મહેસાણા, તા.૦૧
2જી ઓકટોબરે અમદાવાદમાં યોજાનાર મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભાગ લેવા આવેલાં ઉત્તરપ્રદેશનાં મહિલા સરપંચો અને સ્વચ્છતાગ્રહી મહિલાઓએ બહુચરાજી તાલુકાના સ્વચ્છતામાં મોડેલ શંખલપુર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમે ગામમાં સ્વચ્છતાની જાળવણી બાબતે ઊંડો રસ દાખવ્યો હતો અને બાદમાં ગામડામાં પણ આવી સ્વચ્છતા હોય આજે અહીં જોયું તેવો પ્રતિભાવ આપ્યો હતો.
આ ટીમને સરપંચ ભીખીબેન પટેલ અને ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે ગામમાં સ્વચ્છતા અંગે જાળવણી, ડોર ટુ ડોર કચરા કલેકશનથી લઇ ડમ્પિંગ સુધીની વ્યવસ્થા તેમજ સ્વચ્છાગ્રહી કર્મચારીઓને અપાતી સુવિધાથી માહિતગાર કર્યા હતા. ટીમે સ્વચ્છતા અંગે ગામનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.
બહુચરાજી ટીડીઓ રણજીત કટારિયાએ જણાવ્યું કે, યુપીના 250 જેટલા મહિલા સરપંચો અને મહિલા સ્વચ્છાગ્રહીઓની ટીમ બહુચરાજી તાલુકાની મુલાકાતે છે. આ ટીમે સ્વચ્છતામાં મોડેલ વિલેજ શંખલપુર ગામ, બહુચરાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. આ ટીમે શંખલપુરની મુલાકાત દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થા ઉપરાંત પાણી વિતરણ નેટવર્ક, વોટર એટીએમ, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ગામમાં ઇન્ટરનલ રોડ નેટવર્ક તેમજ સ્થાનિક ગ્રામજનોની રહેણી-કરણી અંગે માહિતી મેળવી હતી.
ટીમ સાથે આવેલા ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લા પરિયોજના કો-ઓર્ડિનેટર સુરેન્દ્રકુમારે જણાવ્યું કે, શંખલપુર ગામની સ્વચ્છતા ખૂબ સારી છે, અહીં ઘનકચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત નેટવર્ક છે, જેના કારણે આ શક્ય બન્યું છે. આ ગામમાંથી પ્રેરણા લઈ અમે અમારા ગામોમાં વિકાસ માટે પ્રયાસો કરીશું.