યુનિ.માં સેનેટની ચૂંટણીમાં બોગસ મતદાનના આક્ષેપને લઈ પાટણ MLAની હાઈકોર્ટમાં રાવ

પાટણ, તા.૨૮

ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં 2017માં યોજાયેલ સેનેટની ચૂંટણીમાં ખોટા દાતાઓ ઉભા કરી બોગસ મતદાન કરાવી સેનેટ બન્યા હોવાની દલીલ સાથે પાટણ ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવતા કોર્ટે શિક્ષણ વિભાગના અગ્રસચિવને 45 દિવસમાં તેમની પિટિશનનો નિકાલ કરવા હુકમ કર્યો છે.

પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા ગતરોજ પ્રેસ મિટિંગ યોજી પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, યુનિવસિર્ટીમાં 2017 માં યોજાયેલ દાતા અને સંચાલન વિભાગની સેનેટની ચૂંટણીમાં 10 લાખ રૂપિયા દાન કર્યા હોવાની ટ્રસ્ટની ખોટી પાવતી બનાવી ખોટા દાતાઓ ઉભા કરી એક મતદાર દ્વારા બે થી વધુ મતદાન કરાવી ખોટી રીતે ચૂંટણીમાં સેનેટ તરીકે શૈલેષ પટેલ, હિરેન પટેલ, દિલીપ ચૌધરી સહીત ચાર સભ્યો ચૂંટાયા હતા, યુનિવસિર્ટીમાં 20 વર્ષથી ફક્ત 20 થી 25 દાતાઓ હતા, પરંતુ આ ચૂંટણીમાં 80થી વધુ દાતાઓ ક્યાંથી આવ્યા એટલે આ ચૂંટણીમાં 60 જેટલા ખોટા દાતાઓ ઉભા કરીને સેનેટની ચૂંટણી જીત્યા હોય ચૂંટણી સમયે પણ અરજદાર દ્વારા વિરોધ કર્યો હતો અને મેં સરકારમાં રજૂઆત કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ત્યારબાદ તાજેતરમાં હાઇકોર્ટમાં આ બાબતે પિટિશન કરતા કોર્ટ દ્વારા શિક્ષણ વિભાગ અગ્ર સચિવ હસ્તકની બાબત હોય 6 સપ્તાહ એટલે કે 45 દિવસમાં સચિવ દ્વારા તેમની રજૂઆત બાબતે તપાસ કરી નિર્ણય લેવા આદેશ કરવામાં આવ્યો છે.

ઇસી સભ્ય શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે કારણ કે દાતાની ચૂંટણી બિનહરીફ થઇ હતી તેમજ સંચાલન વિભાગમાં પણ કોઈ જ ખોટા મતદાન થયા નથી અને ચૂંટણીમાં ખોટું થયું હોય તો ઉમેદવાર કોર્ટમાં ન્યાય માંગી શકે તે ઉમેદવાર જ ન હતા જેથી તેમનો કોઈ હક્ક જ નથી કોર્ટમાં જવાનો પરંતુ યુનિ. દ્વારા તેમના પર ફરિયાદ નોંધાવી છે જેથી નવા નવા મુદાઓ પર આક્ષેપો કરી યુનિવસિર્ટીને બદનામ કરવા આ બધું કકરી રહ્યા છે.