇ આવ્યાનું બહાર આવ્યું હતું.  આરોપી પતિ-પત્ની બંનેની ધરપકડ કરી અપહરણ કરાયેલ બાળકોનો કબજો સુરત પોલીસને સોંપ્યો હતો.  દંપતિએ અપહરણ કરાયેલા  પરપ્રાંતિય બાળકના પરિવાર પાસે ખંડણી માંગી હતી. જો કે કેટલી રકમ માંગી હતી તે બહાર આવેલ નથી.