રતન પોળના નાકા પાસે એક શખ્સે હાથ પકડી રાખ્યો અને બીજાએ ખિસ્સામાંથી પડીકું કાઢી લીધું

અમદાવાદ, તા. 23.

શહેરના રતન પોળના નાકા પાસે સોનાના કારીગરનો પંદર વર્ષીય પુત્ર રૂપિયા 3.28 લાખની રણી લઈને આવી રહ્યો હતો. ત્યારે બે શખ્સોએ વિંટીની દુકાનનું સરનામું પૂછવાના બહાને એક શખ્સે તેનો હાથ પકડી રાખ્યો અને બીજા શખ્સે તેના ખિસ્સામાંથી રણીનું પડીકું કાઢી લીધું હતું. જે અંગે બાળકના પિતાએ કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના હુગલીના ગુપ્તીપાડાના વતની અને હાલમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં પટેલનું મેદાન પાસે ઇમરાન રેસિડેન્સીમાં રહેતા કિતાબુલ આઈજૂલ શેખની રતન પોળમાં ભાવનગરી ચેમ્બરમાં દુકાન રાખીને સોના ચાંદીની રણીઓનું કટિંગ કરવાનું કામ કરે છે.  ગત તા. 21 મીના રોજ બપોરે બારેક વાગે તેની દુકાનના મોબાઈલ ફોન ઉપર શુભાંકર જાનાનો ફોન આવ્યો હતો. તેમને સોનાના દાગીના બનાવવા માટે ઓર્ડર મળ્યો હોવાથી સોનાની રણીઓ આવી હતી તેને કટિંગ માટે લઈ જવા કહ્યું હતું. જેથી કિતાબુલ શેખ પોતે કામકાજમાં હોવાથી તેણે તેમના દીકરા સાહિલ (ઉ.15)ને શુભાંકર જાનાની દુકાને મોકલ્યો હતો. તે સોનાની રણીઓ લઈને પરત દુકાને આવતો હતો ત્યારે રતન પોળના નાકા પાસે બે શખ્સે તેને અટકાવ્યો હતો. જેમાં એક 20થી 25 વર્ષના શખ્સે તેનો હાથ પકડી રાખીને વિંટીની દુકાનનું સરનામું પૂછવાના બહાને વાતોમાં રાખ્યો હતો. ત્યારે બીજા 40થી 45 વર્ષની વયના ગોળ ટોપી પહેરેલા શખ્સે તેના પેન્ટની જમણી બાજુના ખિસ્સામાં રહેલા 90 ગ્રામ અને 270 મિલિગ્રામ સોનાની રણી કિંમત રૂ. 3.28 લાખના પડિકાને કાઢીને લઈ ગયા હતા. જે અંગે સાહિલે તેના પિતાને જાણ કરતાં તેમણે કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.