મોલ, હોટેલ 1 મેથી 24 કલાક ખુલ્લા રાખવાનો અમલ શરૂ, નાના શહેરોમાં 2 વાગ્યા સુધી

1 મે 2019થી ગુજરાતમાં 7 લાખ જેટલી દુકાનો, મોલ્સ અને હોટલ્સ 24 કલાક ખુલ્લી રાખી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસટી મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલી દુકાનોને 24 કલાક ખુલ્લી રાખી શકાશે જ્યારે નગરપાલિકા, સ્ટેટ હાઈવે પર આવેલી દુકાનોને સવારના 6 વાગ્યાથી રાત્રીના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

રાજ્ય સરકારે 1 મે 2019થી કાયદો અમલી કરવાનો નિર્ણય કર્યો છે. નોંધાયેલી દુકાનો અને હોટલોએ શ્રમ કાયદાનો અમલ કરવાનો રહેશે. મહિલાઓને રાત્રીના નવ વાગ્યા પછી કામ પર રાખી શકાશે નહીં. ગુજરાતના રાજ્યપાલે વિધાનસભાના બીલને મંજૂરી આપી દીધી છે. તેના ડ્રાફ્ટ નિયમોને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

દુકાનો અને સંસ્થા અધિનયમ (ગુમાસ્તા ધારો) રદ કરીને નવો શોપિંગ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019નો કાયદો અમલમાં આવ્યો છે. એકમો અને દુકાનોને પ્રતિ વર્ષ રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ અપાશે. શિફ્ટમાં કામ કરવા માટેની છૂટની સાથે ઓવરટાઇમમાં પણ દોઢ ગણાને બદલે હવે બમણું વેતન આપવામાં આવશે.

30થી વધુ કર્મચારી ધરાવનાર સ્ટોર, દુકાન માલિકે મહિલાઓને ધ્યાનમાં રાખી ઘોડિયાંઘરની વ્યવસ્થા કરવી પડશે. મહિલાઓ સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી જ નોકરી કરી શકશે. દુકાનમાં રાત્રે મહિલા કર્મચારીઓ રાખી શકાશે નહીં. 100થી વધુ કર્મચારી ધરાવતા સ્ટોર કે દુકાન માલિકે કેન્ટીનની વ્યવસ્થા કરવી પડશે. તેમ શ્રમ અને રોજગાર સચિવ વિપુલ મિત્રાએ જાહેર કર્યું છે.