દીવ-દમણ પ્રદેશના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ દ્વારા સી-પ્રિન્સેસ હોટલના કૂક પર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પોલીસે કૂકની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાની વિગત મુજબ મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને હાલ દમણની સી-પ્રિન્સેસ હોટલમાં કૂક તરીકે નોકરી કરતો 18 વર્ષીય મુકેશ સતન મલિક દોઢ વર્ષથી દેવકા ખાતે આવેલી હોટલ સી-પ્રિન્સેસમાં કૂક તરીકે નોકરી કરે છે. ગઈ તારીખ 26મી ફેબ્રુઆરીએ સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન મુકેશના મોબાઈલ નંબર પર ફોન કરવામાં આવે છે અને તેને સી-પ્રિન્સેસ હોટલ પર કોઈ મળવા આવ્યું હોવાનું જણાવવામાં આવે છે. હોટલ પર પહોંચતા મુકેશને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી સી-વ્યૂ હોટલના સંચાલક હેમરાજ પાસે લઈ જવામાં આવે છે.
મુકેશે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે હેમરાજ અને અન્ય્ શખ્સો દ્વારા ગંદી ગાળો બોલવામાં આવી હતી અને ત્યાર બાદ ઢીક્કા-મુક્કીનો માર મારવામાં આવ્યો હતો. પૂછવા પર આ લોકોએ મુકેશ પર ચોરીનો આળ મૂક્યો હતો. ચોરી કરી ન હોવા છતાં સી-વ્યૂ હોટલના સંચાલક હેમરાજ તથા તેના સાગરિતોએ ઘાતક હથિયારો સાથે મુકેશ પર હુમલો કર્યો હતો અને લોહીલૂહાણ કરી મૂક્યો હતો. આ ઉપરાંત મુકેશને ઈલેક્ટ્રીક શોક પણ આપવામાં આવ્યા હતા.
આ ઘટના દરમિયાન હાર્ડિસ વિલા હોટલના માલિક હાર્દિક ત્યાં આવી પહોંચતા મુકેશને લોહી નીતરતી હાલતમાં મરવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મુકેશની હત્યા કરવાના ઈરાદે હેમરાજ અને તેની ટોળકીએ એક કૂક પર તૂટી પડી કાળો કેર વર્તાવ્યો હતો. હેમરાજ પાસે રાજકીય વગ હોવાથી પોલીસ પણ હાથ નાંખતા ડરી રહી હતી પરંતુ ફરીયાદી મુકેશ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત થતાં કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા, નાની દમણમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.