રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની ઓર્ડર બુક જોતાં ઇન્વેસ્ટ કરી શકાય

અમદાવાદ,રવિવાર

કેન્દ્ર સરકારે પ્રમોટ કરેલી રાઈટ્સ લિમિટેડની રૂા. 6100 કરોડની તગડી ઓર્ડર બુક જોતાં અને દેશવિદેશમાંથી તેને મળી રહેલા નવા નવા ઓર્ડરને જોતાં તેના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું વિચારી શકાય છે. ભારત સરકાર પણ રેલવેની સુવિધામાં સતત સુધારો કરી રહી હોવાથી તેની ઓર્ડર બુકમાં વધારો થવાનું ચાલુ રહેવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. છેલ્લે ઘાનાની સરકાર સાથે કંપનીએ માળખાકીય સુવિધા ઊભી કરી આપવા માટે કરાર કર્યા છે. બહુધા આ કરાર રૂા. 160 કરોડનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પહેલી નવેમ્બરે બજાર બંધ રહ્યું ત્યારે તેની સ્ક્રિપનો ભાવ રૂા.4.50ના ઊછાળા સાથે રૂા. 287 પર બંધ રહ્યો હતો. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.160.48નું તળિયું અને રૂા. 295.50નું મથાળું જોયું છે. આમ તો તેની સ્ક્રિપના ભાવમાં ગત  મે માસથી એકધારો સુધારો જોવા મળી રહ્યો છે. રૂા.  180ની સપાટીથી સુધરતો આવેલો શેર આજે રૂા. 287ની સપાટીને આંબી ગયો છે. તેની ઓર્ડર બુક અને તેના નાણાંકીય પરફોર્મન્સને જોતાં આગામી મહિનાઓમાં કદાચ 2019-20ના અંત સુધીમાં જ સ્ક્રિપ રૂા. 340ની સપાટીને વળોટી જાય તેવી ધારણા છે. કંપનીનું બજાર મૂડીકરણ રૂા.7175 કરોડનું છે. પ્રાઈસ ટુ બુક વેલ્યુ 3.01 ગણી છે. સ્ક્રિપની બુક વેલ્યુ રૂા.95.35ની છે. સ્ક્રિપનો પી.ઈ. રેશિયો 15.64નો છે. સૌથી મોટી વાત તો એ છે કે કંપની ડિવિડંડ આપતી કંપની છે. છેલ્લે તેણે રૂા. 10ની ફેસ વેલ્યુના શેર પર રૂા.12.70નું ડિવિડંડ આપ્યું હતું. ડિવિડંડ યિલ્ડ 4.44 ટકાની છે. કંપનીના વિકાસની શક્યતા ઘણી જ સંગીન છે. તેમ જ તેના શેરનો ભાવ વાજબી સપાટીએ છે. આ સંજોગોમાં દરેક ઘટાડે તેમાં ઇન્વેસ્ટ કરવાની તક ઝડપી શકાય છે. વર્તમાન ભાવ સપાટીએ પણ રોકાણ કરનારને નુકસાન થવાની સંભાવના સીમિત છે. છતાંય સ્ટોપલોસ રાખીને જ કામકાજ કરવા જરૂરી છે.

રાઈટ્સ લિમિટેડના શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું આયોજન કરી શકાય છે. રેલવેના એન્જિનિયરિંગના બિઝનેસ સેક્ટરની આ કંપની છે. કંપનીના ફંડામેન્ટલ્સ સંગીન છે. છતાંય મિડકેપ શેર્સના ભાવમાં તાજેતરના મહિનાઓમાં વધારો જોવા મળ્યો ત્યારે રાઈટ્સ લિમિટેડના શેર્સના ભાવમાં વધારો જોવા મળ્યો નહોતો. તેનું મૂલ્ય આકર્ષક હોવા છતાંય રોકાણકારોનું તેના પર ઓછું ગયું છે. વાર્ષિક ધોરણે કંપનના પરફોર્મન્સની વાત કરવામાં આવે તો તેની આવકમાં છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં ઇન્વેસ્ટર્સને 66 ટકાનો વધારો થયો છે. તેનો ત્રિમાસિક ગાળાનો ઓછામાં ઓછો વધારા 31 ટકાનો રહ્યો છે. મિડકેપ સેક્ટરની આ સૌથી ઝડપથી વિકસી રહેલી કંપની છે. કંપનીનો વિકાસ દર સારો છે કારણ કે કંપનીની ઓર્ડર બુક સંગીન છે. આ ઓર્ડર બુક પ્રમાણે કામકાજનો અમલ પણ સંગીન રીતે કરવામાં આવી રહ્યો હોવાથી કંપનીનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે. માર્ચ 2019ના અંતે કંપનીએ રૂા.131.82 કરોડનો નફો કર્યો હતો. જૂન 2019ના અંતે એટલે કે ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે તેનો નફો રૂા.92.62 કરોડનો રહ્યો છે. તેરમી નવેમ્બરે બીજા ત્રિમાસિક ગાળાનું પરિણામે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ પણ શેરના ભાવમાં ખાસ્સી હલચલ જોવા મળશે.

સરકાર વતીથી મળતા ઓર્ડરનો અમલ કરતી રાઈટ્સ લિમિટેડને રેલવેના ઓર્ડરનો અમલ કરવાનો હોય છે. કંપની ટર્નકી ધોરણે પ્રોજેક્ટ તૈયાર કરી આપવાનું કામ લે છે. તેમ જ પ્રોજેક્ટ તૈયાર કરવા માટેના કન્સલ્ટન્ટ તરીકેની સેવા પણ આપે છે. રેલવે સેવાને સુધારવા અને વધુ સુવિધાસભર બનાવવા સરકાર તત્પર છે તે બાબતનો લાભ રાઈટ્સ લિમિટેડને મળી રહ્યો છે. 2017ની સાલમાં રાઈટ્સ લિમિટેડ પાસે રૂા. 4800 કરોડના ઓર્ડર હતા. આજે 2019ની સાલમાં તેની પાસે રૂા. 6100 કરોડના ઓર્ડર છે. તેની આ ઓર્ડર બુક તેના વાર્ષિક વેચાણના ત્રણ ગણી છે. કંપનીનું વાર્ષિક કામકાજ અંદાજે રૂા.2000 કરોડની આસપાસનું છે. આ સંજોગોમાં કંપનીની આવકમાં વધારો થવાની સંભાવના વધુ સારી જણાઈ રહી છે.

કંપનીને મળતા પ્રોજેક્ટ્સના કામકાજમાંથી થતી કુલ આવકમાંથી 25 ટકા આવત તો ટર્ન કી પ્રોજેક્ટની આવકમાંથી મળે છે. આમ સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરી આપીને સંબંધિત સંસ્થાને તે શરૂ કરવાની કામગીરી સોંપી દેવાની આ કંપનીને મળતા પ્રોજેક્ટમાં હોવાનું જોવા મળે છે. ટર્ન કી પ્રોજેક્ટ થકી તેને થતી આવકમાં પહેલા ત્રિમાસિક ગાળાને અંતે 68 ટકાનો વધારો થયો છે. 2018ના વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન થયેલી આવકની તુલનાએ આ વધારો જોવા મળ્યો છે.

બીજી તરફ પહેલા ત્રિમાસિક ગાળામાં કન્સલ્ટિંગના બિઝનેસ થકી કંપનીને થતી આવકમાં 11 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના વ્યાજ ખર્ચ અને આવકવેરાના ખર્ચ પહેલા કંપનીને મળતા માર્જિન 40 ટકાના છે. તેથી કંપનીના વાર્ષિક નફામાં આ બિઝનેસ થકી થતાં નફાનો હિસ્સો ઘણો વધારે છે. કંપનીના અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ડેપ્રિસિયેશન, ટેક્સ એન્ડ એમોર્ટાઈઝેશન પૂર્વેના માર્જની 26 ટકા છે. રેલવે ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓની તુલનાએ આ માર્જની ઘણાં જ ઊંચા છે. કંપનીને વધુ વર્કિંગ કેપિટલની જરૂર પડતી નથી. કંપનીને માથે કોઈ જ દેવું નથી તે તેનું એક સૌથી મોટું જમા પાસું છે. કંપનીને રેલવે તરફથી એડવાન્સમાં ઓર્ડર આપી દેવા પડે છે. કંપની પાસે અત્યારે રૂા. 1500 કરોડની વણ વપરાયેલી રોકડ પડેલી છે. તેની પાસે કુલ રોકડ અંદાજે રૂા.3500 કરોડની છે. આ રોકડને હવે વધુ નફો કરાવતા ક્ષેત્રમાં અને એક્સપોર્ટના કામકાજ વધારવામાં લગાડવામાં આવી રહી છે. તેના થકી પણ કંપનીની આવકમાં વધારો થઈ રહ્યો છે.