રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી બનાવવા 2007 અને 2009માં વાયબ્રંટ ગુજરાત વખતે પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ MoU કર્યા હતા. 10 વર્ષથી ઔદ્યોગિક વસાહત તો ન બની પણ તે પ્રોજેક્ટ જ રદ કરી દેવાનો નિર્ણય વિજય રૂપાણીની ભાજપ સરકાર અને આ વિસ્તારના નેતા અને GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપુતે લીઘો હોવાથી લોકોમાં ભારે રોષ છે. અહીંના સામાજિક કાર્યકર સુધીરભાઈ ઠક્કર ગાંધીનગરમાં GIDCની જ્યાં કચેરી આવેલી છે ત્યાં ઉદ્યોગ ભવન ખાતે આમરણાંત ઉપવાસ પર બેસીને મોદી સરકારની પોલ ખોલી રહ્યાં છે.
ગુજરાત વાયબ્રંટ જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1 હજારથી વધું ખેડૂતોએ રેલી કાઢી આવેદનપત્ર આપવાની તૈયારીઓ કરતા પોલીસે કાર્યકરોને 22 જાન્યુઆરી 2019ના રોજ નજરકેદ કરી લેતા આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા. મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપતા પારણા કરાવવામાં આવ્યા હતા.
જ્યાં સુધી જીઆઈડીસી બાબતે નિર્ણય ના લેવાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરીને સુધીરભાઈ સાંતલપુરની પ્રાંત કચેરી આગળ ઉપવાસ ઉપર બેસી ગયા હતા. ત્યાર બાદ GIDCના અધ્યક્ષે ખાતરી આપતાં તેઓએ પારણાં કર્યા હતા.
સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝીયન રિજીયન (એસ.આઈ.આર) સેઝમાં ગેઝેટ થકી અને GIDC દ્વારા રાધનપુર, સાંતલપુર તાલુકાના 23 ગામોની જમીન GIDC દ્વારા 5494 હેકટર જમીન સંપાદન કરવાની હતી. ભાજપની રાજકીય કિન્નાખોરીથી GIDC 25 ડિસેમ્બર 2019માં રદ કરી દીધી હતી. 2007 થી 2013 સુધી સર, GIDC, મહેસુલ, ઉદ્યોગ વિભાગમાં મંજૂરીની કાર્યવાહી થઈ હતી. 2013માં 4 ગામોની જમીન સંપાદન અંગેનું જાહેરનામુ બહાર પડ્યું હતું.
GIDCની વિબસાઈટ પર 19 ફેબ્રુઆરી 2019માં સાંતલપુરમાં 186 ચોરસ કિલો મીટર વિસ્તારમાં SIR બનાવવાની યાદીમાં છે. જ્યાં કૃષિ આધારિત ઉદ્યોગો, કરાર આધારિત ખેતી, સૂર્ય વીજળી વગેરે બની શકે તેમ છે એવું જાણવેલું છે. સાંતલપુર જી.આઈ.ડી.સી.માં આવતા ગામો સાદપુરા, વાંઢીયા, કોલીવાડા, નવાગામ, ઉંદરગઢા, ઝાઝણસર, નાની પીપળી, મોટી પીપળી, જોરવારગઢ જાહેર કરાયા હતા.
સામાજિક કાર્યકર સુધીર ઠકકરે જાહેર કર્યું હતું કે પછાત અને સૂકા એવા વિસ્તાર માટે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પછાત તાલુકાને ફુટબોલની જેમ રમાડયો હતો. જેમાં તેઓ રાજકીય લાભ પણ લઈ ગયા હતા. હવે બધું પડતું મૂકી દીધું છે. જમીન લે-વેચ કરવામાં મોટો લાભ લઈ ગયા. જમીનો સસ્તા અને પાણીના ભાવે વેચાઈ ગઈ છે. મળતીયાઓ ફાવી ગયા છે. GIDCના એમ.ડી.ને ઉકત ફાઈલ માટે મળ્યા તેમણે કહ્યું હતું કે, સીએમ કે અગ્ર સચિવનો ફોન આવે તો ફાઈલ પુનઃ ચાલે તેમ છે.
કંડલા, મુદ્રા પોર્ટ, રાજસ્થાન, દિલ્હી, પંજાબને જોડતો ફોરલેન હોવાથી અનુકૂળ વિસ્તાર છે. પાણી માટે અહીંથી નર્મદા કચ્છ શાખા નહેર, ગેસની પાઈપ લાઈન નીકળે છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલ માટે રણ અને દરિયો છે.
આમ બધીજ રીતે ઉદ્યોગો માટે અનુકુળ હોવા છતાં અહીં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હોવાથી રાજકીય કિન્નાખોરીથી વસાહત રદ કરવામાં આવી છે. અહીંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ટેકો આપીને છટકી ગયા છે. સૂર્ય ઊર્જા, કોલસા પાવર પ્રોજેકટ બની શકે છે. બેકારીના કારણે લોકો હિજરત કરી રહ્યાં છે.
(દિલીપ પટેલ)