મોરબીમાં ખેડૂતો આવ્યાં રસ્તા પર અને યોજી વિશાળ રેલી

રાજ્યનાં ખેડૂતોની દિવસેને દિવસે માઠી દશા થઈ રહી છે. એક બાજુ દેવા માફી, સિંચાઈ માટે પાણી, પાક વીમો તેમ જ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર ન થતાં માલધારીઓને ઘાસચારાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ ખાતરમાં પંદર દિવસમાં ફરી એકવાર થયેલાં ધરખમ ભાવ વધારાનાં કારણે તાતની કમર તૂટી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં રાજ્યનાં ખેડૂતો ખાસ કરીને અપૂરતાં વરસાદનો સામનો કરી રહેલાં સૌરાષ્ટ્ર પંથકનાં ખેડૂતો હવે માર્ગો પર ઉતરીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યાં છે. તેમ છતાં કૂંભકર્ણની નિંદ્રામાં પોઢેલી રાજ્ય સરકાર જાગતી નથી. ત્યારે રાજ્યનાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નોને ઉપાડી લઈને આંદોલન શરૂ કરી દેવાયું છે. તેનાં ભાગરૂપે મંગળવારે સુરેન્દ્રનગર, પડધરી તેમ જ જેતપુરમાં ખેડૂતોએ કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી યોજીને સરકારનો વિરોધ કર્યો હતો. તો આજે મોરબી જિલ્લામાં ખેડૂતો સવારથી જ રસ્તા પર ઉતરી આવ્યાં છે.
ખેડૂતોના દેવમાફી, સિંચાઈ, પાકવીમો તેમજ ઘાસચારા સહિત જિલ્લાને અછ્તગ્રસ્ત જાહેર કરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. મોરબીના નવા બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરાયું જેમાં બેનરો સાથે ખેડૂતો અને કોંગ્રેસનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં મોરબી જિલ્લા અને તેની આસપાસનાં જિલ્લાનાં કોંગ્રેસનાં ધારાસભ્યો પણ જોડાયાં હતાં. કોંગ્રેસનાં ટંકારાનાં ધારાસભ્ય લલિત કગથરાએ રાજ્ય સરકાર પર ખેડૂતોનાં પ્રશ્ને ઉદાસીનતા દાખવવાનો આરોપ મૂક્યો હતો. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે આજે રાજ્યનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે. એક બાજુ દેવાનાં ડૂંગરતળે દબાયેલો છે ત્યાં પડ્યાં પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં અપૂરતાં વરસાદને લઈને સિંચાઈનાં પાણીની સમસ્યાનાં કારણે ખેડૂતોનો ઊભો મોલ નિષ્ફળ નિવડ્યો છે. અને રાજ્ય સરકાર આ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર નથી કરી રહી. તો બીજી બાજુ રાસાયણિક ખાતરનાં ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. તેનાં કારણે જગતનો તાત મોટી મુશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે. આ સંજોગોમાં તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો રાજ્ય સરકાર ખેડૂતોનાં હિતમાં જો કોઈ નિર્ણય નહિ કરે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને પડી રહેલી હાલાંકી વચ્ચે રાજ્ય સરકારનાં નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા આજે લઘુત્તમ ટેકાનાં ભાવે ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, જાહેર કરાયેલાં ટેકાનાં ભાવે ખરીદીથી ખેડૂતોને ફાયદો થાય છે કે નુકસાન.