અમદાવાદ.25
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ભરતીના નામે કૌભાંડ ચાલી રહ્યાં છે, જે અંગે કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોડા સમયમાં જ ભરતી થનારા આસિ. મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે રૂ.રપ લાખના ભાવ ફિક્સ થયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભરતી પ્રક્રિયામાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, ભરતીમાં પારદર્શિતાના નામે મોટા વહીવટ થઈ રહ્યા છે. દેશમાં એકમાત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ ભરતી માટેની પરીક્ષાનાં પરિણામ ઉમેદવારને આપવામાં આવતાં નથી.
મ્યુનિસિપલ શાસકો તથા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલા ઉમેદવારોને બારોબાર ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. સામાન્ય રીતે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેનાં પરિણામ સાર્વજનિક કરવામાં આવ્યા બાદ મેરિટના આધારે જ મૌખિક ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારને બોલાવાય છે.
કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયાના કોઈપણ નિયમનો અમલ થતો નથી. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પરીક્ષામાં પણ માનીતા ઉમેદવારો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પોસ્ટ માટે રૂ.રપથી રૂ.પ૦ લાખ સુધીના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભરતી માટે જે લાયકાતો નક્કી કરી છે તે પણ હાસ્યાસ્પદ છે. દેશમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આઈએએલ માટે પરીક્ષા આપી શકે છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક માટે પણ સેકન્ડ ક્લાસ સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે
વિપક્ષી નેતા દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદરુદ્દીન શેખે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પરીક્ષામાં થયેલી ગેરરીતિ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સદ્દર પરીક્ષામાં ઉમેદવારોને કેલ્ક્યુલેટર ન લઈ જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, પરંતુ પરીક્ષા શરૂ થઈ તે સમયે નિશ્ચિત કરાયેલા ઉમેદવારો કેલ્ક્યુલેટર લઈને આવ્યા હતા. મ્યુનિસિપલ શાસકો અને કમિશનરે દસ જેટલા ઉમેદવારોને અગાઉથી જ પસંદ કર્યા છે, તથા તેમની કોઈપણ સંજાગોમાં ભરતી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.