મોરબીમાં ટ્રાફિક પોલીસનો હાસ્યાસ્પદ છબરડો, કારચાલકે આપ્યો હેલ્મેટનો મેમો

મોરબી,તા:૨૧  રાજ્યભરની જેમ મોરબી શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની કડકપણે અમલવારી થઈ રહી છે, જેમાં સીસીટીવીના આધારે પણ હજારો વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હાસ્યાસ્પદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે એક કારચાલકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો. રવાપર ખાતે રહેતા કારચાલક જ્યારે ચારરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની સાથે અન્ય એક બાઈકચાલક પણ પસાર થઈ રહ્યો હતો, જેણે હેલમેટ પહેરી નહોતી. ટ્રાફિક પોલીસ કંટ્રોલરૂમે બેદરકારી રાખી બાઈકચાલકનો નંબર નોંધવાના બદલે કારચાલકનો નંબર નોંધી લીધો અને હેલમેટ ન પહેરવા અંગે કારચાલકને મેમો ફટકારી દીધો.

મોરબી ટ્રાફિક પોલીસની આ મુર્ખામી હાલમાં મોરબી શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે, અને જ્યાંને ત્યાં લોકો ટ્રાફિક પોલીસની આ બેદરકારી અંગે જ વાતો કરી રહ્યા છે. જોવાનું એ છે કે એક કારચાલકને હેલમેટ અંગે દંડનો મેમો મોકલતા પહેલાં ટ્રાફિક પોલીસ દ્વારા ફોટોને જોવાની તસદી પણ લેવામાં આવી નહોતી, બસ જાણે ટાર્ગેટ પૂરો કરવા ઉતાવળમાં જ મેમો મોકલી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસની આ ગંભીર બેદરકારી અંગે કોઈ જવાબદાર અધિકારી દ્વારા કોઈ ચોખવટ કરવામાં આવી નથી.

જો કે આ પ્રકારની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ જે વ્હીકલ સીસીટીવીમાં દેખાતું ન હોય તેને દંડ કરવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.