યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં

દાંતીવાડા, તા.૧૦

પાંથાવાડામાં એક યુવક ડેન્ગ્યુમાં સપડાતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. જ્યારે વડગામ તાલુકાના છાપી ખાતે લાટીબજારમાં રહેતા એક 8 વર્ષીય બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં રહેતા 17 વર્ષીય દેવ જગદીશભાઈ ખંડેલવાલને તાવ આવતાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ યુવકની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં લેબોરેટરી પરિક્ષણ કરાવાતાં પરિક્ષણમાં યુવકને ડેન્ગ્યુ હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેને લઇ આજુબાજુના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો છે. આમ આરોગ્ય વિભાગ રોગચાળો વકરે તે પહેલા કાબુમાં લેવા ફોગીંગ અને દવા છંટકાવ કરે તેવી લોક માંગ ઉઠી છે.

બીજીતરફ વડગામના છાપી લાટીબજારમાં રહેતા અફતરહુસેનના 8 વર્ષીય પુત્ર એજાજને ચાર દિવસ પૂર્વે તાવ આવતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં તબિયત વધુ લથડતાં તાત્કાલિક પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતા ડેન્ગ્યુને લઇ પંથકમાં ખળભળાટ મચ્યો છે. જોકે ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં છાપી સહિત વડગામની આરોગ્ય ટીમોએ છાપીના વિવિધ વિસ્તારમાં ફોગીંગ સહિત જંતુનાશક દવાનો છંટકાવ કરી સમગ્ર વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. છાપીમાં પંદર દિવસમાં ત્રીજો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.