રાજકોટનાં ધારાસભ્ય રૈયાણીએ માતાજીનાં દર્શન બૂટ પહેરીને કરતાં વિવાદ

આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. દરેક રાજકીય પક્ષનાં નેતાઓ પોતાનાં મત વિસ્તારોમાં ગરબાનાં કાર્યક્રમોમાં હાજરી આપીને આરતી ઉતારે છે. ત્યારે તેઓ સત્તાનાં મદમાં એટલાં મસ્ત હોય છે કે માતાજીની આરાધના કરવાની હોય ત્યારે પગમાં ચપ્પલ ન પહેરાય એ પણ ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો. તેમણે બૂટ પહેરીને માતાજીનાં દર્શન કરતી વખતે પગમાં બૂટ પહેરેલાં હતાં તે કાઢવાનું ભૂલી ગયાં. રૈયાણીની આ પ્રકારની તસ્વીર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભાવિક ભક્તો અને ખૂદ તેમનાં મતવિસ્તારનાં મતદારોની ધાર્મિક લાગણી દૂભાઈ છે.
હંમેશા વિવાદમાં જ રહેતાં રાજકોટનાં વિવાદીત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ બૂટ પહેરીને ખોડીયાર માતાજીના દર્શન કર્યા હતાં..નવલી નવરાત્રિના પ્રથમ નોરતામાં જ અરવિંદ રૈયાણીનો બુટ પહેરીને દર્શન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સ્થાનિક લોકો સાથેની વાતચીતમાં લોકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મની પરંપરા મુજબ હંમેશા બૂટ ચપ્પલ કાઢીને જ દર્શન કે આરતી ઉતારવાની હોય છે, પરંતુ ધારાસભ્ય બન્યાં પછી સત્તાનાં મદમાં મસ્ત અરવિંદ રૈયાણી હિન્દુ ધર્મની પરંપરાને ભૂલી ગયાં જેનું દુઃખ લોકોએ વ્યક્ત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અરવિંદ રૈયાણી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ થયેલા છે અને આ ધમકીને કારણે વરરાજા સાથેની જાણ મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવા માટે કોર્પોરેશનની કચેરીએ જાનૈયાઓ પહોંચ્યા હતાં. આ ઉપરાંત ચૂંટણી પૂર્વે પણ બળજબરીપૂર્વક પોતાના મતવિસ્તારમાં દુકાનમાં ઘૂસી દુકાનદારને માર મારવામાં આવ્યો હતો ત્યારે પણ અરવિંદ રૈયાણીએ પાયાવિહોણી વાત કરી ભીનું સંકેલવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. થોડા દિવસ પૂર્વે તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ વાપરવા મામલે થયેલ બબાલમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. એટલે રંગીલા રાજકોટવાસીઓ તેમનાં માટે એવું કહે છે કે વિવાદોનું બીજું નામ એટલે કે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી.