મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ

અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા. ફરિયાદ ઊઠતાં ગાંધીનગરથી તપાસ માટે એક ટીમ મોકલવામાં આવી, જેણે તમામ પાંચ જિલ્લામાં ફરીને નાની સિંચાઈ હેઠળ કરેલાં કામોની જાતતપાસ હાથ ધરી, જેમાં તમામ કામ માત્ર ચોપડા પર દર્શાવી 17 કરોડનું ચુકવણું પણ કરી  દેવાયું હોવાનું જણાયું હતું.

 

ખેડૂતોને વધુમાં વધુ સિંચાઈનો લાભ મળે તે આશયથી સરકાર દ્વારા આદરવામાં આવ્યું છે, જે અંતર્ગત તળાવ અને ચેકડેમને ઊંડા ઉતારી પાણીની ક્ષમતા વધારવાની હતી. તે અંગેનાં કામ કરવાના બદલે અધિકારીઓ અને પદાધિકારીઓ કરોડો રૂપિયાં ચાંઉ કરી ગયા હોવાની ફરિયાદ ઊઠી હતી, જેની તપાસની માગણી કરવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ બાદ મુખ્યમંત્રીએ તમામ કામને ચેક કરવા માટે આદેશ આપ્યા હતા. તપાસના આદેશના પગલે સિંચાઈ વિભાગના ગુણવત્તા નિયમન વિભાગના અધિકારીઓએ મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી.

તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, કેટલાંક ગામની મંડળીઓવાળા સાથે મળીને ખોટાં બિલ બનાવવામાં આવ્યાં હતાં, જેના આધારે સરકારી તિજોરીમાંથી 17 કરોડની રકમ ઉપાડી નાની સિંચાઈનાં કામમાં ગેરરીતિ આચરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, કેટલાંક ગામના સરપંચને તો જાણ પણ નહોતી કે તેમના ગામના નાની સિંચાઈના કામનાં ખોટા બિલ મૂકીને નાણાં પણ મંજૂર કરી લેવામાં આવ્યાં છે.