યાર્ડ ધમધમ્યા : જીરુંમાં લાભપાંચમ, ઊંઝામાં રૂ.3305નો ભાવ પડ્યો

ઊંઝા, તા.૦૨ 

શુક્રવારે લાભ પાંચમના શુભમુહૂર્તમાં જિલ્લાના મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર, કડી, ઉનાવા સહિતના માર્કેટયાર્ડોના વેપારીઓએ શ્રી સવા સાથે વેપાર-ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા અને ઉનાવા માર્કેટયાર્ડમાં ખુલતા બજારે ખેડૂતોના ધસારા અને નવીન સોદાના પ્રારંભ સાથે યાર્ડ ફરી ધમધમતાં બન્યા છે. ખુલતા માર્કેટે ઊંઝામાં જીરુંના ભાવ રૂ.2600થી રૂ.3305 બોલાયો હતો.

લાભપાંચમે ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલના હસ્તે માર્કેટયાર્ડ કાર્યાલય પ્રવેશદ્વારે પૂજા સાથે માર્કેટયાર્ડ પુનઃધમધમતું થયું હતું. ખુલતા માર્કેટે જ જીરું નીચો ભાવ રૂ.2600થી ઊંચો ભાવ રૂ.3305, વરિયાળી નીચો ભાવ રૂ.931થી ઊંચો ભાવ રૂ.2051, ઇસબગુલ નીચો ભાવ રૂ.1600થી ઊંચો ભાવ રૂ.1941, સરસવ નીચો ભાવ રૂ.1024થી ઊંચો ભાવ રૂ.1120, રાયડો નીચો ભાવ રૂ.711થી ઊંચો ભાવ રૂ.781, તલ નીચો ભાવ રૂ.1575થી ઊંચો ભાવ રૂ.2570, મેથી નીચો ભાવ રૂ.740થી ઊંચો ભાવ રૂ.740, સવા નીચો ભાવ રૂ.8720થી ઊંચો ભાવ રૂ.955, અજમો નીચો ભાવ રૂ.751થી રૂ.2411નો રહ્યો હતો.

તો ઉનાવા માર્કેટયાર્ડ ચેરમેન ભીખાભાઇ પટેલે જણાવ્યું કે, લાભપાંચમના મુહૂર્તમાં કપાસ નીચો ભાવ રૂ.721થી ઊંચો ભાવ રૂ.1175 અને એરંડા રૂ.895એ રહ્યા હતા. ઊંઝા યાર્ડના ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું કે કાઠિયાવાડ અને રાજસ્થાનથી મુહૂર્તમાં જીરાની આવક સારી રહી. વાતાવરણમાં આવેલા પલટાથી રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં ‘વરાપ’ ન થાય તો જીરાની જગ્યાએ ખેડૂતો ચણાના વાવેતર તરફ વળે તો જીરાના ભાવમાં અણધારી તેજી આવી શકે છે.

વિસનગર માર્કેટયાર્ડમાં લાભપાંચમે બજાર ખુલતાં કપાસના ભાવ રૂ.1100 સુધી બોલાયા હતા. જેમાં 6560 મણ આવક થઇ હતી. દિવાળીના વેકેશન બાદ શુક્રવારે લાભ પાંચમે વિસનગર યાર્ડમાં હરાજી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં સવારે 8-30 વાગ્યે સરદાર ગંજ ખાતે વેપારીઓ, ખેડૂતો અને પોટરોનું સ્નેહમિલન યોજાયું હતું. ત્યાર બાદ શુભમુહૂર્ત જોઇ હરાજી શરૂ કરાઇ હતી. જેમાં કપાસના ભાવ રૂ.1101 સુધીના બોલાયા હતા, જ્યારે 6560 મણ આવક થઇ હતી. જ્યારે એરંડામાં રૂ.912 સુધીના ભાવ બોલાયા હતા, 150 બોરીની આવક થઇ હતી.

મહેસાણા માર્કેટયાર્ડ લાભપાંચમે ખુલ્યુ, પરંતુ વરસાદને કારણે પાકને નુકસાન થતાં માલ વેચવા આવેલા ખેડૂતો જૂજ સંખ્યામા દેખાયા હતા. વેપારીઓના કહેવા મુજબ અડદની સીઝન છે પરંતુ મોટાભાગનો પાક ભીનો થતા હાલમાં ખેડૂતો જે માલ લાવે છે તે ડેમેજવાળો હોઇ જોઇએ તેવી કિંમત ઉપજતી નથી. શુક્રવારે સૌથી વધુ રાયડાની આવક રહી હતી. એરંડાના ભાવમાં ગત વર્ષે રૂ.900 સામે ચાલુ વર્ષે રૂ.890 ખુલ્યા હતા. માત્ર રૂ.10ના ફેર વચ્ચે ખેડૂતોએ એરંડાનુ વેચાણ ટાળ્યું હતું. ગંજબજારના વેપારી મુકેશભાઇએ કહ્યું કે, એરંડાના ભાવ નીચા હોઇ જે ખેડૂતોએ રૂ.1100-1200માં વેચ્યા નથી, તે રૂ.890માં કેવી રીતે વેચે. એરંડાના ભાવમાં ઉછાળાની આશાએ ખેડૂતોએ વેચાણ ટાળતા હોઇ આજે માત્ર 18 બોરી આવી હતી.ગત વર્ષે અડદની 147 બોરી સામે ચાલુ વર્ષે 112, જ્યારે એરંડા ગત વર્ષે 422 સામે ચાલુ વર્ષે માત્ર 18 બોરી જ વેચાઇ છે. જોકે, રાઇ- રાયડો ગત વર્ષની તુલનામા ચાલુ વર્ષે 142 બોરીઓ વધુ વેચાણ થયું છે.