યુનિવર્સિટીઓમાં પપેટ શોઃ જોઇએ છે પપેટ કુલપતિઓ અને પપેટ અધિકારીઓ

અમદાવાદ, તા.29

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યાઓ ખાલી પડી છે. યુનિવર્સિટીના કામકાજ માટે મહત્વની ગણાતી આ જગ્યાઓ કયારેય ખાલી પડી રહેવા દેવાતી નથી. પણ યુનિવર્સિટીના કુલપતિએ આ બન્ને જગ્યા પર પોતાને અનુકુળ આવે તેવા અને પપેટ તરીકે કામગીરી કરી શકે તેવા અધિકારીઓની નિયુક્તિ કરી દીધી છે. હાલની સ્થિતિ એવી છે કે, સરકારને પપેટ કુલપતિઓ જોઇએ છે અને કુલપતિઓને યુનિવર્સિટીઓમાં પપેટ અધિકારીઓની જરૂર છે. સરવાળે સમગ્ર શિક્ષણજગત પપેટના આધારે ચાલતું હોય તેવી સ્થિતિ ઊભી થઇ છે. રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટના મુદ્દે કેટલાક સભ્યોએ હવે રાજયપાલ સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.

યુનિવર્સિટીનો વહીવટ રજિસ્ટ્રાર જ ચલાવી શકે

યુનિવર્સિટીના આંતરિક અને બાહ્ય વહીવટ માત્ર અને માત્ર રજિસ્ટ્રારના નામે ચાલતો હોય છે. સરકાર, પરસ્પર યુનિવર્સિટીઓ, યુજીસી, એમએચઆરડી, શિક્ષણવિભાગ સહિત સમગ્ર વહીવટીતંત્રએ કોઇપણ યુનિવર્સિટી સાથે કોઇપણ પ્રકારનું કોમ્યુનિકેશન કરવું હોય તો રજિસ્ટ્રારના નામે જ થાય છે. યુનિવર્સિટીમાં થતી તમામ કામગીરી પણ રજિસ્ટ્રારના નામે થાય છે. પટ્ટાવાળાથી લઇને યુનિવર્સિટીમાં કામગીરી કરતા તમામ અધિકારીઓ અને ખુદ કુલપતિ-ઉપ કુલપતિનો પગાર પણ રજિસ્ટ્રારના નામે અને સહી કરે ત્યારે થાય છે. ટૂંકમાં કહીએ તો રજિસ્ટ્રાર વગર એકપણ કામગીરી શકય બનતી નથી. આ પ્રમાણે જોતાં રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડે તો એકપણ દિવસ કામગીરી ચાલતી ન હોવાથી તાકીદે નિયુક્તિ કરવી પડે છે. કાયમી રજિસ્ટ્રારની નિમણૂક ન થાય ત્યાં સુધી કામચલાઉ રજિસ્ટ્રાર તરીકે પણ કોઇની નિયુક્તિ કરી દેવી પડે છે. કામચલાઉ રજિસ્ટ્રાર કેટલો સમય અને કયાં સુધી રાખવા તે અંગે કોઇ સ્પષ્ટ નિયમ નથી. આ ક્ષતિનો લાભ હાલ રાજયની અનેક યુનિવર્સિટીઓના કુલપતિઓ લઇ રહ્યા છે. રાજયની અડધો ડઝનથી  વધુ યુનિવર્સિટીઓમાં કાયમી રજિસ્ટ્રાર નથી. દરેક કુલપતિઓ પોતાને ફાવે અને અનુકૂળ આવે તે અધિકારીને ચાર્જ સોંપીને મનમાની કરાવી રહ્યા છે.

સરકારના આદેશની અવગણના

સરકારે તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓને પરિપત્ર મોકલીને તાકીદે રજિસ્ટ્રારની નિયુક્તિ કરવા આદેશ કરવા છતાં કોઇ યુનિવર્સિટીમાં નિયુક્તિ કરવામાં આવી નથી. જેના કારણે સરકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીને રજિસ્ટ્રારનો ચાર્જ સોંપી દીધો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં પણ આજ પરિસ્થિતિ હોવાથી સરકારે તાજેતરમાં એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે સરકારી અધિકારીને મુકવા તૈયારી કરી તો કુલપતિએ ટૂંક જ સમયમાં કાયમી નિયુક્તિ કરી દઇશું, હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તેમ કહીને સરકારી અધિકારી નિયુક્ત કરવા દીધા નહતા. રાત ગઇ બાત ગઇની જેમ યુનિવર્સિટીએ માત્ર જાહેરાત આપીને અરજીઓ મગાવી લીધી છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી અરજીઓ આવી હોવા છતાં આજસુધી ઇન્ટરવ્યુ કરવાની પણ કામગીરી કરવામાં આવી નથી. કયારે ઇન્ટરવ્યુ થશે અને નિયુક્તિ કયારે થશે તે અંગે ભારે અનિશ્ચિતતા જોવા મળે છે.

કામચલાઉ રજિસ્ટ્રાર અને એકાઉન્ટન્ટ પટેટ બને એવા જોઈએ

યુનિવર્સિટીના તજજ્ઞો કહે છે કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવે તો કુલપતિ ઇચ્છે તે પ્રમાણે કામગીરી થઇ શકે તેમ નથી. કાયમી અધિકારી યુનિવર્સિટીના સ્ટેચ્યુટ અને ઓર્ડીનન્સ પ્રમાણે કામ કરવાનો આગ્રહ રાખે છે. જયારે કામચલાઉ રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટ કુલપતિ કહે તે પ્રમાણે કામગીરી કરતા રહે છે. કોઇપણ યુનિવર્સિટીના કુલપતિઓને કાયમી રજિસ્ટ્રાર કે એકાઉન્ટન્ટ જોઈતા નથી.પોતાના ઇશારે પપેટ તરીકે કામગીર કરે અને સહીઓ કરે તેવી વ્યકિતઓની જરૂર છે. જેના લીધે સરકાર ગમે તેટલા પ્રયાસ કરે તો પણ યુનિવર્સિટીઓ નિમણૂક ની પ્રક્રિયામાં સતત વિલંબ કરતા રહેશે. હાલની સ્થિતિ એવી છે કે સરકારને પપેટ કુલપતિઓ જોઇએ છે અને કુલપતિઓને વહીવટ કરવા માટે પપેટ અધિકારીઓની જરૂર છે. સરકાર જે રીતે ભાજપના અને પપેટ તરીકે કામગીરી કરે તેવા પ્રોફેસરને રાતોરાત કુલપતિ બનાવે છે તેજ રીતે હવે કુલપતિઓ પણ પોતાની નીચે પપેટ અધિકારી ઇચ્છી રહ્યા છે.

રાજ્યપાલને ફરિયાદ કરવાની તૈયારી

છેલ્લા ચાર વર્ષથી યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટ ન હોવાના કારણે અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલી રહી છે. યુનિવર્સિટીને સેનેટ સભ્યોએ હવે કામગીરીના પુરાવાઓ સાથે આગામી દિવસોમાં રાજયપાલને લેખિતમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. આ ફરિયાદ પછી પણ કાયમી નિયુક્તિ થશે કે તેમ તે નક્કી નથી.