રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ

રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે.

બામણબોર જીઆઈડીસી અને હવાઈ મથક નજીક જસદણના એક વ્યક્તિને આ જમીન આપી દેવામાં આવી છે. ત્યાર બાદ તુરંત તે જમીન રાજકોટના કેટલાંક રાજકીય મળતીઆઓને આપવામાં આવી છે. જમીન સરકારી ખરાબાની છે. ચોટીલાના ધાડવી નામના મામલતદારને ઉચ્ચ અધિકારીએ જમીન આપી દેવા માટે દબાણ કર્યું હતું. નોંધ નંબર 1907થી 1909 અને 1914થી 1930ની જમીન વિવાદમાં હતી. સરકાર સમક્ષ તે અંગે નિર્ણય લેવાનો હતો. 1957માં જસદણના હકુ ખોડા ખાચર જે ત્યારે બે વર્ષની ઉંમરના હતા તેને નિયમ ભંગ કરીને વેચાણથી આપી દેવામાં આવી હતી. વર્ષો જુના સ્ટેમ્પ પેપર પર તાજું લાખાણ થયું છે. જેની નોંધણી પણ થઈ નથી. જેની તપાસ ફોરેન્સીક સાયંસ લેબ દ્વારા કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવી શકે તેમ છે. જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ 54 એકરથી વધું જમીન રાખી શકાતી નથી. તેમ છતાં ખાચર પાસે 520 એકર જમીન કઈ રીતે રહી હશે એ તપાસનો વિષય છે.

ડેપ્યુટી કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ કહે છે કે, મામલતદાર દ્વારા 18 ઓગસ્ટે કલેક્ટરને રિવિઝન નોંધ કરવા માટે મોકલી છે. તે અંગેના તમામ દસ્તાવેજ કલેક્ટરને આપવા માટે આદેશ કરાયો હતો. તે તપાસ કરતાં જણાયું હતું કે તે જમીન મોરબી અને રાજકોટના ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ખસેડવામાં આવ્યા હતા. તેનું મહેસુલી રેકર્ડ રાજકોટ મોકલવાનું હતું. તે સમય દરમિયાન આ કૌભાંડ આચરીને દસ્તાવેજો રાજકોટ કલેક્ટરને મોકલી આપવામાં આવ્યા હતા.

આ જમીન 14 ઉદ્યોગપતિઓ દ્વારા ખરીદી લેવામાં આવી છે. જે એરપોર્ટ બની જતાં સોનાની લગડી જેવી કિંમત થઈ જશે. આ અંગે સરકારે હજુ સુધી તપાસના આદેશ કર્યા નથી.