રબારિકા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરતાં પાંચ લોકો ઝડપાયાઃ 25 હજારનો દંડ

અમરેલી,તા:01

છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર સિંહ દર્શનની અનેક ફરિયાદો વનવિભાગને મળી હતી. તેમજ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવીને આવા તત્વો લોકો પાસેથી પૈસા પડાવી રહયા હતા. જેની બાતમી વનવિભાગને મળી હતી. જે અંતર્ગત વનવિભાગ સતર્ક બન્યું હતું. તેમજ આવા તત્વોને ઝબ્બે કરવા માટે ઓપરેશન ચલાવી રહ્યા હતા. આવી જ રીતે અમરેલીના ખાંભાના રબારીકા રેન્જમાં જંગલ માં ગેરકાયદેસર સિંહ દર્શન કરી રહેલા પાંચ શખ્સો અભિષેક સાવલીયા,બાવનોલ,અવિનાશ સાવલીયા,સંદીપ સાવલીયા અને પ્રવીણ સાવલીયાને વન વિભાગે ઝડપી લીધા હતા.ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતાં તેમને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.વનવિભાગની કાર્યવાહીને કારણે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.વનવિભાગે પણ ગીરમાં આવતા પ્રવાસીઓને ગેરકાયદે સિંહદર્શન ના નામે ચાલતા ગોરખધંધા થી સાવધાન રહેવા પ્રવાસીઓને અપીલ કરી છે.અગાઉ પણ આવી રીતે કેટલાય પ્રવાસીઓને લૂંટતાં લાલચી લોકો સામે વનવિભાગે કાર્યવાહી કરી હતી.