યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. ગરબીના આયોજકના મતે પટેલ યુવક ગરબી મંડળ છેલ્લાં સાત દાયકાથી ગરબીનું આયોજન કરે છે. આ પ્રકારના આયોજન પાછળનો તેનો હેતું પ્રાચીન પરંપરાને જાળવી રાખવાનો છે.આ રાસને નિહાળવા માટે લોકો અહીં દૂર દૂરથી આવે છે. તો બીજી તરફ રાસની તૈયારી માટે 75 જેટલા ખેલૈયાઓ પણ દોઢ થી બે માસ સુધી સતત પરસેવો પાડે છે અને વિવિધ સ્ટેપ્સ સાથેના આ રાસ તૈયાર કરે છે. મશાલ રાસ દરમિયાન ખેલૈયાઓ હાથમાં સળગતી મશાલ લઈને તો રમે જ છે. પરંતુ, રાસના અંતમાં ખેલૈયાઓ જ્યાં રમતા હોય છે ત્યાં સળગતા કપાસીયા નાંખવામા આવે છે. તેના પર ખુલ્લા પગે રમી માતાજીમાં અનેરી આસ્થાનુ ઉદાહરણ પૂરું પાડે છે. આજે જ્યારે શેરી ગરબીઓ લુપ્ત થઈ રહી છે.