રસ્તા પરથી ઉંચકીને 80 લોકોને સાચવતું સુરતનું માનવ મંદિર

સુરત-કામરેજ રોડ ખાતે આવેલા માનવ સેવા સમાજ ટ્રસ્ટ 2016થી સંચાલિત જીવન જ્યોત માનવ મંદિર 80 મંદબુદ્વિ આશ્રમ  બિનવારસી, રખડતા, ભટકતા, તરછોડેલા, અપંગ,વૃદ્વ, ભુલા પડેલા બાળકો સહિત લોકોને આશ્રમમાં એમ્બ્યુલન્સ મારફતે લાવે છે, અને તેમની દેખભાળ અને સેવા કરે છે.

રોડ પરથી લાવીને સૌ પ્રથમ સ્નાન કરાવાય છે. વાળ કાપી અને નાસ્તો કરાવીને સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઇ જાય છે. સવાર-સાંજ જમવાનું અને બપોરે નાસ્તો કરાવે છે. નિરાધારોને મનોરંજન મળી રહે તે માટે રમત અને રાસ-ગરબા પણ રમાડે છે. ઘણી વખત લોકો પોતાનો જન્મ દિવસ અહીં આશ્રમમાં ઉજવવા આવે છે. જેમાં લોકોને નાસ્તો આપવામાં આવે છે. આ ઉપરાંત ડાન્સ પણ કરતાં હોય છે. જીવન જ્યોત માનવ મંદિર મંદબુદ્વિ આશ્રમમાં 80થી વધુ લોકોની હાલમાં દેખભાળ 8થી 9 વ્યકિતઓ કરે છે. દરરોજ પેન્સિલ, કાગળ આપવામાં આવે છે. જેથી પોતાના ઘરનું સરનામું જણાવે તો તેમને ઘર સુધી પહોંચાડી શકાય. 70થી વધુ લોકોની માનસિક સ્થિત સારી થતાં તેમણે જણાવ્યાં સરનામે પહોંચાડ્યા છે. આશ્રમને નાનીમોટી જરૂરિયાત હોય જેમ કે, જુના કપડાં, ધાબળાં વગેરે આપવા માટે અપીલ કરી છે.