રતનપુર ચેકપોસ્ટેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે યુવાનો ઝડપાયા

મોડાસા, તા.૦૬ 

અરવલ્લી પોલીસે તાજેતરમાં જ શામળાજી પાસેથી બે દેશી પીસ્ટલ સાથે ગ્વાલિયર મધ્યપ્રદેશના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. હજુ તો તેની તપાસ પોલસ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પરની રતનપુર ચેકપોસ્ટ પાસેથી મેડ ઈન યુએસએ લખેલી પિસ્ટલ સાથે અમદાવાદના બે શખ્સોને એસઓજી અને શામળાજી પોલીસે બાતમીના આધારે દબોચી લીધા હતા.

પોલીસવડા મયુર પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ તેમજ એસઓજીના પોલીસ ઇન્સપેક્ટર જે.કે.રાઓલની સૂચનાથી પી.એસ.આઇ એસ.એચ શર્મા તેમજ શામળાજી પોલીસ સ્ટાફ રતનપુર ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમ્યાન પોલીસે બાતમીના આધારે ત્યાંથી પસાર થતી અલ્ટો કારને અટકાવી તલાશી લેતાં કારમાંથી મેડ ઈન યુએસએ લખેલી એક પિસ્ટલ મળી આવી હતી.

પોલીસે ગેરકાયદે રાખેલી રૂ.15 હજારની પિસ્ટલ તેમજ અલ્ટો કાર તેમજ રૂપિયા 6000ની કિંમતના બે મોબાઇલ રોકડ રૂપિયા 550 તેમજ કાર સહિત કુલ રૂપિયા 2,21,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઇ રોહિત સત્યનારાયણ પ્રજાપતિ રહે.293/6 પઠાણની ચાલી રાયપુર દરવાજા બહાર અમદાવાદ અને રવિન્દ્ર ભીખાભાઇ સોની રહે.જીબી-1 યોગેશ્વરપાર્ક બાપુનગર અમદાવાદના બંન્ને શખ્સોને ઝડપી તપાસ હાથ ધરી છે.