યુનિવર્સિટીએ બી.એડ કોલેજોમાં EWS કેટેગરીની ૧૦ ટકા બેઠકો માટે જાહેરાત આપી પણ લૉ કોલેજમાં પ્રવેશ અંગે કોઇ જાહેરાત ન થતાં મુશ્કેલી

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી લૉ કોલેજોમાં પ્રવેશ માટે બે ઓનલાઇન અને એક ઓફલાઇન રાઉન્ડ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દરેક કોલેજોમા EWS કેટેગરીમાં વધારાની ૧૦ ટકા બેઠકો માટે મંજુરી આપવામાં આવી છે. મહત્વની વાત એ કે, યુનિવર્સિટીએ બી.એડ કોલેજો માટે ૧૦ ટકા  EWS કેટેગરી માટે નવેસરથી પ્રવેશ પ્રક્રિયા કરવાની જાહેરાત કરી છે પરંતુ હજુસુધી લૉ કોલેજો માટે આવી કોઇ જાહેરાત સુધ્ધા કરવામાં આવી નથી.

યુનિવર્સિટી દ્વારા દરેક અભ્યાસક્રમમાં પ્રવેશની પ્રક્રિયા પહેલા ૨૫ ટકા  EWS કેટેગરીની બેઠકો વધારવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ જે તે સમયે બી.એડ અને લૉ કોલેજોમાં કાઉન્સિલ દ્વારા  EWS કેટેગરીની બેઠકો વધારવા માટે મંજુરી આપવામાં ન આવતાં આ બેઠકો પર કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેના કારણે બી.એડ અને લૉ કોલેજોમાં પ્રવેશ માટે  EWS કેટેગરીનો અમલ કર્યા વગર જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા બી.એડ કોલેજો માટે ૧૦ ટકા  EWS કેટેગરીમાં બેઠકો વધારવાની મંજુરી આપી દીધી છે. જેના કારણે યુનિવર્સિટીએ આ કેટેગરીમાં વધનારી બેઠકો માટે નવેસરથી પ્રક્રિયા કરવાની જાહેરાત કરી વિદ્યાર્થીઓને સંમતિ આપવાની સૂચના પણ આપી દીધી છે.

એનસીટીઇ અને બાર કાઉન્સિલ બન્ને કાઉન્સિલ દ્વારા એક સાથે જ  EWS કેટેગરીની મંજુરી આપી દેવામાં આવી છે ત્યારે યુનિવર્સિટીએ બી.એડ માં નવેસરથી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી પરંતુ લૉ કોલેજોમાં પ્રવેશ માટે કોઇ સ્પષ્ટતાં કરવામાં આવી નથી. તાજેતરમાં એનએસયુઆઇના કેટલાક કાર્યકર્તાઓ લૉ કોલેજોમાં પ્રવેશને લઇને રજૂઆત કરવા માટે પણ યુનિવર્સિટીમાં ગયા હતા પરંતુ તેમને કોઇ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. બાર કાઉન્સિલની મંજુરી અંગે લૉ એડમીશન કમિટીના કો-ઓર્ડીનેટર આર.વી.મહેતાનો સંપર્ક કરતાં તેઓ મળી શકયા નહોતા.