રાજકોટ,તા:૨૨ કુવાડવા રોડ પરના ક્રિષ્ના વોટરપાર્કમાં નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલા દ્વારા સાથી પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પાર્ટી આપવામાં આવી હતી, જેમાં નિવૃત્ત ડીવાયએસપી સહિતના આશરે 40 લોકો હાજર હતા. પાર્ટીમાં સામેલ નિવૃત્ત ડીવાયએસપી સહિત 10 લોકોને પોલીસે પકડી લીધા છે, જ્યારે ફરી 5 શખ્સની આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે.
રાજભા વાઘેલાએ પાર્ટીમાં આશરે 40 લોકોને દારૂની મહેફિલ માટે આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રિતો પૈકી એક વ્યક્તિએ વીડિયો ઉતારતાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાર્ટીમાંથી જપ્ત કરાયેલી કારના પાંચ માલિકોની હાલમાં અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
દરોડાની કાર્યવાહી થતાં નિવૃત્ત ડીવાયએસપી સહિત 10 લોકોને ઝડપી લેવાયા હતા, જ્યારે અન્ય લોકોને વોટરપાર્કની દીવાલ કૂદાવી ભગાડી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે ઝડપાયેલા 10 પૈકી 5 પાસે દારૂ પીવાનું લાઈસન્સ છે.
શરૂઆતમાં મીડિયાને આ અંગેની કોઈ માહિતી આપવામાં આવી નહોતી, પરંતુ મીડિયામાં હોબાળો મચી જતાં સામાન્ય વિગતો આપવા માટે પોલીસ તંત્ર મજબૂર બન્યું હતું. જો કે કેટલાક લોકોને બચાવવાના ભાગરૂપે તેમના મેડિકલ ટેસ્ટ 15 કલાક બાદ કરવામાં આવ્યા હતા. જો કે બે મોઢાની વાત કરતી પોલીસે પહેલાં 10 લોકો દારૂના નશામાં હોવાનું કબૂલ્યું હતું, પરંતુ દારૂની બોટલ સહિતની મતા ન મળી હોવાનું બાદમાં પોલીસે જણાવ્યું હતું. આ અંગે એસીપીએ બચાવ કરતાં જણાવ્યું હતું કે, ફરાર થયેલા લોકોની ઓળખ કરીને તેમને ઝડપી લેવામાં આવશે.