કાંકરીયાની રાઈડ તૂટી પડવાની ઘટનામાં બે લોકોના મોત બાદ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી મેયર રાજીનામું આપે એવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.મેયર કચેરીમાં કોંગ્રેસના કોર્પોરેટરો મેયર વિરૂધ્ધ તૈયાર કરવામાં આવેલા બેનરો સાથે ધસી ગયા હતા. જયાં હાય રે મેયર હાય હાય,ભાજપના રાજમાં કાંકરીયા કાંડ, ભાજપ અને કોન્ટ્રાકટરની મિલીભગત ખુલી જેવા બેનરો સાથે ધસી ગયા હતા. રજુઆતને રાજકીય રૂપ આપવાનો પ્રયાસ કરવામા આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. એક તબકકે બંને પક્ષના નેતાઓ વચ્ચે હાથાપાઈ થઈ જાય ત્યાં સુધીની નોબત આવી ગઈ હતી. વિપક્ષનેતા દિનેશ શર્માની આગેવાનીમાં મેયર બિજલ પટેલ રાજીનામુ આપે અને મૃતકોના પરીવારજનોને પાંચ લાખ અને ઘાયલોને રૂપિયા એક લાખ સુધીનુ વળતર મેયર ફંડમાંથી આપવામા આવે એવી રજુઆત કોંગ્રેસ પક્ષના નેતાએ કરી હતી. વિપક્ષનેતાએ કહ્યુ, તમે રિવરફ્રન્ટની ઘટના સમયે શહેરમાં ફરી આવી ઘટના નહીં બને એમ નિવેદન કર્યુ હતુ. એનુ શું.
એમ્બ્યુલન્સ નહી આવતા ખાનગી વાહનોમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા – હેડિંગ
રાઈડ અકસ્માતની ઘટનામાં ઘાયલ લોકો સુધી એમ્બ્યુલન્સ પહોંચવામાં 20થી વધુ મીનીટનો સમય થઈ ગયો હતો. કાંકરિયા ખાતે હાજર કેટલાક લોકોએ પોતાની કાર એમ્યુઝમેન્ટ પાર્કમાં લઈ આવી ઈજાગ્રસ્તોને તેમાં બેસાડી એલ.જી.હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. મૂળ રાજસ્થાનના રિન્કેશ જૈન અને તેમની બહેન તેમજ અંકિતકુમાર સહિત અન્ય લોકોને માનવતાના ધોરણે કેટલાક લોકોએ કારમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભારે અગવડનો સામનો કરવો પડ્યો – હેડિંગ
સારવાર લઈ રહેલા મૂળ રાજસ્થાનના રિન્કેશ જૈનના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને સ્ટ્રેચર ઉપર એક્ષરે રૂમ તેમજ સિટી સ્કેન સેન્ટર સુધી લઈ જવા માટે કોઈ વોર્ડ બોય જ હાજર ન હતા. ડૉકટરે લખી આપેલી દવા પણ બહારથી ખરીદવી પડી છે. જયારે સિટી સ્કેન માટે લઈ જવાયા ત્યારે પણ સ્ટાફ દ્ધારા એક હજાર રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. રિન્કેશ જૈન અને તેમની બહેન નિશા બંને જણાને રાઈડ એક્સિડન્ટના કારણે હાથ અને પગમાં ફ્રેકચર થયા છે.