અમદાવાદ, તા. 15
મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિંગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી. જોકે, કોમર્શિયલ બિલ્ડિંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવા અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ વસૂલવા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટનો આ હુકમ તમામ મોલ-મલ્ટિપ્લેક્સમાં હવે લાગુ પડી શકશે
કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે એવી પણ મહત્વની ટકોર કરી હતી કે, સંપૂર્ણ રીતે ફ્રી પાર્કિંગ હોઈ ન શકે. તેથી પક્ષકારોએ તેમની રીતે જરૂરી સૂચનો અને દરખાસ્તો રજૂ કરવા જોઈએ જેને કોર્ટ ધ્યાને લેશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની વધુ સુનાવણી 19 નવેમ્બર મુકરર કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે મહત્વના આદેશમાં કહ્યું હતું કે, અરજદાર અને જીડીસીઆરના નિયમન નં. 7.4માં નિર્દિષ્ટ અન્ય મર્કેન્ટાઈલ તથા એસેમ્બલી કેટેગરીમાં આવતા કોમર્શિયલ બિલ્ડિંગોના માલિકો અને મેનેજરોએ તેમના બિલ્ડિંગમાં આવનારા મુલાકાતીને પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ તેઓ વાજબી પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે. પરંતુ આ પાર્કિંગ ચાર્જ ટૂ વ્હિલરના કિસ્સામાં રૂ. 10 અને ફોર વ્હિલરના કિસ્સામાં રૂ. 30થી વધુ વસૂલી શકાશે નહિ.
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના અરજદાર તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે. ત્રિવેદીએ દલીલ કરતા કહ્યું હતું કે, પાર્કિગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિંગ એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે. હાઈકોર્ટને કાયદામાં પાર્કિંગની જોગવાઈ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કેમ કે, કાયદામાં મફત પાર્કિંગની જોગવાઈ નથી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો પ્રભાવિત થયા છે. ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટે યોગ્ય દરમિયાનગીરી કરવી જોઈએ અને યોગ્ય રાહત આપવી જોઈએ.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી હતી કે, પાર્કિંગ ફ્રી હોઈ શકે નહિ, પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જોઈએ. જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે સિનેમાની ટીકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિંગ કરી શકાય. આ કેસમાં રૂચિ મોલ્સ (આલ્ફા વન મોલ) તરફથી પણ કેસમાં જોડાઈને રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાત સરકાર તરફથી આ કેસમાં વધુ સમય આપવા માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, મોલની આજુબાજુની સોસાયટીઓમાં પણ રહેવાસીઓને પાર્કિંગની સમસ્યા હોય છે. તેથી પેઈડ પાર્કિંગ હોય તો તેઓ પણ મોલમાં પાર્ક કરી શકે કે કેમ તે અંગે પણ સૂચનો રજૂ કરવા પક્ષકારોને નિર્દેશ કર્યો હતો. અને ઉપરોક્ત મહત્વનો વચગાળાનો આદેશ કર્યો હતો.
મોલ-મલ્ટિપ્લેક્સ ચાર્જ નહિ વસુલવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો
ગુજરાત હાઈકોર્ટે 10મી જુલાઈએ એક મહત્વના ચુકાદો આપતાં કહ્યું હતું કે, મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો પાર્કિંગ ચાર્જ લેશે તો મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.એટલે કે હવે પાર્કિંગ ચાર્જ પર હાઇકોર્ટે રોક લગાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાર્કિંગ મામલે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોલ-મલ્ટિપ્લેક્સ, હોસ્પિટલ સહિતના એકમો દ્વારા જો તેની મુલાકાત લેનાર ગ્રાહકોને મફત પાર્કિંગની વ્યવસ્થા આપવા માટે નિર્દેશ આપ્યો હતો. જે અનુસંધાને પણ મોલ-મલ્ટિપ્લેક્સ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલવા સામે રોક લગાવી હતી.